હાલ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે. આ યાત્રા ગુજરાતમાં પહોંચી છે
લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીનાં દિવસો જ બાકી છે. બધા જ રાજકીય પક્ષો ચૂંટણી માટે તૈયારીમાં લાગી ગયા છે તેવામાં આજે શુક્રવારે કોંગ્રેસે દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. આ 39 ઉમેદવારોની યાદીમાંથી 15 ઉમેદવારો જનરલ કેટેગરીના છે. સાથે જ SC, ST, OBC અને લઘુમતી વર્ગના 24 નેતાઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, અમે ચૂંટણીના મોડમાં છીએ. કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 15 જનરલ અને 24 SC, ST, OBC અને માઇનોરિટી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. 12 ઉમેદવારો એવા છે જે, 50 વર્ષથી ઓછી ઉંમરના છે અને 8 ઉમેદવારોની ઉંમર 50 થી 60 વર્ષની વચ્ચે છે.
કોંગ્રેસે જાહેર કરેલ યાદીમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પણ ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેરલના વાયનાડથી ચૂંટણી લડશે. રાજેન્દ્ર શાહુને દુર્ગથી જ્યારે બઘેલ રાજનાંદગાંવથી ચૂંટણી લડશે. હાલ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે. આ યાત્રા ગુજરાતમાં પહોંચી છે અને તેનું મુંબઈમાં સમાપન થશે.
ગુરુવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થઈ હતી. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂ ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત કેટલાય મોટા નેતા હાજર રહ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વચનોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમે ઘણા વચનો આપ્યા છે. કોંગ્રેસ સરકાર બનશે તો તે વચનો પૂરા કરશે. તેમણે કહ્યું કે અમે તેલંગાણા અને કર્ણાટકમાં વચનો પૂરા કર્યા છે. અમે 30 લાખ યુવાનોને નોકરી આપવાનું વચન પણ પૂરું કરીશું.
બીજેપીએ 2 માર્ચે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપની યાદીના 5 દિવસ બાદ કોંગ્રેસની પ્રથમ યાદી આવી છે.