શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને ઈડીએ પાઠવી નોટિસ, છેતરપિંડીનો કેસ

gaurikhan

કંપની પર રોકાણકારો અને બેંક સાથે આશરે 30 કરોડ રુપિયાની છેતરપિંડીનો આરોપ
ફ્લેટ બુક કરાવવા 85 લાખ ચૂકવવા છતાં પઝેશન ના આપ્યું

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ED) તરફથી નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ રૂ. 30 કરોડ કથિતપણે પચાવી પાડવાના એક કેસના સંબંધમાં છે. ગૌરી ખાન વિરુદ્ધ મહિના પહેલા એક વ્યક્તિ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે રિયલ એસ્ટેટ કંપની તુલસિયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડની છેતરપિંડી સાથે સંબંધિત હતો.

મીડિયા અહેવાલો અનુસાર, ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની મુશ્કેલીઓ વધવાની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) લખનઉ ઓફિસથી આજે એટલે કે 19 ડિસેમ્બર 2023ના રોજ તેમને નોટિસ આપી છે. આ નોટિસ તુલસીયાની ગ્રૂપ સામે નોંધાયેલી અગાઉની FIR બાદ મોકલવામાં આવી છે. ગૌરી ખાન લખનઉની રિયલ એસ્ટેટ કંપની તુલસિયાની ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ કંપની પર આરોપ છે કે તેણે ઈન્વેસ્ટરો અને બેન્કોના રૂ. 30 કરોડ પચાવી પાડ્યા છે. કંપની પર લાગેલા આ આરોપ અંતર્ગત ગૌરીને આજે ઈડી તરફથી નોટિસ મોકલવામાં આવી હોવાનો અહેવાલ છે. આ કેસના સંબંધમાં ઈડી અધિકારીઓ ગૌરીખાનને તેના આર્થિક સોદાઓ વિશે પૂછપરછ કરે એવી ધારણા છે. જોકે ગૌરીએ હજી સુધી આ નોટિસ અંગે કોઈ પ્રત્યાઘાત આપ્યાં નથી.

કંપનીના બ્રાન્ડ એમ્બેસેડરના પદ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતા. તેથી તપાસનીશ અધિકારીઓ ગૌરી પાસેથી સંબંધિત દસ્તાવેજો મેળવે એવી પણ ધારણા છે. લખનઉમાં, તુલસિયાની ગ્રુપને સુશાંત ગોલ્ફ સિટી તરીકે ઓળખવામાં આવે છે. મુંબઈના કિરીટ શાહ નામના ઈન્વેસ્ટરે 2015માં રૂ. 85 લાખમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. પણ કંપનીએ એમને ફ્લેટનો કબજો આપ્યો નથી કે એમને પૈસા રીફંડ પણ કર્યા નથી. તેથી શાહે તુલસિયાની ગ્રુપના ડાઈરેક્ટરો અનિલકુમાર તુલસિયાની અને મહેશ તુલસિયાની તેમજ બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન સામે ફરિયાદ નોંધાવી છે.

કિરીટ શાહનો આરોપ છે કે, એમણે 2015માં ફ્લેટ ખરીદ્યો હતો. તેઓ સુશાંત ગોલ્ફ સિટીમાં કંપનીની ઓફિસે ગયા હતા અને રૂ. 86 લાખમાં ફ્લેટ ખરીદવા તૈયાર થયા હતા. એમને ખાતરી આપવામાં આવી હતી કે 2016માં ફ્લેટનો કબજો આપવામાં આવશે. પરંતુ ઘણો બધો સમય પસાર થઈ ગયો હોવા છતા હજુ સુધી તેમને ફ્લેટ મળ્યો નથી. બાદમાં તેમને માલૂમ પડ્યું હતું કે તેમણે જે ફ્લેટના બુકિંગ માટે એગ્રીમેન્ટ કર્યો હતો તે કંપનીએ કોઈક બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી દીધો હતો.