27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 27 ફેબ્રુઆરીએ જ પરિણામ જાહેર થશે
ભાજપના પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા તેમજ કોંગ્રેસના અમી યાજ્ઞિક અને નારણ રાઠવાની ટર્મ પૂરી થઈ રહી છે
ગુજરાતની 4 બેઠકો સહિત દેશની 56 રાજ્યસભાની બેઠકો પર ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું કે 15 રાજ્યોની 56 રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થવા જઈ રહ્યો છે જેમાં ગુજરતાની 4 બેઠકો પણ સામેલ છે. જેથી એપ્રિલ મહિનામાં ખાલી પડનારી બેઠકો 56 બેઠકો માટે માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. નામાંકન ભરવાનો છેલ્લો દિવસ 15 ફેબ્રુઆરી છે.
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી થઈ રહી છે.ગુજરાતની ચાર બેઠક સહિત રાજ્યસભાની 56 બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરી દીધો છે. ગુજરાતમાં જે 4 સાંસદોની ટર્મ એપ્રિલ મહિનામાં પૂર્ણ થઈ રહી છે તે છે ભાજપના પરસોત્તમ રૂપાલા, મનસુખ તેમજ કોંગ્રેસના અમી યાજ્ઞિક, નારણ રાઠવા.
રાજ્યસભાની 56 બેઠકો પર 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને આ દિવસે જ પરિણામ આવશે. 27 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે મત ગણતરી કરવામાં આવશે. અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત 8 ફેબ્રુઆરી 2024થી થશે અને 15 ફેબ્રુઆરી 2024 સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 16 ફેબ્રુઆરીએ ફોર્મ વેરિફાઈ કરવામાં આવશે. તેમજ 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચવા ઈચ્છે તો ખેંચી શકશે.
જે 56 બેઠકો પર ચૂંટણી થવાની છે તે 56 બેઠકોમાંથી સૌથી વધુ 10 ઉત્તરપ્રદેશની છે. આ સિવાય મહારાષ્ટ્રની 6, બિહારની 6, મધ્યપ્રદેશની 5, પશ્ચિમ બંગાળની 5, કર્ણાટકની 4 અને ગુજરાતની 4 બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય તેલંગાણા-રાજસ્થાન અને ઓડિસાની 3-3 બેઠકો પર મતદાન થશે. જ્યારે છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને હિમાચલની 1-1 બેઠકો પર મતદાન થશે.
અપને જણીવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં 156 બેઠકો આવી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 17 બેઠક આવી હતી. જોકે હાલમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં વિધાનસભામાં સંખ્યાબળ માત્ર 15 જ રહ્યું છે. એટલે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ચારેય બેઠક જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. જોકે આ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 10 થઈ જશે. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે માત્ર શક્તિસિંહ ગોહિલ રહેશે.
રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે. આગામી સમયની વાત કરવામાં આવે તો આ વખતનું કોંગ્રેસનું સંખ્યાબળ ગત ટર્મ કરતા ઓછુ છે. એટલે સ્વાભાવિક રીતે આ વખતની રાજ્યસભાની ચૂંટણી માત્ર ઔપચારિક ચૂંટણી રહેવાની છે. ચારેય બેઠક ભાજપ કબ્જે કરે તેવી સંભાવના છે ત્યારે મહત્વની વાત એ રહેશે કે આ વખતની નવી ટર્મમાં કોંગ્રેસને બે બેઠકનું નુકસાન થશે.