લોકસભા ચૂંટણીને લઈને ભાજપે શરૂ કર્યો પ્રચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોલ પેઇન્ટિંગ કરી અભિયાનની શરૂઆત કરી

bhupendra-patel

મોદી સરકારની સિદ્ધિઓ અને મોદી ગેરંટીના સ્લોગન સાથે ડિજિટલ વોલ પેઇન્ટિંગ કરાશે.
ભીંત પર કમળનું ચિત્ર અને “ફીર એકવાર મોદી સરકાર” સૂત્ર સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી
ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ, ભાજપ 2.50 લાખ વોલ પેઇન્ટિંગ તેમજ 50 હજાર ડિજિટલ પેઇન્ટિંગ કરશે

લોકસભા ચૂંટણી 2024ને લઈને રાજ્યમાં ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે. ગઈકાલે ગુજરાતનાં સુરતમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે વોલ પેઇન્ટિંગ કરાવી પ્રચાર શરૂ કરાવ્યો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના એસજી હાઇવે પર વોલ પેઇન્ટિંગ કરીને અભિયાનની શરૂઆત કરી છે. ભીંત પર કમળનું ચિત્ર અને ફીર એકવાર મોદી સરકાર સૂત્ર સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં ભાજપ 2.50 લાખ વોલ પેઇન્ટિંગ કરશે.

ગુજરાતની 26માંથી 26 લોકસભાની બેઠક ફરી લાવવા માટે ભાજપે કમર કસી છે. અભિયાનની શરૂઆત કરાવતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારતે સર્વાંગીણ વિકાસ થકી વિશ્વમાં આગવું સ્થાન બનાવ્યું છે. પક્ષના કર્મઠ કાર્યકર્તાઓનો ઉત્સાહ બુલંદી પર છે. માનનીય મોદીજીએ વિકાસની ગેરંટીને પૂરી કરી બતાવી છે અને ભારતના જન-જનના જીવનને સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી, સ્વાસ્થ્યથી સભર બનાવ્યું છે. આથી જ તો, મોદીજીને ફરી એકવાર દેશના વડાપ્રધાન પદે આરુઢ કરાવવા નાગરિકોની આતુરતા ઉડીને આંખે વળગે તેવી છે.

ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વોલ પેઇન્ટિંગ કરીને કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગોતા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોલ પેઇન્ટિંગ કેમ્પેનની શરૂઆ કરાવ્યા બાદ ગુજરાતભરમાં ભાજપના મંત્રી, આગેવાનો દ્વારા પોતાના વિસ્તારમાં અને પોતાના મત વિસ્તારના લોકસભા ક્ષેત્રમાં આ વોલ પેઇન્ટિંગ કેમ્પેન હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે ભાજપ 50 હજાર ડિજિટલ પેઇન્ટિંગ કરશે. મોદી સરકારના સ્લોગન સાથે ડિજિટલ વોલ પેઇન્ટિંગ કરશે. અમદાવાદમાં બીજેપીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમાં ગઈકાલે ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે વોલ પેઇન્ટિંગ કરાવી પ્રચાર શરૂ કરાવ્યો છે. ત્યારે આજે સીએમએ પોતાના મત વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કર્યું છે. ગુજરાત બીજેપીનું આયોજન છે કે ગુજરાત ભરમાં વોલ પેઇન્ટિંગ કરશે.