આપણાં બંધારણ નિર્માતાઓએ જે સપનું જોયું હતું તે હકિકત બનવા જઈ રહ્યું છેઃ પુષ્કરસિંહ ધામી
અમે ઈતિહાસ રચવા જઈ રહ્યાં છીએ. દેશના અન્ય રાજ્યોએ પણ આ દિશામાં આગળ વધવું જોઈએઃ પુષ્કરસિંહ ધામી
મુખ્યમંત્રી પુષ્કર ધામીએ 6 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કર્યું હતું. આ UCC બિલ બુધવારે ઉત્તરાખંડ વિધાનસભામાં વોઈસ વોટ દ્વારા પસાર કરવામાં આવ્યું. આ સાથે જ ઉત્તરાખંડ UCC બિલ પાસ કરનારું ભારતનું પહેલુ રાજ્ય બની ગયું છે. આ સાથે જ ઉત્તરાખંડમાં તમામ માટે સમાન કાયદો લાગુ કરવામાં આવશે.
બુધવારે વિધાનસભા સત્ર દરમિયાન ચર્ચા બાદ સમાન નાગરિક સંહિતા બિલ એટલે કે UCC ધ્વનિમતથી પાસ થઈ ગયું છે. જેનાથી રાજ્યના તમામ લોકો પર સમાન કાયદો લાગુ થશે. ઉત્તરાખંડ પહેલું એવું રાજ્ય હશે જ્યાં સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ થશે. આ પહેલા ગોવામાં સમાન નાગરિક સંહિતા લાગુ છે પરંતુ ત્યાં પોર્ટુગલના શાસન કાળથી જ આ લાગુ છે.
UCC બિલ પસાર થયા બાદ હવે તેણે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. રાજ્યપાલની સાઈન બાદ તે કાયદો બની જશે. સમાન નાગરિક સંહિતા બિલથી રાજ્યના તમામ લોકો પર સમાન કાયદો લાગુ થશે. જો કે અનુસૂચિત જનજાતિના લોકો પર તેની જોગવાઈ લાગુ નહીં થાય. પ્રસ્તાવ પસાર થતા પહેલા બિલ પર બોલતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે- આપણાં બંધારણ નિર્માતાઓએ જે સપનું જોયું હતું તે જમીન પર ઉતરીને હકિકત બનવા જઈ રહ્યું છે. અમે ઈતિહાસ રચવા જઈ રહ્યાં છીએ. દેશના અન્ય રાજ્યોએ પણ આ દિશામાં આગળ વધવું જોઈએ.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ નાગરિકો માટે તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન લગ્ન, છૂટાછેડા, જમીન, મિલકત અને વારસાના કાયદા સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ બિલ રજૂ કર્યું હતું. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થયા બાદ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકવામાં આવશે અને બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવશે. યુવતીઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર 21 વર્ષ નક્કી કરી શકાય છે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેનારાઓ માટે પોલીસ રજિસ્ટ્રેશન જરૂરી રહેશે.
ઉત્તરાખંડ પહેલું એવું રાજ્ય હશે જ્યાં સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ થશે. ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સમાન નાગરિક સંહિતાનો વાયદો આપ્યો હતો. ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામીની સરકાર બન્યા બાદ UCCબિલને લઈને સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિએ અઢી લાખથી વધુ ભલામણ બાદ UCCનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.
UCC બિલમાં શું શું જોગવાઈ છે તે જાણો…
પુત્ર અને પુત્રી માટે સમાન સંપત્તિનો અધિકાર
ઉત્તરાખંડ સરકાર દ્વારા તૈયાર સમાન નાગરિક સંહિતા ખરડામાં પુત્ર અને પુત્રી બંને માટે સંપત્તિમાં સમાન અધિકાર સુનિશ્ચિત કરાયા છે, તે પછી તે કોઈ પણ કેટેગરીના કેમ ન હોય. તમામ વર્ગના પુત્ર અને પુત્રીઓમાં સંપત્તિમાં સમાન અધિકાર આપવામાં આવ્યા છે.
લિવ ઈન રિલેશનશિપ
લિવ ઈનમાં રહેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. પરણિત પુરુષ કે સત્રી લિવ ઈનમાં નહીં રહી શકે.
લગ્નની ઉંમર
તમામ ધર્મોની યુવતીઓ માટે લગ્નની ઓછામાં ઓછી ઉંમર 18 અને યુવકની ઉંમર 21 નિર્ધારિત કરાઈ છે.
એકથી વધુ લગ્ન
પતિ કે પત્ની હોવા છતાં બીજા લગ્ન પર કડકપણે રોક રહેશે. ઉત્તરાધિકારમાં યુવક અને યુવતીઓને બરોબરનો અધિકાર મળશે.
લગ્ન રજિસ્ટ્રેશન
લગ્નના છ માસની અંદર અનિવાર્ય રીતે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું જરુરી. છૂટાછેડામાં પણ પતિ જે આધારે છૂટાછેડા લઈ શકે છે તે આધારે જ હવે પત્ની પણ છૂટાછેડાની માગ કરી શકશે.
કાયદેસર અને ગેરકાયદે બાળક વચ્ચેનું અંતર ખતમ થશે
ખરડાનો ઉદ્દેશ્ય સંપત્તિના અધિકારના સંબંધમાં કાયદેસર અને ગેરકાયદે બાળકો વચ્ચેના અંતરને ખતમ કરવાનો છે. ગેરકાયદે સંબંધથી થનારા બાળક પણ સંપત્તિમાં બરાબરના હક્કદાર હશે. તમામ બાળકોને જૈવિક સંતાન તરીકે ઓળખ મળશે. ગેરકાયદે બાળકોને દંપતીની જૈવિક સંતાન માનવામાં આવ્યા છે.
દત્તક લીધેલા અને બાયોલૉજિકલી રીતે જન્મેલા બાળકોમાં સમાનતા
સમાન નાગરિક સંહિતા ખરડામાં દત્તક લીધેલા, સરોગેસીથી જન્મેલા કે સહાયક પ્રજનન ટેક્નિકથી જન્મેલા બાળકો વચ્ચે કોઈ અંતર નહીં હોય. તેમણે અન્ય બાયોલૉજિકલી બાળકોની જેમ જ જૈવિક બાળક માનવામાં આવશે અને સમાન અધિકાર આપવામાં આવ્યા છે.
મૃત્યુ પછી સમાન સંપત્તિનો અધિકાર
કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ પતિ-પત્ની અને બાળકોને સમાન સંપત્તિનો અધિકાર અપાયો છે. આ ઉપરાંત મૃત વ્યક્તિના માતા-પિતાને પણ સમાન અધિકાર આપવામાં આવ્યા છે. આ ગત કાયદાથી એકદમ અલગ છે. ગત કાયદામાં મૃતકની સંપત્તિમાં માત્ર માતાનો જ અધિકાર હતો.