ભારત સાથે જોડાયા પછી જમ્મુ-કાશ્મીરની સંપ્રભુતા સમાપ્ત થઈ ગઈ હતી
જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યાનો નિર્ણય યથાવત રહેશે
30 સપ્ટેમ્બર 2024 સુધી ચૂંટણી યોજવાનો આદેશ
જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હઠાવવાના નિર્ણયની કાયદાકીય યોગ્યતા પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટની જે બંધારણીય બૅન્ચે આ કેસમાં ચુકાદો આપ્યો છે તેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ ઉપરાંત જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ બીઆર ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થાય છે. પાંચ જજોની બંધારણીય બૅન્ચે સર્વસંમતિથી આ ચુકાદો આપતા જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરતા આદેશને યોગ્ય ગણાવ્યો છે.
જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણની કલમ 370ની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્ર સરકારના 2019ના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 370 હટાવ્યાનો નિર્ણય યથાવત રાખ્યો છે અને કહ્યું છે કે કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા હતી. કલમ 370 પર ચુકાદો આપતા CJIએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની સાર્વભૌમત્વ ભારતમાં જોડાતાની સાથે જ ખતમ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.
ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય દ્વારા લેવામાં આવેલા કેન્દ્રના નિર્ણયને પડકારી શકાય નહીં. કલમ 370 એ યુદ્ધ જેવા કિસ્સામાં વચગાળાની જોગવાઈ હતી. જો આપણે તેના લખાણને જોઈએ તો એ સ્પષ્ટ થાય છે કે આ એક અસ્થાયી જોગવાઈ હતી.” સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદ્યા પછી તેનો ઉપયોગ કરી શકાય તેવી શક્તિઓ પર નિયંત્રણો છે. ભારતમાં વિલીનીકરણ થયા બાદ જમ્મુ-કાશ્મીરને આંતરિક સાર્વભૌમત્વનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કલમ 370(3) હેઠળ રાષ્ટ્રપતિને કલમ 370 નિષ્પ્રભાવી કરવાનો અધિકાર છે.
“કોર્ટ રાષ્ટ્રપતિના નિર્ણયો પર કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી શકે નહીં. જોકે, કોઈપણ નિર્ણય ન્યાયિક સમીક્ષાની બહાર નથી. પરંતુ 370(1)(ડી) હેઠળ કરવામાં આવેલા ઘણા બંધારણીય આદેશો દર્શાવે છે કે કેન્દ્ર અને રાજ્યએ એક સહયોગી પ્રક્રિયાને અનુસરી છે. આ પ્રક્રિયા દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું છે.”
“આ વાત દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરના એકીકરણની પ્રક્રિયા ભૂતકાળમાં ચાલી રહી હતી અને તેથી આ નિર્ણયને રાષ્ટ્રપતિની સત્તાના દુરુપયોગ તરીકે ન જોઈ શકાય. તેથી, અમે રાષ્ટ્રપતિના નિર્ણયને કાયદેસર ઠેરવીએ છીએ.”
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, “અમે નિર્દેશ આપીએ છીએ કે ભારતના ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે પગલાં ભરવા જોઈએ.”
આ નિર્ણયને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ગ્રાઉન્ડ લેવલ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે.