લોકસભા ચૂંટણી 2024ની તારીખ આવતીકાલે બપોરે 3 વાગ્યે જાહેર થશે

election-commision-of-india

ચૂંટણી પંચ 16 માર્ચે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે, જે ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવશે
લોકસભાની ચૂંટણી સાથે અમુક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીની પણ જાહેરાત કરાશે

લોકસભા ચૂંટણી 2024 અને અમુક રાજ્યની વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી પંચ શનિવારે 16 માર્ચે બપોરે 3 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરશે, જે ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી 2024ની તારીખની દેશભરના લોકો રાહ જોઈ રહ્યા હતા. આ આતુરતાનો આવતીકાલે અંત આવી જશે. આવતીકાલે ચૂંટણી પંચ દ્વારા બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી સહિતની તમામ વિગતો જાહેર કરાશે.

ચૂંટણી પંચે આ બાબતે જાણકારી આપતા જણાવ્યું હતુ કે આવતીકાલે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. તે ECI ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી સાથે અમુક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીની પણ કાલે જાહેરાત કરવામાં આવશે. આ વખતે 6થી 7 તબક્કામાં ચૂંટણી યોજાય તેવી સંભાવના છે.

ગત લોકસભા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2019ની ચૂંટણીની તારીખની જાહેરાત 10 માર્ચ ને રવિવારનાં દિવસે થઈ હતી. 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું.

લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા બંને નવનિયુક્ત ચૂંટણી કમિશનરોએ આજે ​​ચાર્જ સંભાળી લીધો છે. નવા નિયુક્ત ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુનું મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સ્વાગત કર્યું હતું. લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને આજે બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. નવનિયુક્ત કમિશનરોના ઔપચારિક સ્વાગત બાદ પૂર્ણ પંચની બેઠકનો પ્રારંભ થયો હતો.