ગુજરાતના વેરાવળથી 200 કિમી દુર જહાજ પર હુમલા બાદ લાગી આગ, ભારતીય નૌસેના મદદે પહોંચી
ICGS વિક્રમે આ વિસ્તારના તમામ જહાજોને સહાય પૂરી પાડવા માટે એલર્ટ કર્યા
ભારતીય દરિયાકાંઠે વેરાવળથી 200 કિમી (120 માઇલ) હિંદ મહાસાગરમાં એક જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ ક્રૂડ ઓઈલ લઈને સાઉદી અરેબિયાના એક બંદરેથી મેંગલોર તરફ જઈ રહ્યું હતું. ડ્રોન હુમલા બાદ વિસ્ફોટ થતા જહાજમાં આગ લાગી હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ ઘટનાને કારણે ઓખા-વેરાવળમાં દરિયાઇ સુરક્ષા પર મોટું જોખમ ઉભુ થવાના અણસાર લાગી રહ્યા છે.
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠે હિંદ મહાસાગરમાં લાઇબેરિયન-ધ્વજવાળા ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, આ હુમલો 23મી ડિસેમ્બરે શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈઝરાયલના વેપારી જહાજને નુકસાન થયું હતું. ડ્રોન હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે આગ ઓલવાઈ ગઈ છે, પરંતુ તેની કામગીરી પર અસર પડી છે. લગભગ 20 ભારતીયો સહિત તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ICGS વિક્રમે આ વિસ્તારના તમામ જહાજોને સહાય પૂરી પાડવા માટે એલર્ટ કરી દીધા છે.”
બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ અને મેરીટાઇમ સિક્યોરિટી ફર્મ એમ્બ્રેએ જણાવ્યું કે, ઈઝરાયલના વેપારી જહાજ પર ભારતના વેરાવળ નજીક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલા બ્રિટનના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન ઓર્ગેનાઈઝેશને આ હુમલાની જાણકારી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં જહાજ પર હાજર કોઈ પણ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી. આ વેપારી જહાજ તેના ગંતવ્ય ભારત તરફનો પ્રવાસ ચાલુ રાખ્યો છે. આ હુમલાની આશંકા યમનના હુથિઓ પર વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રના શિપિંગ માર્ગ પર ભારત આવતા ઈઝરાયેલ સાથે જોડાયેલા કાર્ગો જહાજનું અપહરણ કર્યું હતું. બળવાખોરોએ જહાજના 25 ક્રૂ મેમ્બરને પણ બંધક બનાવ્યા હતા. ત્યારબાદ અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, આ હુમલો ઈરાની ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ અનુસાર ઈઝરાયલના અધિકારીઓ પણ આ ઘટનાને હુથી બળવાખોરો સાથે જોડી રહ્યા છે.
આ પહેલા ઈઝરાયેલના હુમલાનો વિરોધ કરી રહેલા યમનના હુથી બળવાખોરોએ ભારત આવી રહેલા જહાજને હાઈજેક કરી લીધું હતું. આટલું જ નહીં, હુથીઓએ સમુદ્રમાં અનેક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેના કારણે અનેક જહાજોને નુકસાન થયું છે. હુથીઓને ઈરાનનું ખુલ્લું સમર્થન છે અને તેઓ હમાસના સમર્થનમાં સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહ્યા છે. જેના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત વેપાર માર્ગો પૈકીનો એક સમુદ્રી માર્ગ હવે જોખમમાં મુકાયો છે. આ જ કારણ છે કે હવે ઘણી કંપનીઓ આફ્રિકા મારફતે બિઝનેસ કરી રહી છે. આનાથી ઘણો ખર્ચ થઈ રહ્યો છે.
અગાઉ, હુથીઓના હુમલાને ધ્યાનમાં રાખીને, ભારતે એડનની ખાડીમાં બે મિસાઇલોથી સજ્જ એક વિનાશક જહાજ ડેસ્ટ્રાયરને તૈનાત કર્યું હતું. ભારતે આ સમગ્ર વિસ્તારમાં ભારતીય જહાજોની સુરક્ષા માટે અનેક પગલાં લીધા છે. તે જ સમયે, હુતી વિદ્રોહીઓ સતત તેમના હુમલાઓ વધારી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને, અમેરિકાએ 20 દેશો સાથે એક દરિયાઈ દળની રચના કરી છે જેથી જવાબી કાર્યવાહી કરી શકાય. દરમિયાન, હુથિઓએ સમુદ્રને અમેરિકન જહાજો માટે કબ્રસ્તાનમાં ફેરવવાની ધમકી આપી છે.
બ્રિટિશ મિલિટરીના મેરીટાઇમ ઓપરેશન્સ અહેવાલ આપ્યો હતો કે જહાજ ભારતના વેરાવળથી 200 નોટિકલ માઇલ દૂર હતું, તેમજ સોમનાથથી 378 કિલોમીટર દૂર હતું. ભારતીય સેનાએ વધુ તપાસ માટે ICGS વિક્રમને ત્યાં મોકલ્યું છે. હુમલા બાદ ક્રૂ મેમ્બર્સને તો કોઇ નુકસાન થયું નથી પરંતુ કેટલાક મીડિયા અહેવાલો અનુસાર આગ લાગી હતી, જે હવે કાબૂમાં લેવાઇ ગઇ છે. હાલ આ હુમલાની કોઇએ જવાબદારી લીધી નથી.