ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને કરોડની સહાય ચુકવાઈઃ પ્રફુલ પાનશેરિયા
૫૭૫ કરોડના ખર્ચે જામનગર જી.જી.હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે
રુપિયા લઇને ડીગ્રીઓ વેચાતી ગેરરીતિને અટકાવવા સમિતીની રચના કરાઈ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઇજનેરી વિદ્યાર્થીઓને અપાતી સહાય સંદર્ભે ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તરમાં મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, આ યોજના રાજ્યમાં ૭મી ઓક્ટોબર ૨૦૧૫થી અમલી બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ટેકનીકલ શિક્ષણ હેઠળના ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા રાજ્યના ૩૨,૮૩૯ વિદ્યાર્થીઓને રૂ.૧૩૪.૦૩ કરોડની સહાય ચુકવવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૪,૩૬૬ વિદ્યાર્થીઓને રૂ.૯૮.૯૨ કરોડ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૮,૪૭૩ વિદ્યાર્થીઓને રૂ.૩૫.૧૧ કરોડની સહાય ચુકવવામાં આવી છે.
શિક્ષણ મંત્રીએ કબુલ્યુ, રુપિયા લઇને ડીગ્રીઓ વેચાતી ગેરરીતિને અટકાવવા સમિતીની રચના કરાઈ
સાબરમતી યુનિવર્સિટી દ્વારા નાણાં લઇને પી.એચ.ડી.ની તેમજ અન્ય ઉચ્ચ ડીગ્રીઓ અને સર્ટીફીકેટ સંદર્ભે ગૃહમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, ખાનગી યુનિવર્સિટીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેના દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આવી ગેરરીતિ આચરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની ડિગ્રી પાછી મેળવી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત-ખાનગી યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૯ હેઠળ ખાનગી યુનિવર્સિટીની અસરકારક દેખરેખ અને નિયંત્રણ માટે શિક્ષણ વિભાગ દ્વારા બે સમિતીની રચના કરવામાં આવી છે. જેમાં (૧) ઉચ્ચ સ્તરીય એપેક્ષ કમિટી અને (૨) દેખરેખ નિરીક્ષણ, સમીક્ષા, અને તપાસણી સમિતિની રચના કરવામાં આવી છે.
ઋષિકેશ પટેલના મેજ પર પુછાયેલા પ્રશ્નનો ઉત્તર: કરોડના ખર્ચે ગીર સોમનાથમાં એક જનરલ હોસ્પિટલ, બે પેટા જિલ્લા હોસ્પિટલ, 6 સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાશે
ગીર સોમનાથ જિલ્લાના તલાલા ખાતે રૂ. ૫.૭૭ કરોડના ખર્ચે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાશે તે માટે વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે. તલાલા ખાતે હાલ જે સી.એચ.સી કાર્યરત છે ત્યાં જ નવીન મકાનનું બાંધકામ કરવામાં આવનાર છે. ગીર સોમનાથ જિલ્લામાં નાગરિકોને આરોગ્ય સુવિધા મળી રહે એ માટે એક જનરલ હોસ્પિટલ, બે પેટા જિલ્લા હોસ્પિટલ, છ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. વેરાવળ ખાતે જિલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલમાં ૧૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ છે. ગીર ગઢડા અને ઉના તાલુકામાં બે પેટા જિલ્લા હોસ્પિટલો હાલ સી.એચ.સી ખાતે કાર્યરત છે. જે બંનેમાં ૫૦-૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ છે.
વેરાવળ જિલ્લા હોસ્પિટલમાં સ્ટાફની અછત માટે રાજ્યમાં બોન્ડેડ તબીબોના હુકમો કરી દેવાયા છે. પરંતુ અમુક જગ્યાએ તબીબો હાજર નથી થયા અને લાંબી રજા પર હોવાના કારણે થોડા પ્રશ્નો છે જેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને સત્વરે આ કામગીરી પૂર્ણ કરીને તબીબોને મુકવાની કામગીરી કરવામાં આવશે.
૫૭૫ કરોડના ખર્ચે જામનગર જી.જી.હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે
રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર જી.જી હોસ્પિટલ એક્સપાન્શન સંદર્ભ જણાવ્યું છે કે, જી.જી.હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે. જામનગર સહિત પડોશી જીલ્લાના નાગરીકોની સુખાકારીમાં વધારો કરશે. ૧૧૫૦ પથારીની હોસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે. તેમજ ઓ.પી.ડી, આઇ.પી.ડી, રસીકરણ, ઇમરજન્સી સારવાર, આઇ.સી.યુ, ઓપરેશન, નિદાન, ડી.ઇ.આઇ.આર.સી. (ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન એન્ડ રીહેબિલિટેશન સેન્ટર), એન.આર.સી.(ન્યુટ્રીશનલ રીહેબીલીટેશન સેન્ટર), સ્પેશ્યલ વેલ બેબી કલીનીક, એડોલસંટ કલીનીક, વગેરે જેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હોસ્પિટલ પરિસરમાં વર્ષોજૂના બાંઘકામ તોડીને નવીન હોસ્પિટલ તૈયાર કરવાની પ્રક્રિયા આરંભવામાં આવી છે.
મેડીકલ કૉલેજમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓ પાસેથી ૧ વર્ષની ગ્રામ્ય સેવાની સામે રૂા.ર૦.૦૦ લાખનો બોન્ડ લેવાય છે
ગૃહમાં આરોગ્ય મંત્રીએ બોન્ડ વસુલાત સંદર્ભે જણાવ્યું છે કે, રાજયમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજયુએટ કોર્ષીસ, ગાંધીનગર ધ્વારા નીટ આધારીત મેરીટ બનાવી ઓન લાઇન પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
પ્રવર્તમાન નિતી મુજબ રાજયમાં સરકારી મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓ પાસેથી ૧ વર્ષની ગ્રામ્ય સેવાની સામે રૂા.ર૦.૦૦ લાખનો બોન્ડ લેવામાં આવે છે.GMERS સંચાલિત મેડીકલ કોલેજો અને સ્વ-નિર્ભર મેડીકલ કોલેજોમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે એમ.વાય.એસ.વાય, કન્યા કેળવણી નિધિ, ફ્રી-શિપ કાર્ડનો લાભ લઇ પ્રવેશ મેળવતા વિધાર્થીઓને પણ બોન્ડનિતી લાગુ પડે છે. રાજયમાં એમ.બી.બી.એસ. પાસ વિધાર્થીઓને તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરે ત્યારબાદ તેમને ડીગ્રી સર્ટીફીકેટ આપવાની કાર્યવાહી જે તે યુનિર્વસીટી ધ્વારા કરવામાં આવે છે. રાજયમાં એમ.બી.બી.એસ. પાસ કરેલ ઇન્ટર્નશીપ કરતા ડોકટરોને ગુજરાત મેડીકલ કાઉન્સીલ ધ્વારા પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ આપવામાં આવે છે. ઇન્ટર્નશીપ પૂર્ણ થયા બાદ યુનિર્વસીટીની પ્રોવિઝનલ ડીગ્રીના આધારે ફાઇનલ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.
રાજયમાં હાલ કુલ-૩૯ મેડીકલ કોલેજો અને એક એઇમ્સ મેડીકલ કોલેજ કાર્યરત છે. જેમાં કુલ-૭૦૫૦ બેઠકો છે. તેમાં ૬-સરકારી, ૧૩- જીએમઇઆરએસ સંચાલિત, ૩-મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત, ૧૬- સ્વનિર્ભર મેડીકલ કોલેજો, ૧-ડીમ્ડ યુનિર્વસીટી સંચાલિત અને ૧-એઇમ્સ રાજકોટ મેડીકલ કોલેજો કાર્યરત છે. તેમાં સરકારી મેડીકલ કોલેજોમાં ૧૪૦૦ બેઠકો, જીએમઇઆરએસ મેડીકલ કોલેજોમાં ૨૧૦૦, મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ કોલેજોમાં ૭૦૦, સ્વ-નિર્ભર કોલેજોમાં ૨૬૫૦, ડીમ્ડ યુનિર્વસીટી કોલેજમાં ૧૫૦ બેઠકો અને એઇમ્સ રાજકોટમાં ૫૦ બેઠકો છે.
બલવંતસિંહ રાજપૂતના મેજ પર પુછાયેલા પ્રશ્નનો ઉત્તર: બજેટમાં મહેસૂલ ખાતાને આ વર્ષે ૫૧૯૪ કરોડની જોગવાઇ માટે આભાર વ્યક્ત કર્યો
આ વર્ષે બજેટમાં રાજ્યના મહેસૂલ વિભાગ માટે રૂા.૫૧૯૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ નાણાંકીય જોગવાઇ બદલ મુખ્યમંત્રી અને નાણામંત્રી કનુભાઇ દેસાઇનો સમગ્ર રાજ્યના નાગરિકો વતી આભાર વ્યકત મંત્રી બલવંતસિંહએ કર્યો, રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. મિલકત સંબંધી લેવડ-દેવડના દસ્તાવેજ નોંધણીની કામગીરી પણ કમ્પ્યૂટરાઈઝ્ડ કરવામાં આવી છે તેમજ પારદર્શિતા જાળવવાના હેતુથી તમામ રેકોર્ડ અદ્યતન અને ડિજિટાઈઝ્ડ કરી પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.
નાગરિકોને તમામ સેવાઓ ઝડપી અને પારદર્શક રીતે મળે તેની વિશેષ કાળજી રાખી છે. પીએમ નરેન્દ્રના “ડિજિટલ ઇન્ડિયા”ના વિઝન મુજબ રાજ્યમાં મહેસૂલી સેવાઓને ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવામાં આવી રહી છે. જેને પરિણામે મહેસૂલ વિભાગને શ્રેષ્ઠ કામગીરી બદલ અનેક “એવોર્ડ અને સન્માન” મળ્યાં છે. તેની વિસ્તૃત માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યુ કે, મહેસૂલ વિભાગને દેશના રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ગુજરાત રાજ્યના અરવલ્લી, ડાંગ, જામનગર, મહેસાણા, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાઓને કેન્દ્ર સરકારના નિર્ધારિત માપદંડો મુજબ સફળતાપૂર્વક મહેસૂલી સેવાઓ અંગે કામગીરી કરવા એવોર્ડની તમામ ૬ કેટેગરીમાં સૌથી ઉચ્ચ એવોર્ડ ભૂમિ સન્માન એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેવી જ રીતે આઇ ઓરા પોર્ટલ પર શ્રેષ્ઠ કામગીરી બદલ કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા દ્વારા એવોર્ડ પ્રાપ્ત થયો છે. એટલુ જ નહિ, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ૫ત્તિ જોખમ વ્યવસ્થા૫ન ક્ષેત્રમાં ઉત્તમ સેવા બદલ વર્ષ ૨૦૨૨ માટે સંસ્થાગત કેટેગરી હેઠળ રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત “સુભાષચંદ્ર બોઝ આ૫દા પ્રબંધન પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો હતો.
રાજ્યની તમામ સરકારી જમીનનું સુચારુપણે વ્યવસ્થાપન થાય તે માટે મહેસૂલ વિભાગ કટિબધ્ધ છે. સમગ્ર રાજ્યમાં માળખાકીય સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરવા માટે જ્યારે-જ્યારે જમીનની જરૂરિયાત હોય ત્યારે, રાજ્ય સરકાર માંગણી મુજબ વખતોવખત સરકારી જમીનની ફાળવણી નિયમોનુસાર કરે છે. ધોરડો ખાતે હવાઇપટ્ટી, વાંસી ખાતે પી.એમ.મિત્ર પાર્ક, કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન માટે તથા ખોલવડામાં આઇ.આઇ.આઇ.ટી. તથા દેવભૂમિ દ્વારકામાં એરપોર્ટ અને હેલિપોર્ટ માટે જમીનો ફાળવી છે. રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્ર, વીજ સબસ્ટેશન, સહકારી મંડળી/દૂધ મંડળી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા જેવા જાહેર હિતના અનેક મહત્વના પ્રોજેક્ટ માટે પણ સરકારી જમીન ફાળવી છે.
ગુજરાતમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાઓ અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, રાજ્યમાં ૩૦ વર્ષ માટે રિન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેકટસને હંગામી ધોરણે બિનખેતી કરવા પ્રોત્સાહક નીતિ અમલમાં છે. તે ઉપરાંત બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતોથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે જમીન ભાડાપટ્ટે ફાળવણી, તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં સી.સી.ટી.વી. અને ઓનલાઇન સેવાઓ ઉપલબ્ધ બનાવાઇ તેમજ નવી શરતની જમીનોને સુઓ મોટો એટલે કે આપોઆપ જૂની શરતમાં ફેરવવા ઝુંબેશ હાથ ધરી છે.
સમગ્ર રાજ્યમાં ફેસલેસ અને પે૫રલેસ કામગીરીને માઘ્યમ બનાવીને રાજ્ય સરકારે ડીજીટલ ગુજરાત પોર્ટલ બનાવ્યું છે. તમામ જનસેવા કેન્દ્રો પર સરકારના વિવિધ વિભાગોની કુલ ૧૪૮ જેટલી સેવાઓનો લાભ નાગરિકોને આપવામાં આવે છે. આમાંથી ૪૨ સેવાઓમાં તો નાગરિકો દ્વારા કરેલ અરજીઓનો નિકાલ ફક્ત એક દિવસમાં કરી આપવામાં આવે છે. ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં જન સેવા કેન્દ્રો ખાતે વિવિધ સેવાઓ હેઠળ કુલ ૬૮ લાખથી પણ વધુ અરજીઓ મળેલ છે. આજ દિન સુધી રાજ્યના તમામ જનસેવા કેન્દ્રો ૫રથી નાગરિકો દ્વારા કરવામાં આવેલ આશરે ૬.૧૦ કરોડથી વધુ અરજીઓનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
મહેસુલી સેવાઓ અંગે વિસ્તારપૂર્વક મંત્રીશ્રીએ કહ્યુ કે, આવકના દાખલાની સેવામાં અત્યાર સુધીમાં કુલ ૨.૧૫ કરોડથી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અત્યાર સુધીમાં રેશનકાર્ડની વિવિધ સેવાઓ અંગે કુલ ૧.૫૯ કરોડથી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે નોન ક્રિમિલિયર સર્ટીફીકેટ અંગેની ૩૭ લાખથી વધુ અરજીઓ, સામાજીક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગનું પ્રમાણ૫ત્ર અંગેની ૩૧ લાખથી વધુ અરજીઓ, વિધવા સહાય પ્રમાણ૫ત્રની ૪.૪૫ લાખથી વધુ અરજીઓ તેમજ વરિષ્ઠ નાગરિક પ્રમાણ૫ત્ર અંગેની ૫.૨૩ લાખથી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.