રાજસ્થાનમાં ગેરકાયદેસર ગાયોનું કતલ કરી ગૌમાંસનું વેચાણ તેમજ હોમ ડિલીવરી કરનાર આરોપીઓને રક્ષણ આપવાનાં આરોપસર આખે-આખું પોલીસ સ્ટેશન સસ્પેન્ડ

IG-Umeshchandradatta

ગૌતસ્કરો સાથે પોલીસની મિલીભગત હોવાનો આરોપ,
રાજસ્થાન તેમજ હરિયાણામાં કરાતી હતી ગૌમાંસની હોમ ડિલિવરી

રાજસ્થાનના જયપુર રેન્જ આઈજીએ ગામડાઓ અને કોતરોમાં ખુલ્લેઆમ ચાલતા બીફ માર્કેટ અને ગૌહત્યા સામે કડક કાર્યવાહી કરી છે. અલવરમાં જંગલ અને પહાડી વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન સ્થળ પરથી ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ૨૫ લોકો સામે ગૌહત્યાનો કેસ પણ નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસે ૧૨ થી વધુ હોમ ડિલિવરી કરવા માટે વપરાતા બાઇક તેમજ એક પીકઅપ વાહન પણ જપ્ત કર્યું છે. કિશનગઢબાસ પોલીસ સ્ટેશનના એસએચઓ દિનેશ મીણા સહિત 38 પોલીસકર્મીઓને નિષ્પક્ષ તપાસ માટે લાઈનમાં મૂક્યા છે. જ્યારે, આ કેસમાં શરૂઆતમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યા બાદ, ચાર પોલીસકર્મીઓ – એએસઆઈ જ્ઞાનચંદ, હેડ કોન્સ્ટેબલ રઘુવીર, બીટ કોન્સ્ટેબલ સ્વયં પ્રકાશ અને રવિકાંતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉમેશ ચંદ્ર દત્તે જણાવ્યું હતું કે તેમણે પોતે ત્રણ-ચાર અલગ-અલગ જિલ્લાઓમાંથી એસપીના નેતૃત્વમાં રૂંધ ગીદાવડા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યાં રાત્રે 9 વાગ્યા સુધી પોલીસ સર્ચ કોમ્બિંગ ચાલુ રહ્યું હતું. આ વિસ્તારમાં વર્ષોથી બીફ માર્કેટ ચાલતી હોવાનું પણ બહાર આવ્યુ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો અહીં દર મહિને 600 થી પણ વધારે ગાયોની કતલ કરવામાં આવતી હતી. દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં માંસ ખરીદવા માટે આવતા હતાં. એટલું જ નહીં પરતું અહીં મેવાતના 50 ગામોમાં હોમ ડિલીવરી પણ કરવામાં આવતીં હતીં. સુત્રો દ્વારા એ પણ જાણવા મળ્યુ છે કે, કિશનગઢબાસના પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને આ માર્કેટ વિશે ખબર હતી, છતાં પણ તેમણે કોઈ કાર્યવાહી કરી ન હતી.

જયપુરનાં પોલીસ મહાનિરીક્ષક (IG) ઉમેશ ચંદ્ર દત્તા અને ખૈરતાલ-તિજારા એસપી સુરેન્દ્ર સિંહ આર્ય પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃત ગાયોના અવશેષો જોઈને દંગ રહી ગયા. દરોડામાં તાજુ માંસ તેમજ અન્ય કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે જેને પરીક્ષણ માટે મોકલવામાં આવી છે. આઈજી એ કિશનગઢ બાસ પોલીસ સ્ટેશનના એસએચઓ દિનેશ મીણા સહિત સમગ્ર ૪૦ સ્ટાફને પશુ તસ્કરોને રક્ષણ આપવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ગાયોના કતલ બાદ નૂહ અને આસપાસના વિસ્તારોમાં ગૌ માસની હોમ ડિલિવરી પણ કરવામાં આવતી હતી.

આ ઘટનાં સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનોએ પોલીસ ઓફિસરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી, ત્યારબાદ સમગ્ર પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. જયપુર આઈજીએ સમગ્ર તપાસ કોટપુતલી બેહરોડ એસપી નમીચંદને સોંપી દીધી છે. આઈજીએ કહ્યું કે ગૌમાંસના વેચાણ અંગેની ફરિયાદો પર કાર્યવાહી ન કરવા બદલ પોલીસકર્મીઓ સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ભાજપ – કોંગ્રેસનાં એક બીજા ઉપર આરોપ-પ્રત્યારોપ
ભાજપના શાસનમાં ગૌહત્યા વધુ થાય છે તેવો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે ત્યારે ભાજપ પણ કોંગ્રેસ પર આરોપ લગાવી રહી છે. ભાજપનું કહેવું છે કે નૂહને અડીને આવેલા વિધાનસભા મતવિસ્તારોમાં કોંગ્રેસની જીત થઈ છે અને કોંગ્રેસ જ ગાયની તસ્કરીને પ્રોત્સાહન આપી રહી છે.