Loksabha Election 2024: 7 તબક્કામાં યોજાશે ચૂંટણી, ગુજરાતમાં 7 મે મંગળવારે મતદાન, 4 જૂને પરિણામ

loksabhaElectionDate

લોકસભામાં કુલ 543 સીટો છે, જેના માટે 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે અને સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

85 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો તેમના ઘરે જઈને મતદાન કરાવવામાં આવશે

Loksabha Election 2024: ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં 2024 લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 7 તબક્કામા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે અને સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 

કયા તબ્ક્કામાં કઈ તારીખે અને ક્યાં મતદાન થશે…

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 લોકસભા બેઠકો પર મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 89 લોકસભા બેઠકો પર મતદાન થશે.

ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે.

ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થશે. ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.

પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. પાંચમા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે.

છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે. છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થશે. સાતમા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, તમિલનાડુમાં પેટાચૂંટણી યોજાવાની છે. તમામ 26 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાશે.

ગુજરાતમાં 7 મેએ મતદાન

ગુજરાતમાં 7 મેના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન અને 4 જુને પરિણામ આવશે.

ચૂંટણી સંબંધિત ડેટા અને પ્રક્રિયા વિશે માહિતી

આજે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા સંબોધન કર્યું હતું જેમાં તેઓએ ચૂંટણી સંબંધિત ડેટા અને પ્રક્રિયા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. ચૂંટણી પર્વ આપણા માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે 2024ની ચૂંટણી માટે દેશમાં 96.8 કરોડ મતદારો છે, જેમાંથી પુરૂષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 47.1 કરોડથી વધુ છે. 97 કરોડ મતદારો છે જેમનાં માટે 10.5 લાખ મતદાન મથકો છે જેને 1.5 કરોડ ઓફિસરો નિયંત્રિત કરી રહ્યા છે. 55 લાખ EVMનો ઉપયોગ કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી યોજવી પડકારજનક છે, પરંતુ અમે તૈયાર છીએ. અમે તમામ રાજ્યોની મુલાકાત લીધી છે અને સમીક્ષા કરી છે. અમે દેશને સાચા અર્થમાં ઉત્સવપૂર્ણ, લોકશાહી વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, દરેક બૂથ પર મતદારો માટે જરૂરી સુવિધાઓ હશે. જ્યાં પીવાનું પાણી, સ્ત્રી-પુરુષ માટે અલગ-અલગ શૌચાલય, રેમ્પ, વ્હીલચેર વગેરે ઉપલબ્ધ રહેશે. કોઈપણ મતદાર EPIC નંબર દ્વારા મોબાઈલ પરથી પોતાનું મતદાર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ સિવાય બૂથ નંબર અને ઉમેદવારની માહિતી પણ ઉપલબ્ધ થશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, તમામ પ્રકારના શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખવામાં આવશે. સાડી, કુકર વગેરેનું વિતરણ કરનારાઓ પર નજર રહેશે. મની પાવરના દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જો પૈસાની વહેંચણીનો મામલો છે તો ફોટો લો અને અમને મોકલો. અમે તમારું સ્થાન શોધીશું અને કાર્યવાહીની ખાતરી આપશું.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, 85 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો તેમના ઘરે જઈને મતદાન કરાવવામાં આવશે. આ વખતે, દેશમાં પ્રથમ વખત, આ સિસ્ટમ એકસાથે લાગુ કરવામાં આવશે કે અમે 85 વર્ષથી વધુ ઉંમરના અને 40% થી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ મોકલીશું, જો તેઓ મતદાનનો આ વિકલ્પ પસંદ કરશે.

ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન જાતિ-ધર્મ આધારિત અપીલ કરવામાં ન આવે. આ સિવાય પ્રચારમાં પણ બાળકોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. પ્રચારમાં અંગત હુમલા ન કરવા. ફેક ન્યૂઝ અને ખોટી માહિતી વિશે લોકોને જાગૃત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનરે શાયરી સંભળાવી અને કહ્યું કે, ‘જુઠ કે બાજાર મેં રોનક બહોત હૈ.’ તેથી, કોઈપણ ખોટી માહિતી શેર કરતાં પહેલા તપાસો. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે કહ્યું કે ચૂંટણીમાં રક્તપાત અને હિંસા નું કોઈ સ્થાન નથી. અમને જ્યાં પણ હિંસા અંગે માહિતી મળશે અમે તેમની સામે કાર્યવાહી કરીશું.

97 કરોડ મતદારો, 10 લાખ મતદાન મથકો

રાજીવ કુમારે કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચૂંટણીમાં લોજિસ્ટિક્સ અને મેનેજમેન્ટ સૌથી મોટો પડકાર છે. અમે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવીશું. છેલ્લા બે વર્ષથી તેની તૈયારીઓ ચાલી રહી હતી. અમારી પાસે 97 કરોડ મતદારો છે, 10 લાખ મતદાન કેન્દ્રો અને 1.5 કરોડ પોલિંગ ઓફિસર આ કામમાં લાગેલા છે. ફેક ન્યૂઝ સામે કાર્યવાહી કરવાની પદ્ધતિ મજબૂત કરવામાં આવી છે.

છેલ્લા એક વર્ષ અને ચાર મહિનામાં દેશમાં 11 ચૂંટણીઓ થઈ છે. તમામ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી છે. કોર્ટ કેસ અને કોર્ટ દ્વારા ચૂંટણી યોજવાની પ્રક્રિયા અંગે કરવામાં આવતી ટિપ્પણીઓમાં ઘટાડો થયો છે.

100 વર્ષથી વધુ ઉંમરના 2 લાખ, યુવા મતદારો 1.82 કરોડ

યુવા મતદારો 1.82 કરોડ છે. મતલબ કે તેઓ પ્રથમ વખત મતદાન કરશે. આ માટે અમે છેલ્લા 2 વર્ષમાં ઘણી મહેનત કરી છે. નવા મતદારોમાં 85 લાખ છોકરીઓ છે. 82 લાખ એવા મતદારો છે જેમની ઉંમર 85 વર્ષથી વધુ છે. 2 લાખ લોકોની ઉંમર 100 વર્ષથી વધુ છે. 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. કોઈપણ મતદાર EPIC નંબર પરથી તેનું કાર્ડ ડાઉનલોડ કરી શકે છે અને મતદાન મથક વિશે માહિતી મેળવી શકે છે.

કલંકિત ઉમેદવારોએ જાહેરાત કરવાની રહેશે

રાજીવ કુમારે કહ્યું કે ઉમેદવારોની KYC વિગતો મતદારોને દેખાશે. જેમની સામે ગુનાહિત રેકોર્ડ છે. તેઓએ ત્રણ વખત જાહેરાત કરવાની રહેશે. પક્ષકારો તેમના તરફથી માહિતી પણ આપશે. જો તમને મતદાન સંબંધિત કોઈ ફરિયાદ હોય, તો તમારો ફોટો લો અને અમને મોકલો. અમે તેને 100 મિનિટમાં હલ કરીશું. હેલ્પલાઇન 1950 પર ફરિયાદ કરો.