કાર બેકાબૂ બનતા BRS ધારાસભ્યનું અકસ્માતમાં મૃત્યુ, ડિવાઈડર સાથે અથડાઈ, ડ્રાઈવરની હાલત ગંભીર

Lasya-Nandita-Telangana-MLA-Killed-In-Road-Accident

અકસ્માત એટલો ગંભીર કે એસયુવીનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો. ધારાસભ્ય લાસ્યાના નિધનથી પક્ષમાં શોકનું મોજુ ફરી વળ્યું, નેતા કેટીઆરએ શ્રદ્ધાંજલિ આપી

તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિના ધારાસભ્ય લસ્યા નંદિતાનું શુક્રવારે સવારે હૈદરાબાદમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. 37 વર્ષીય લસ્યા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. મળતી માહિતી મુજબ તેમની કાર અચાનક બેકાબૂ થઈ ગઈ હતી. જે બાદ તે ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના કારણે લસ્યા નંદિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટના બાદ તરત જ લસ્યા નંદિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.

કાર ડ્રાઈવરની હાલત ગંભીર

પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના પટંચેરુ નેહરુ આઉટર રિંગ રોડ પાસે બની હતી. લસ્યા નંદિતા SUVમાં મુસાફરી કરી રહ્યા હતા. સંગારેડ્ડી જિલ્લાના અમીનપુર મંડલના સુલતાનપુર આઉટર રિંગ રોડ પર તેમની કાર નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના કારણે નંદિતાનું મોત થયું હતું. જ્યારે તેમના ચાલકને ગંભીર ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કેટીઆરએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

આ અકસ્માત એટલો ગંભીર હતો કે એસયુવીનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. તેમના નિધનથી લાસ્યાના પક્ષમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પક્ષના નેતા કેટીઆરએ શ્રદ્ધાંજલિ આપી છે. લાસ્યા નંદિતા 14 ફેબ્રુઆરીએ કેટીઆરને મળી હતી, જેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તે ફોટાને રીટ્વીટ કરતા કેટીઆરએ લખ્યું કે હમણાં જ એકદમ દુઃખદ અને આઘાતજનક સમાચાર સાંભળ્યા કે લાસ્યા હવે નથી. હું એક યુવાન ધારાસભ્યની અપુરતી ખોટથી જાગી ગયો જે ખૂબ જ સારા નેતા બની રહ્યા હતા. આ ભયંકર અને મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને મિત્રોને શક્તિ માટે મારી હૃદયપૂર્વક પ્રાર્થના.

પિતાનો મળેલો રાજકીય વારસો આગળ ધપાવ્યો

લાસ્યા નંદિતા 2016 થી કાવડીગુડાના કોર્પોરેટર તરીકે સેવા આપી રહી હતી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સિકંદરાબાદ છાવણીના ધારાસભ્ય જી સાયન્નાનું નિધન થયું હતું. સાયન્ના 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેના પિતાના અવસાન પછી, લાસ્યાને તેના વારસાને આગળ ધપાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. નવેમ્બર 2023ની ચૂંટણીમાં પક્ષના ઉમેદવાર તરીકે નામાંકિત થયા બાદ તેઓ જીત્યા.

BRS ધારાસભ્ય હોસ્પિટલ પહોંચ્યા

સંગારેડ્ડી, તેલંગાણા BRS ધારાસભ્ય હરીશ રાવ અમેધા હોસ્પિટલ પહોંચ્યા જ્યાં મૃતક BRS ધારાસભ્ય લસ્યા નંદિતાના મૃતદેહને રાખવામાં આવ્યો છે.