કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં સતત બે દિવસથી કમોસમી વરસાદ પડ્યો. સમગ્ર ગુજરાત કમોસમી વરસાદની આફતનો સામનો કરી રહ્યો છે. હવામાન વિભાગની ત્રણ દિવસની વરસાદની આગાહી અનુસાર રવિવારે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો પરંતુ સોમવારથી વરસાદનું જોર ઘટ્યુ હતું.
રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવે માવઠાની શક્યતા નહિવત છે. જો કે કમોસમી વરસાદ પછી સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. કારણ કે, હવે તમારે કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હવેથી ઠંડીનુ જોર વધશે. કમોસમી વરસાદના કારણે લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.
ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર એકાએક વધ્યુ છે અને આગાહી મુજબ હવે વધતુ જ જશે. રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. તો નલિયામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવના છે. ગુજરાતમાં ઠંડીનો પારો સતત નીચે જતો જશે. ડિસેમ્બરના પ્રારંભથી હાડ થિજાવતી ઠંડી પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
આંકડાઓ મુજબ વરસાદ બાદ અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 18, સુરતમાં 19.8 ડિગ્રી તાપમાન તો નલિયામાં 15.4, અમરેલીમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે દ્વારકામાં 19.8, પોરબંદરમાં 18.2, રાજકોટમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હતો. ગત રાત્રિએ 18 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધ્યું હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો અનુભવાશે. જોકે, ત્યારબાદ 3 ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાન વધીને 21 ડિગ્રી થઇ જતાં ઠંડીમાં ઘટાડો રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આજે રાજ્યમાં વરસાદને લઈ કોઈ એલર્ટ નથી. રાજ્યમાં એકાદ જગ્યાએ હળવો વરસાદ રહી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ તાપીમાં હળવો વરસાદ રહી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ એકાદ જગ્યાએ હળવો વરસાદ રહી શકે છે. તો ભાવનગર, બોટાદમાં એકાદ જગ્યાએ હળવો વરસાદ રહી શકે છે.