#MeraPehlaVoteDeshKeLiye : ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે પીએમ મોદીએ શરૂ કર્યું ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’ અભિયાન

MeraPehlaVoteDeshKeLiye

પ્રથમ વખતના મતદારોને રેકોર્ડ સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અને યુવા મતદારોને મતદાન માટે અપીલ કરી

આ વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે. આગામી 18મી લોકસભાની ચૂંટણી ખાસ કરીને 18 વર્ષના આપણા યુવાનો માટે ખાસ બનવાની છે. તે તેમને પોતાનો અવાજ સાંભળવાની સાથે સાથે આજના અને આવતીકાલના રાજકારણને આકાર આપવાની તક લાવશે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે “મેરા પહેલા વોટ દેશ કે લિયે” #MeraPehlaVoteDeshKeLiye અભિયાન શરૂ કર્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીએ આપણા યુવાઓ અને પ્રથમ વખતના મતદારોને મોટી સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સ્પષ્ટ કોલ આપ્યો છે. હાલમાં જ પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાનાં સંબોધન દરમિયાન તમામ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે અને યુવાઓને તેમના લોકતાંત્રિક મતદાનના અધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે જેટલા યુવાનો મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે તેટલા જ પરિણામ દેશ માટે વધુ ફાયદાકારક રહેશે. આગામી ચૂંટણીઓ અંગે તેમણે યુવાનોને કહ્યું હતું કે ભારતને તેના ઉર્જા અને ઉત્સાહથી ભરેલા યુવાનો પર ગર્વ છે. 18 વર્ષનાં થવા પર આ યુવાનોને 18મી લોકસભા માટે સભ્યો પસંદ કરવાની તક મળી રહી છે. મતલબ કે 18મી લોકસભા યુવાનોની આકાંક્ષાઓનું પ્રતિક બનશે.

પીએમ મોદીની અપીલ બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને દેશના યુવાનોને વોટ કરવાની અપીલ કરી છે. આ વીડિયોને રિપોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, ‘ચાલો આપણે આપણી ચૂંટણી પ્રક્રિયાને વધુ સહભાગી બનાવીએ. હું તમામ ક્ષેત્રના લોકોને તેમની પોતાની શૈલીમાં પ્રથમ વખતના મતદારો વચ્ચે મેસેજ ફેલાવવા માટે આહ્વાન કરું છું – #MeraPehlaVoteDeshKeLiye!’

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પોસ્ટમાં લખ્યું છે કે, આપણા માનનીય પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તેમના તાજેતરના મન કી બાત સંબોધનમાં એક સ્પષ્ટ કોલ આપવામાં આવ્યો હતો. હાલ રાષ્ટ્ર તેના લોકશાહીના સૌથી મોટા તહેવારની તૈયારી કરી રહ્યું છે, ત્યારે હું તમને બધાને #MeraPehlaVoteDeshKeLiye અભિયાનમાં જોડાવા અને યુવા મતદારોને તેમનો લોકશાહી અધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરું છું.

તેમણે વધુમાં લખ્યું કે, ‘આ રહ્યું હવે #MeraPehlaVoteDeshKeLiye રાષ્ટ્રગીતને સાંભલો અને તેને દરેક સાથે શેર કરો. ચાલો ઝુંબેશને અમારી પોતાની રીતે અને શૈલીમાં આગળ લઈ જઈએ. ચાલો આ જવાબદારી સ્વીકારીએ અને અમારા સામૂહિક અવાજની શક્તિને ઓનલાઈન માય ગર્વમેન્ટ ઈન્ડિયા અને કોલેજોમાં ઉજવીએ!’

કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અભિયાન વિષે એક પોસ્ટ શેર કરતા કહ્યું કે “PM મોદીની અપીલના અનુસંધાનમાં, મેં દેશના તમામ HEI ને તેમના કેમ્પસમાં 28મી ફેબ્રુઆરીથી 6ઠ્ઠી માર્ચ સુધી વ્યાપક મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો છે. આ પ્રવૃતિઓ આપણી #યુવાશક્તિને મજબૂત બનાવશે, તેમના પર મતદાનના મૂલ્ય પર ભાર મૂકશે, માહિતગાર પસંદગીઓ કરશે અને વધુ પ્રતિનિધિ લોકશાહી માટે ચૂંટણી પ્રક્રિયાઓમાં ભાગ લેશે. મને ખાતરી છે કે, #MeraPehlaVoteDeshKeLiye ની ભાવના આપણા પ્રથમ વખતના મતદારો અને યુવાનોને ગૌરવ સાથે મતદાન કરવા પ્રેરિત કરશે. “

અરુણાચલ પ્રદેશનાં સાંસદ કિરણ રિજ્જુએ પોસ્ટ શેર કરતા લખ્યું કે “માનનીય પીએમ શ્રી નરેન્દ્ર મોદીજીનો સંદેશ સ્પષ્ટ છે: યુવાનોમાં ભારતને બદલવાની શક્તિ છે. તમારો મત ભવિષ્ય ઘડી શકે છે. #MeraPehlaVoteDeshKeLiye ઝુંબેશમાં જોડાઓ અને ચાલો પોતાનો અવાજ સાંભળીએ.”

પીએમ મોદીએ કહ્યું કે યુવાનોએ માત્ર રાજકીય ગતિવિધિઓનો હિસ્સો ન બનવું જોઈએ, પરંતુ આ સમયગાળા દરમિયાન તેઓ ચર્ચા-વિચારણાથી પણ સજાગ રહેવું જોઈએ. પ્રધાનમંત્રીએ રમતગમત, સાહિત્ય, ફિલ્મ ઉદ્યોગ અને સોશિયલ મીડિયા સહિત દેશના પ્રભાવશાળી લોકોને આ અભિયાનમાં જોડાવા અને પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાનોને પ્રેરણા આપવા વિનંતી કરી.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી કેટલાક દિવસોમાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે. દેશમાં એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ શકે છે. ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતા (MCC) લાગૂ થઈ જશે.