‘કારગિલ યુદ્ધનો વિરોધ કરવા પર મને PM પદથી હટાવ્યો હતો: નવાઝ શરીફ
પાકિસ્તાનમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ નવાઝ શરીફે આજે કારગિલ યુદ્ધ પર ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે, કારગિલ યુદ્ધનો વિરોધ કરવા બદલ 1999માં જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા તેમને સરકારમાંથી હટાવવામાં આવ્યા હતા. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે આ દરમિયાન મેં ભારત અને અન્ય પાડોશી દેશો સાથે સંબંધોને ગાઢ બનાવવાની વાત કહી હતી. તેઓ માને છે કે ભારત સાથે સારા સંબંધો રાખવા જરૂરી છે.
લાહોરમાં આગામી ચૂંટણી માટે તેમની પાર્ટીની ટિકિટ માટેના ઉમેદવારો સાથે વાત કરતા નવાઝ શરીફે કહ્યું હતું કે, મને જણાવવું જોઈએ અને લોકોને પણ તે વાતની જાણ થવી જોઈએ કે મને 1993 અને 1999માં શા માટે સરકારમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો . જ્યારે મેં કારગીલ યોજનાનો વિરોધ કર્યો અને કહ્યું કે એવું ન થવું જોઈએ, ત્યારે જ મને જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા બહાર ફેંકી દેવામાં આવ્યો અને પછી મેં જે કહ્યું હતું તે સાચું સાબિત થયું હતું.
ચૂંટણી સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, મને ખબર ન હતી કે શા માટે હકાલપટ્ટી કરાઈ હતી. ‘અમે દરેક મોરચે સારું પ્રદર્શન કર્યું છે. હું માત્ર એટલું જ જાણવા માંગતો હતો કે દર વખતે મને શા માટે બહાર કરી દેવામાં આવે છે. પોતાના ભાષણ દરમિયાન શરીફે કહ્યું કે, મારા વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતના બે વડાપ્રધાને પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. મોદી સાહેબ અને અટલ બિહારી વાજપેયી લાહોર આવ્યા હતા.
પાડોશી દેશો સાથે સારા સંબંધો જાળવવા પર ભાર આપતા નવાઝ શરીફે કહ્યું છે કે, પાકિસ્તાનને પાડોશી દેશો અફઘાનિસ્તાન અને ઈરાન સહિત ભારત સાથે સંબંધો સુધારવાની જરૂર છે. ત્યારે, ચીનની સાથે હાલના સંબંધોને પણ હજુ વધુ સારા બનાવવા પડશે.
નવાઝ શરીફે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, પાકિસ્તાન આર્થિક વૃદ્ધિ મામલે પોતાના પાડોશી દેશોથી પાછળ રહી ગયું છે. ત્યારે, ઈમરાન ખાન પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ખબર નહીં અનુભવ વગરના વ્યક્તિને દેશની કમાન શા માટે સોંપવામાં આવી હતી. ઈમરાન ખાનની સરકાર દરમિયાન જ અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ. તેમણે કહ્યું કે (2018 અને 2022 વચ્ચે) ઈમરાન ખાનની સરકારે અર્થવ્યવસ્થામાં ઘટાડો જોયો હતો. ત્યારબાદ શાહબાઝ શરીફ સરકારે એપ્રિલ 2022માં સત્તા સંભાળી અને દેશને ડિફોલ્ટથી બચાવ્યો હતો.
નવાઝ શરીફે 2017માં તેમની સરકારને હટાવીને પાકિસ્તાનને બરબાદ કરવા બદલ પૂર્વ સૈન્ય જનરલો અને ન્યાયાધીશોની જવાબદારીની માંગ કરતા કહ્યું હતું કે, જેઓ દેશને આ સ્તરે લાવ્યા છે તેમને જવાબદેહ બનાવવો જોઈએ, કારણ કે દેશભક્ત લોકો તેમના દેશ સાથે છે. અમે સરકારમાં આવીને લક્ઝરી કારમાં ફરવા માંગતા નથી પરંતુ દેશને બરબાદ કરનારા અને અમારી સામે ખોટા કેસ કરનારાઓની જવાબદારી ઈચ્છીએ છીએ.