ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત કોંગ્રેસ માટે ઇલેક્શન કમિટીની પણ રચના કરવામાં આવી
ઇલેક્શન કમિટીમાં ધારાસભ્ય અને પૂર્વ ધારસભ્યો, પૂર્વ પ્રમખો અને સિનિયર નેતાઓ સહિત 40 સભ્યોનો સમાવેશ
લોકસભા 2024ની ચૂંટણીને આડે હવે થોડાક જ મહીનાઓ બાકી રહ્યા છે. વર્ષ 2022ની વિઘાનસભાની ચૂટણીમાં કોંગ્રેસની હાર બાદ નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી જ પ્રદેશના સંગઠનના માળખાને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી. આ અટકળો વચ્ચે આજે કોંગ્રેસે ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ નવા સંગઠનના માળખાની જાહેરાત કરી છે. આ સાથે પૂર્વ ધારાસભ્યો સહિતના નેતાઓને 10 જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.
શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત કોંગ્રેસ માટે ઇલેક્શન કમિટીની રચના કરવામાં આવી છે. આ ઇલેક્શન કમિટીમાં ધારાસભ્ય અને પૂર્વ ધારસભ્યો, પૂર્વ પ્રમખો અને સિનિયર નેતાઓ સહિત 40 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ઈન્દ્રનીલ રાજગુરુ અને ગ્યાસુદિન શેખની સહીત 40 સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા કોંગ્રેસે ગુજરાતનાં 10 જીલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. જેમાં રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયા, જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત જે. અમિપરા, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત, અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ, પંચમહાલ જિલ્લા પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમાર, ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી, આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકી, વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયાર, નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલ તેમજ ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.