સરકારી જમીન પર દબાણ કરી ગેરકાયદેસર 100 ઓરડીઓ બનાવી ભાડે તેમજ વેચાણ આપી હતી
રાજકોટમાં ગરીબોના હકના આવાસમાં મોટું કૌભાંડ થયું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ કૌભાંડમાં ભાજપના જ 2 મહિલા કોર્પોરેટરના પતિના નામ સામે આવ્યા હતા. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ બંને મહિલા કોર્પોરેટર અને તેમના પતિ સામે કાર્યવાહી કરતા તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
બંન્ને મહિલા કોર્પોરેટર અને તેમના પતિને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં સંતકબીર રોડ પર બનાવવામાં આવેલા ગોકુલનગર આવાસ યોજનાની ફાળવણીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સરકારી જમીન પચાવી તે જમીન પર ગરેકાયદેસર 100 ઓરડીઓ બનાવી દીધી હતી. આ ઓરડીઓમાંથી કેટલીક ઓરડીઓ પોલીસ વેરિફિકેશન વગર જ ભાડે આપી દીધી હતી. તેમજ અમુક ઓરડીઓ બારોબાર વેચી પણ નાખી હોવાની આશંકા છે. જાણવા મળ્યુ તે મુજબ કૌભાંડીઓએ સૌ પહેલા આ સરકારી જમીન પર ઢોર બાંધી કબ્જો કર્યો હતો અને ત્યારબાદ ત્યાં ઓરડીઓ બનાવી હતી.
રાજકોટના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને તેમના પતિ કવા ગોલતર, વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવ અને તેમના પતિ મનસુખ જાદવને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંન્ને મહિલા કોર્પોરેટર અને તેમના પતિને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
શું છે આવાસ યોજના કૌભાંડ મામલો?
રાજકોટમાં સંત કબીર રોડ પર બનાવવામાં આવેલા ગોકુલનગર આવાસ યોજનાની ફાળવણી માટે થોડા દિવસ પહેલા જ ડ્રો થયો હતો. જે બાદ કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને દેવુંબેન જાદવના પતિ મનસુખ જાદવે ગરીબોના હકના 20 ફ્લેટ પોતાના અને સગા વ્હાલાઓને નામે મેળવી લીધા હોવાનો આક્ષેપ થયો હતો. વોર્ડ નંબર 5 અને 6ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને દેવુંબેન જાદવના પતિ મનસુખ જાદવે કોર્પોરેશનમાં સેટિંગ કરી કૌંભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં રાજકોટના મેયરે તપાસનો આદેશ આપ્યો હતો. જે બાદ કાયદો અને નિયમન કમિટીના ચેરમેન પદેથી કોર્પોરેટર દેવુબેન જાદવને હટાવવામાં આવ્યા હતા. બંને કોર્પોરેટર અને તેમના પતિને તપાસ ચાલે ત્યાં સુધી મનપા કચેરીમાં પ્રવેશ ન કરવા સૂચના અપાઇ હતી.
રાજકોટમાં ગોકુલનગર આવાસ યોજનામાં તપાસ રિપોર્ટ બાદ 23 આવાસ રદ કરી દેવાયા છે. અને 14ના દસ્તાવેજની ચકાસણી ચાલી રહી છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આકરી કાર્યવાહીના ભાગરૂપે બંને કોર્પોરેટરને નોટિસ ફટકારી તેમજ દેવુબેન જાદવ પાસેથી ચેરમેન પદ આંચકી લીધું હતું તેમજ 48 કલાકમાં જવાબ દેવા નોટિસ ફટકારી હતી.
વોર્ડ નં.5ના કોર્પોરેટર વજીબેન અને વોર્ડ નં.6ના કોર્પોરેટર દેવુબેનને બુધવારે સાંજે 4 વાગ્યે કવા ગોલતર અને મનસુખ જાદવની સાથે હાજર રહેવા માટે પક્ષે સૂચના આપી હતી. જેને લઈને સાંજે 4 વાગ્યે મનસુખ જાદવ અને દેવુબેન પહોંચી ગયા હતા. સ્ટેન્ડિંગ કમિટીના હોલમાં પદાધિકારીઓ, આવાસ શાખાના અધિકારીઓ અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તેમને સાંભળ્યા હતા. પરંતુ કોર્પોરેટરોએ સંતોષકારક જવાબ આપ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું.