PM મોદી ડિગ્રી કેસ: કેજરીવાલ અને સંજય સિંહને લાગ્યો મોટો ઝટકો, ગુજરાત હાઈકોર્ટમાંથી પણ ન મળી રાહત

gujarat-highcourt

ગુજરાત હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને આરોપીઓને રાહત આપવાને ઇનકાર કર્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝાટકો લાગ્યો છે. PM મોદીની શૈક્ષણિક ડિગ્રી વિવાદમાં અરવિંદ કેજરીવાલ તથા સંજય સિંહને કોર્ટ તરફથી રાહત આપવામાં આવી નથી. હકીકતમાં હાઈકોર્ટે ગુનાહિત માનહાનિ કેસમાં બન્ને નેતાની સામે સમન્સ રદ્દ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપ સાંસદ સંજય સિંહે ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં જારી થયેલ સમન્સને રદ્દ કરવાની સાથે સાથે ફરિયાદ રદ્દ કરવાની માંગ કરતી અરજી કરી હતી. પોતાની અરજીમાં AAP નેતાઓએ કહ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી મેજિસ્ટ્રેટ કોર્ટમાં માનહાનિ કેસ દાખલ કરી શકતી નથી. તેને સત્ર કોર્ટમાં જવું જોઈએ. ગુજરાત હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને આરોપીઓને રાહત આપવાને ઇનકાર કર્યો છે.

GUએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કેજરીવાલ અને સિંહે પત્રકાર પરિષદમાં અને સોશિયલ મિડિયા પર મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટીને નિશાન બનાવતા અપમાનજનક નિવેદનો કર્યાં છે. ફરિયાદકર્તાઓ અનુસાર GUને નિશાન બનાવતાં જાણીબૂજીને કરવામાં આવેલી તેમની ટિપ્પણીઓ માનહાનિકારક હતી અને યુનિવર્સિટીની શાખને ઠેસ પહોંચાડતી હતી.

હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમએ ડિગ્રી સંબંધિત કેસમાં સીઆઈસીના આદેશને રદ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ કેજરીવાલ અને સંજય સિંહે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં બંને નેતાઓએ એવી વાતો કહી જેનાથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું. આ પછી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલ વતી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બંને નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં બંને નેતાઓને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. બંને નેતાઓ હજુ સુધી હાજર થયા નથી. મેટ્રોપોલિટન કોર્ટની આગામી સુનાવણીમાં યુનિવર્સિટી બંને નેતાઓ સામે વોરંટ જારી કરવાની માગ કરી શકે છે.

ગુજરાત હાઈકોર્ટે માર્ચ 2023 માં એવો ચુકાદો આપ્યા બાદ માનહાનિનો કેસ પ્રકાશમાં આવ્યો હતો કે વડાપ્રધાન કાર્યાલય (PMO) એ માહિતી અધિકાર અધિનિયમ (RTI એક્ટ) હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અને અનુસ્નાતક ડિગ્રી પ્રમાણપત્રો રજૂ કરવાની જરૂર નથી.

સિંગલ જજ જસ્ટિસ બિરેન વૈષ્ણવે પીએમઓના જાહેર માહિતી અધિકારી (પીઆઈઓ) અને ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારીઓને મોદીની અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક ડિગ્રીની વિગતો આપવાની આવશ્યકતા ધરાવતા મુખ્ય માહિતી આયોગ (CIC)ના આદેશને રદ કર્યો હતો. નોંધનીય છે કે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

દરમિયાન, ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિની ​​ફરિયાદ દાખલ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે બંને નેતાઓએ તેમની ડિગ્રી જાહેર ન કરવા બદલ વડાપ્રધાન મોદી વિરુદ્ધ ‘અપમાનજનક’ નિવેદનો કર્યા હતા.

બદનક્ષીના કેસમાં મેજિસ્ટ્રેટે તેને ગયા વર્ષે એપ્રિલમાં ટ્રાયલનો સામનો કરવા માટે સમન્સ પાઠવ્યું હતું, જેને સેશન્સ કોર્ટે માન્ય રાખ્યું હતું.

હાઇકોર્ટે ગયા વર્ષે ઓગસ્ટમાં આ કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે મેજિસ્ટ્રેટ કોર્ટે ગયા વર્ષે 15મી એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલ તથા સંજય સિંહને સમન્સ પાઠવ્યા હતા બન્ને નેતાઓએ તેને પડકારતા સત્ર કોર્ટમાં એક પુનઃનિરીક્ષણ અરજી દાખલ કરી હતી. જોકે, તેમને ત્યાંથી પણ કોઈ જ રાહત મળી ન હતી અને અરજીને નકારી દેવામાં આવી હતી. ત્યારબાદ AAP નેતાઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.