Lok Sabha Elections 2024: BJPએ 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, ગુજરાતના 15 ઉમેદવારના નામ જાહેર

bjp-release-first-list

બીજી બેઠક બુધવાર 6 માર્ચે યોજાય તેવી સંભાવના, આ બેઠકમાં ગઠબંધનવાળા રાજ્યોના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ શકે છે, દિલ્હીમાં પણ મોટા ફેરફાર થઈ શકે છે

લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીનાં દિવસો જ બાકી છે, ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપ કેન્દ્રીય સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દેશના 16 રાજ્યોની 195 બેઠકના ઉમેદવારોના નામ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની 26માંથી 15 લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી વારાણસી બેઠક પરથી જ ચૂંટણી લડશે.

ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની એક બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.

પ્રથમ યાદીમાં સામેલ દિગ્ગજ નેતાઓના નામઃ-

ગુવાહાટી – બિજુલા કલિતા
દિબ્રુગઢ – સર્વાનંદ સોનાવલે
જમ્મુ – જુગલસિંહ શર્મા
સાગર – લતા વાનખેડે
ભોપાલ – સાધ્વી પ્રજ્ઞા
ત્રિકમગઢ – હિરેન્દ્ર ખાટી
ગુના- જ્યોતિરાદિત્ય સિંધિયા
કોટા – ઓમ બિરલા
અલવર – ભૂપેન્દ્ર યાદવ
જોધપુર – ગજેન્દ્ર શેખાવત
ચિતોડગઢ- સીપી જોશી
મથુરા- હેમા માલિની
ફતેહપુર સિક્રી – રાજકુમાર
એટા – રાજવીર સિંહ
શાહજહાંપુર- અરુણ સાગર
સીતાપુર – રાજેશ વર્મા
હરદોઈ – જયપ્રકાશ
અમેઠી- સ્મૃતિ ઈરાની
આગરા – સત્યપાલ સિંહ બઘેલ

ગુજરાતમાં જાહેર થયેલ ઉમેદવારોનાં નામઃ-

ગાંધીનગર – અમિત શાહ
નવસારી – સી.આર.પાટીલ
અમદાવાદ પશ્ચિમ – દિનેશ મકવાણા
પોરબંદર – મનસુખ માંડવિયા
ખેડા – દેવુસિંહ ચૌહાણ
કચ્છ – વિનોદ ચાવડા
દાહોદ – જશંવત સિંહ ભાભોર
ભરૂચ – મનસુખ વસાવા
બનાસકાંઠા- રેખા ચૌધરી
પાટણ – ભરત ડાભી
રાજકોટ – પુરૂષોત્તમ રૂપાલા
જામનગર – પુનમ માડમ
આણંદ – મિતેશ પટેલ
પંચમહાલ – રાજપાલ જાદવ
બારડોલી – પ્રભુ વસાવા

ગુરુવારે ભાજપ કેન્દ્રીય સમિતિની બેઠક યોજાઈ હતી

અગાઉ ઉમેદવારોના નામ પર મહોર મારવા 29મીએ ભાજપ કેન્દ્રીય સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં ઉમેદવારોના નામ પર મહોર વાગી હોવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. પીએમ મોદી બેઠકમાં મોડી રાત સુધી ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે લગભગ 10.45 કલાકે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જે મોડીરાત્રે 3.15 કલાકે સમાપ્ત થઈ હતી. આ બેઠક લગભગ સાડ ચાર કલાક સુધી યોજાઈ હતી. ગુજરાતમાં 15માંથી 10 ઉમેદવારોને લોકસભાની ફરીથી ટિકીટ ભાજપે આપી છે, તો 34 કેન્દ્રીય અને રાજયમંત્રીને ટિકીટ મળી છે. કુલ 195 ઉમેદવારોને સ્થાન મળ્યું છે જેમાં 47 યુવા ઉમેદવાર, 28 મહિલા ઉમેદવાર અને 34 કેન્દ્રીય મંત્રી સામેલ છે. આ સિવાય 2 પૂર્વ મુખ્યમંત્રી અને 57 OBC નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી છે.

દિલ્હીમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય

ભાજપ હાઈકમાન્ડે દિલ્હીમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોનું માનીએ તો BJP દિલ્હીની કુલ સાત લોકસભા બેઠકોમાંથી માત્ર બે જ વર્તમાન સાંસદોને મેદાનમાં ઉતારશે, જ્યારે વર્તમાન પાંચ સાંસદોનું પત્તું કાપી નવા ઉમેદવારને તક આપવાની તૈયારીમાં છે. જોકે સૂત્રો દ્વારા આ સાંસદોનો નામ જાણવા મળ્યા નથી.

બીજી બેઠક બુધવારે યોજાશે તેવી સંભાવના

હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ઉમેદવારોના નામ પર વિચારણા કરવા ભાજપની કેન્દ્રીય સમિતિની બીજી બેઠક બુધવાર 6 માર્ચે યોજાઈ શકે છે. ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે યોજાનાર સીઈસીની બેઠકમાં ગઠબંધનવાળા રાજ્યોના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે, બુધવારની બેઠકમાં આંધ્રપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને બિહાર ઉપરાંત અન્ય ઘણા રાજ્યો માટે ઉમેદવારોના નામ પર મંથન કરી શકે છે.