ગુજરાતનું ગૌરવઃ સુરતની 22 વર્ષની યુવતી અમેરિકામાં પ્રોફેશનલ પાઇલટ બની

dipalidalia

બેગમપુરાની 22 વર્ષીય દિપાલીએ ભરી અમેરીકાનાં આકાશમાં ઊંચી ઉડાન
માતા-પિતાને ફ્લાઈટમાં લઈ જવા પાઈલટ બનવાનું સપનું જોયું

ગુજરાતનાં સુરતની યુવતીએ માત્ર 22 વર્ષની ઉંમરે યુએસએના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાઈલટ બનવાની ઊંચી ઉડાન ભરી છે. યુવતીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી નામના મેળવી છે. સુરતના બેગમપુરાના મુંબઇવડના વતની સંજય દાળિયાની 22 વર્ષીય દીકરી દિપાલીએ યુએસએના કેલિફોર્નિયામાં શિફ્ટ થઇ પ્રોફેશનલ પાઇલટ બનવાનું લાઈસન્સ મેળવ્યું છે.

‘જીત ઉસી કી મિલતી હૈ. જિસકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહી હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ’- આ ઉક્તિને સુરતની દિપાલીએ સાર્થક કરી બતાવી છે. તળસુરતના બેગમપુરાના વતની સંજયભાઈ દાળિયાની દીકરી દિપાલીએ 22 વર્ષની વયે અનેક પડકારોનો સામનો કરીને ઊંચી ઊંડાન ભરી છે. દિપાલીએ અમેરિકાના કેલિફોર્નિયામાં શિફટ થઈને પ્રોફેશનલ પાઈલટ બનવાનું લાઈસન્સ મેળવ્યું છે.

પ્રોફેશનલ પાઈલટ બન્યા પછી પહેલી વખત સુરત આવેલી દિપાલીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યો જ નહી, પરંતુ રાણા સમાજના આગેવાનો દ્વારા પણ દિપાલીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાણા સમાજની પહેલી પાઈલટ હોઇ સમાજના આગેવાનો દ્વારા દિપાલી હજુ વધુ ઊંચી ઉડાન ભરે તેવી શુભેચ્છા પાઠવાઈ હતી.

દિપાલીએ ધો.10 સુધીનો અભ્યાસ સુરતની અઠવાગેટની વનિતા વિશ્રામ સ્કૂલમાં કર્યો છે. ત્યાર બાદ વર્ષ 2017માં દિપાલી તેનાં માતા-પિતા અને ભાઈ સાથે USA શિફ્ટ થઇ હતી. માતા-પિતા અને ભાઈ ન્યુજર્સીમાં રહેતા હતા. જ્યારે દિપાલી પાઈલટ બનવા માટે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઇ હતી. જ્યાં અનેક પડકારોનો સામનો કરીને તેમજ સંઘર્ષ કરીને દિપાલીએ પાઈલટ બનવાનું સપનું પૂર્ણ કર્યું છે.

પાયલટ બનવા અંગે દિપાલી દાળિયાએ જણાવ્યું કે, ઇન્ડિયાથી USAની પહેલી ફ્લાઈટ લીધી હતી, ત્યારે જ મેં પાઈલટ બનવાનું સપનું જોયું હતું. મારી ઈચ્છા હતી કે, હું ફ્લાઈટ ચલાવતી હોઉ અને તેમાં મારા માતા-પિતા અને ભાઈ બેઠા હોય. હવે મારી ઈચ્છા છે કે, હું પોતે ફ્લાઈટને ફ્લાઈ કરીને સુરત લઈને આવું.માતા-પિતાના સપોર્ટથી આજે મારું સપનું સાકાર થયું છે.

તેણીએ વધુમાં કહ્યું હતું કે, પ્રોફેશનલ પાઇલટ બન્યા પછી પહેલી વખત મમ્મી-પપ્પા અને ભાઇને ફલાઇટમાં મુસાફરી કરાવવાની ક્ષણ મારી જિંદગીની અત્યાર સુધીની સૌથી યાદગાર ક્ષણ બનશે. તેના પિતા સંજય દાળિયાએ કહ્યું હતું કે, દીકરીએ મેળવેલી આ સિદ્ધિથી અમે ગર્વ અનુભવીએ છીએ. પાઇલટ દિપાલી સાથે અમે પહેલીવાર કેલિફોર્નિયાથી લાસવેગાસ પ્લેનમાં જવા નીકળ્યાં હતાં ત્યારે તેને પ્લેન સ્ટાર્ટ કર્યુ તો અમે ગભરાઇ ગયા હતા. જોકે, પછી દીકરીને ફલાઇટ ઉડાડતાં જોઇને અમારી આંખ ખુશીથી છલકાઇ ઊઠી હતી.