ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ
15 રાજ્યોના રાજ્યસભાના 56 સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થઈ રહ્યો છે. ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.
15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે, જેને પગલે ભાજપે ગુજરાતમાંથી ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે રાજ્યસભા માટે જે ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે તેમાંથી જે.પી.નડ્ડા આજ સાંજ સુધીમાં ગુજરાત આવી શકે છે. મયંક નાયક ઉત્તર ગુજરાતના નેતા છે અને ઓબીસી અધ્યક્ષ છે. જ્યારે જસવંતસિંહ મધ્ય ગુજરાતના છે. જ્યારે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામમંદિર નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું, જેના બદલામાં ભાજપે ગોવિંદભાઈને પ્રસાદીના રૂપમાં રાજ્યસભાની ટિકિટ આપી છે.
ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં હીરા ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ છે. સુરત ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ કહ્યું, ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ કે એમણે ઉમેદવાર તરીકે ગોવિંદ કાકાની પસંદગી કરી. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં આજે ખુશીનો માહોલ છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને ક્યારેય રાજકીય પ્રતિનેતૃત્વ મળ્યું નહોતું.
જે.પી.નડ્ડા 1993-1998, 1998-2003 અને 2007થી 2012 સુધી એમ ત્રણ ટર્મ માટે હિમાચલ પ્રદેશના ધારાસભ્ય હતા. 1994-1998માં તેઓ હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ધારાસભ્યો દળના નેતા હતા. 1998થી 2003 સુધી તેઓ હિમાચલ પ્રદેશ સરકારમાં હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એન્ડ પાર્લામેન્ટરી એફર્સના કેબિનેટ મિનિસ્ટર હતા. તેમજ 2008થી 2010માં હિમાચલ પ્રદેશ સરકારમાં ફોરેસ્ટ એનવાયર્નમેન્ટ, સાયન્સ એન્ડ ટેક્નોલોજીના કેબિનેટ મિનિસ્ટર રહ્યાં હતા. 2014માં તેઓ રાજ્યસભામાં સાંસદ બન્યા હતા અને 2014થી 2019 સુધી કેન્દ્રિય આરોગ્યમંત્રી રહ્યાં હતા. તેમને 2019માં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા હતા અને 2020માં તેમની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
જશવંતસિંહ પરમારે અમદાવાદમાં MBBS બાદ M.S કર્યુ છે. ગોધરા સિવિલમાં સર્જન તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. 50 હજારથી વધુ સફળ ઓપરેશન કર્યા છે. 2004માં ભાગ્યોદય સર્જિકલ હોસ્પિટલની સ્થાપના કરી હતી. ડો. જશવંતસિંહ પરમાર ગોધરામાં ભાગ્યોદય પેટ્રોલિયમના માલિક પણ છે. ડો. જશવંતસિંહ પરમારે આર્થિક પછાત લોકો માટે સમૂહ લગ્નનું આયોજન પણ કર્યુ છે. જશવંતસિંહ પરમારનો પરિવાર વર્ષોથી RSS સાથે સંકળાયેલો છે.
મયંક નાયક ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે.મંડલ સ્તરથી પ્રદેશ સ્તર સુધીના અભિયાનના ઈન્ચાર્જ બનાવ્યા હતા. મયંક નાયક મૂળ મહેસાણાના વતની છે. તેઓએ સંગઠનમાં અનેક જવાબદારી નિભાવી ચૂક્યા છે. OBC મોરચામાં મહામંત્રીની પણ ભૂમિકા ભજવી છે.
રાજ્યસભા માટે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનું પત્તું કપાયું છે. જેથી તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવા અનુમાન છે.