કમોસમી વરસાદને પગલે રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી સહાયતા અપાશે: ઋષિકેશ પટેલ

rishikesh-patel

હવામાન વિભાગ દ્વારા 26 અને 27મી નવેમ્બરના રોજ માવઠાની આગાહી કરવામાં આવી હતી. આગાહી પ્રમાણે જ બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાક પલળી જવાથી ઘણુ નુકશાન થયુ છે. ત્યારે બે દિવસથી વરસતા કમોસમી વરસાદ અંગે વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકને ઘણું એવું નુકસાન થયું છે. ખરીફ પાકોમાં કપાસ તુવેર અને એરંડા જેવા પાકોમાં નુકસાનની ભીતિ વધુ સેવાઈ રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ જાપાનના પ્રવાસે હોવાથી તેમણે ગુજરાતની અને ગુજરાતના ખેડૂતોની ચિંતા કરતા રાજ્ય સરકારને સતત કાર્યરત રહેવા સૂચના આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે વરસાદની માત્રા ઓછી થશે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે, તેનું સર્વે કરીને તેમની સહાય કરવામાં આવશે.તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના અમુક વિસ્તારમાં બરફના કરા અને વીજળી પણ પડી છે, જેના કારણે વિવિધ વિસ્તારમાં ઘણા એવા સામાન્ય નાગરિકોને તકલીફ પડી છે તેનું પણ સર્વે કરીને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોની સહાય કરવા સરકાર કટિબદ્ધ છે.