રેસ્ક્યુ ટીમે વોકી ટોકી દ્વારા કામદારો સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા
ફસાયેલા તમામ શ્રમિકોએ કેમેરા પર એક પછી એક જવાબો આપ્યા
સિલ્ક્યારા ટનલમાં અકસ્માત 12 નવેમ્બરે સવારે 4 વાગ્યે થયો હતો
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 10 દિવસથી 41 મજૂરો ફસાયેલા છે અને જીવન મરણ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે. બચાવ કામગીરી પણ ચાલી રહી છે. સમગ્ર દેશવાસીઓ પણ તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેવામાં હવે ટનલની અંદર ફસાયેલા લોકોનો એક વીડિયો સામે આવ્યો છે.
ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત એન્ડોસ્કોપિક કેમેરા સિલ્ક્યારા ટનલની અંદર નવી 6 ઈંચ પહોળી પાઈપલાઈન દ્વારા મોકલવામાં આવ્યો હતો. તેના દ્વારા કામદારો સાથે વાત કરવામાં આવી હતી અને તેમની ગણતરી પણ કરવામાં આવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ફસાયેલા તમામ શ્રમિકોએ કેમેરા પર એક પછી એક જવાબો આપ્યા છે. તમામ કામદારો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ટનલમાં ફસાયેલા એક મજૂરે તેની માતાને ભાવનાત્મક સંદેશ પણ આપતા કહ્યું કે માં હું ઠીક છું. તમે સમયસર જમી લેજે. આ અગાઉ અંદર ફસાયેલા કામદારોને 24 બોટલમાં ગરમ ખીચડી અને દાળ મોકલવામાં આવ્યાં હતાં. 9 દિવસ બાદ પહેલીવાર શ્રમિકોને ભરપેટ ભોજન મળ્યું હતું. આ ઉપરાંત નારંગી, સફરજન અને લીંબુનો રસ પણ મોકલવામાં આવ્યો હતો. આજે શ્રમિકો માટે દળિયા અને અન્ય ખાદ્યપદાર્થો મોકલવામાં આવશે. અત્યાર સુધી માત્ર મલ્ટી વિટામિન્સ, પફ્ડ રાઇસ અને ડ્રાય ફ્રૂટ્સ પાઇપ દ્વારા મોકલવામાં આવતા હતા. હવે ટનલની અંદર મોબાઈલ અને ચાર્જર પણ મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અંદર વાઇફાઈ કનેક્શન સેટઅપ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રેસ્ક્યુ ટીમે વોકી ટોકી દ્વારા કામદારો સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કરતા કહ્યું કે ‘ચિંતા ના કરતાં તમને બધાને જલ્દી બહાર કાઢવામાં આવશે’. રેસ્ક્યુ ટીમનો એક સભ્ય ટનલની અંદર ફસાયેલા લોકોને પૂછે છે – શું તમે બધા ઠીક છો? જો બધા ઠીક હોય તો પોતે કેમેરા સામે આવો અને તમારો બતાઓ અને સ્માઇલ કરો. અમે ટૂંક સમયમાં તમારા સુધી પહોંચીશું, ચિંતા ન કરો. બાદમાં એક પછી એક તમામ કેમેરાની સામે આવો જેથી અમે તમારા પરિવારના લોકોને કહી શકીએ કે તમે સુરક્ષિત છો. અંદર ફસાયેલા તમામ લોકોની ગણતરી કરી લેવામાં આવી હતી. તમામ કામદારો સુરક્ષિત છે. હવે કામદારોની દરેક ગતિવિધિને ટ્રેસ કરવા માટે દિલ્હીથી હાઇટેક સીસીટીવી મંગાવવામાં આવી રહ્યા છે.
કેમેરામાં તમામને સુરક્ષિત જોઈને રેસ્ક્યૂ ટીમની સાથે તમામ દેશવાસીઓએ રાહતનો શ્વાસ લીધો. ત્યારબાદ, વૉકી-ટૉકી દ્વારા તે લોકો સાથે વાત પણ કરવામાં આવી. આશા છે કે બહાર આવવા માટે તેમને હવે વધુ રાહ નહિ જોવી પડે.
હાલ સિલક્યારા ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટેના યુદ્ધ સ્તર પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમાં સહકાર માટે ભારત સરકારના આગ્રહ પર આંતરરાષ્ટ્રીય સ્તરના ટનલ નિષ્ણાત અર્નોલ્ડ ડિક્સ પણ સિલક્યારા પહોંચી ગયા છે. તમામ પ્રકારની આધુનિક મશીનો કામે લગાડવામાં આવી છે.
ટનલમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા માટે સિલ્ક્યારા અને ડંડલગાંવમાં વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરી દેવાયુ છે. હવે સિલ્કિયારામાંથી ઓગર મશીન દ્વારા 900 MMની પાઇપની અંદર 800 MMની પાઇપ નાખવામાં આવી રહી છે, જેથી તેની સામેનો અવરોધ દૂર કરી શકાય. DRDOનો રોબોટ પણ કામે લગાડવામાં આવ્યો છે.