વીજ બીલ ભરવા કે પગાર આપવાનાં પૈસા પણ નથી, બેંકમાં પણ પૈસા જમા કરી શકાતા નથી અને ઉપાડી શકાતા નથીઃ અજય માકન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. અજય માકને દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ગત સાંજે યુથ કોંગ્રેસના 4 ખાતા પણ ફ્રીઝ કરી દેવાયા હતા. તેમણે તેને લોકશાહીની તાળાબંધી ગણાવી છે. આ પગલું ચૂંટણીની જાહેરાત પહેલા લેવામાં આવ્યું છે. અજય માકને એમ પણ કહ્યું કે અમારા પૈસા ક્રાઉડ ફંડિંગના છે
અજય માકને પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસના બેંક અકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે એટલે કે તે બેંક અકાઉન્ટમાં દરેક પ્રકારનાં વ્યવહારને સ્થગિત કરી દેવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું છે કે બેંક અકાઉન્ટ ફ્રીઝ થઈ જવાને પગલે પગારનાં કે બિલની ચુકવણી કરવા માટે પૈસા નથી.
કોંગ્રેસ પાર્ટીના અકાઉન્ટ્સને ફ્રીઝ કરી દેવાતા તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ મુક્યો છે કે આપણા દેશમાં તાળાબંધી થઈ ગઈ છે. ડેમોક્રેસી ફ્રીઝ થઈ ગઈ છે. ઈન્કમ ટેક્સ વિભાગે પણ રૂપિયા 210 કરોડની રિકવરી માંગી છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે લોકસભા ચૂંટણી પૂર્વે અમારા ખાતાને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી મેમ્બરશીપ ડ્રાઈવ મારફતે યુથ કોંગ્રેસ પાસેથી પૈસા એકત્રિત કરે છે અને તે પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2018-19ના ઈન્કમ ટેક્સ ફાઈલિંગને આધાર બનાવીને કરોડો રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે. આ મોટી શરમજનક બાબત છે કે લોકશાહીની હત્યા છે.
માકને કહ્યું કે પાર્ટીને રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ થતો હતો, જોકે 45 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો હતો. તેનો અર્થ એવો નથી ક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવે. તેમણે કહ્યું પક્ષની તમામ સ્થિતિને અસર થઈ છે. બેંકમાં પૈસા જમા કરી શકાતા નથી અને ઉપાડી પણ શકાતા નથી.
તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડની માન્યતાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેથી ચૂંટણી બોન્ડ માન્ય ગણી શકાય નહીં. એટલું જ નહીં, કોર્ટે હવે ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે અને SBIને બોન્ડની સંપૂર્ણ વિગતો ચૂંટણી પંચને આપવા જણાવ્યું છે. કોર્ટે ચૂંટણી પંચને વિગતો જાહેર કરવાનો આદેશ પણ આપ્યો હતો.