43 ઉમેદવારોના નામ જાહેર, 6 રાજ્યોના 43 ઉમેદવારોમાં 4 મહિલા ઉમેદવાર;
કમલનાથ અને અશોક ગેહલોતના પુત્રને ટિકિટ મળી, પોરબંદરથી લલિત વસોયા ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણી 2024નો માહોલ હવે જામી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે આજે પોતાની ઉમેદવારો બીજી યાદી જાહેર કરી છે. લોકસભા ચૂંટણીને લઈને થોડા સમય પહેલા જ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પરંતુ તેમાં ગુજરાતમાંથી એકપણ ઉમેદવાર જાહેર કરાયા ન હતા. આજે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસે મંગળવારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરેલી આ બીજી યાદીમાં 43 ઉમેદવારોનાં નામની જાહેરાત કરાઈ છે. જેમાં ત્રણ વર્તમાન ધારાસભ્ય પણ સામેલ છે. ગુજરાત સિવાય તેમાં રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, દીવ-દમણ અને આસામના ઉમેદવાર પણ સામેલ છે. પૂર્વ સીએમ કમલનાથના પુત્ર નકુલ નાથને છિંદવાડાથી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતના 7 ઉમેદવારોના નામ
અમદાવાદ પૂર્વ- રોહન ગુપ્તા
અમદાવાદ પશ્ચિમ- ભરત મકવાણા
બનાસકાંઠા – ગેનીબેન ઠાકોર (વર્તમાન ધારાસભ્ય)
વલસાડ- અનંત પટેલ (વર્તમાન ધારાસભ્ય)
બારડોલી- સિદ્ધાર્થ ચૌધરી
પોરબંદર- લલિત વસોયા (પૂર્વ ધારાસભ્ય)
કચ્છ- નીતિશ લાલન
ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. આ બેઠકોમાં કોની કોની સામે લોકસભા ચૂંટણી જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે. જેમાં પોરબંદરમાં મનસુખ માંડવિયા અને લલિત વસોયા વચ્ચે, અમદાવાદ પૂર્વમાં દિનેશ મકવાણા સામે રોહન ગુપ્તા, બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર, બારડોલીમાં પ્રભુ વસાવા સામે તુષાર ચૌધરી વચ્ચે જ્યારે કચ્છમાં વિનોદ ચાવડાની સામે કોંગ્રેસે નિતિષ લાલનને મેદાને ઉતાર્યા છે.
થોડા દિવસ પહેલા કોંગ્રેસે 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. જેમાં 15 ઉમેદવાર જનરલ છે. 24 ઉમેદવારો એસસી-એસટી અને ઓબીસી છે. આ ઉમેદવારોમાંથી 12 એવા છે, જેની વય 50થી વધુ છે. છત્તીસગઢના છ, કર્ણાટકના સાત, કેરળના 16, તેલંગણાના ચાર, મેઘાલયના બે, નાગાલેન્ડ-સિક્કિમ-ત્રિપુરા-લક્ષદ્વીપના એક-એક ઉમેદવારો જાહેર કર્યા હતા.