તમારી જેવા સક્ષમ અને ભણેલ-ગણેલ નેતાઓ આમ આદમી પાર્ટીમાં ખુબ શોભા આપે: ગોપાલ ઈટાલિયા
છેલ્લાં કેટલાક સમયથી પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે એ પ્રકારની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. ચર્ચા થઈ રહી હતી કે અર્જુન મોઢવાડિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભાજપમાં જોડાઈ શકે છે. આજે અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી આ વાત નકારી કાઢી છે.
જાહેર માધ્યમો અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલ અહેવાલો બાદ કોંગ્રેસના સિનિયર નેતા અને પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પોતાના રાજીનામાની વાતને પાયાવિહોણી ગણાવી હતી. અર્જુન મોઢવાડીયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે ‘મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલોમાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થતી હતી. તેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું.’
તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા પર કટાક્ષ કર્યો છે. અર્જુન મોઢવાડિયાએ ભાજપમાં જોડાવાની વાતને નકારી કાઢી કોંગ્રેસમાં જ જોડાઈ રહેવા અંગે સ્પષ્ટતા કરી હતી જેના જવાબમાં ગોપાલ ઈટાલીયાએ ખુલાસા અંગે સ્પષ્ટતા પર કટાક્ષ સાથે અર્જુન મોઢવાડિયાને આપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.
ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, તમે કોંગ્રેસમાં છો એવો ખુલાસો કર્યો પણ ભવિષ્યમાં કોંગ્રેસમાં જ રહેશો કે નહીં તેનો ખુલાસો કર્યો હોત તો સારું હતું. અને જો ભવિષ્યમાં કોંગ્રેસમાં ન રહેવાના હોવ તો મારી વિનંતી છે કે, તમારી જેવા સક્ષમ અને ભણેલ-ગણેલ નેતાઓ આમ આદમી પાર્ટીમાં ખુબ શોભા આપે.
ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયાનું આ રિએક્શન સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. આમ આદમી પાર્ટીએ એક પ્રકારે અર્જુન મોઢવાડિયાને આમંત્રણ આપીને જાણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.