9 સુધારા સાથે આ બિલ પસાર થયું, 75% અનામતની જોગવાઈ, રાજ્યપાલની મંજૂરી બાદ કાયદો બનાવાશે
બિહાર વિધાનસભામાં હવે 75% અનામતને મંજૂરી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેનો વિરોધ કરવામાં આવ્યો ન હતો. ગુરુવારે બિહાર વિધાનસભાના શિયાળુ સત્રના ચોથા દિવસે અનામત સંશોધન બિલ 2023 રજૂ કરવામાં આવ્યું હતું. જે સર્વાનુમતે પાસ કરાયું હતું. બપોરે 2 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ 75 ટકા અનામત સંશોધન બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. નીતીશ સરકારે બિહારમાં જાતિ આધારિત આરક્ષણનો વ્યાપ વધારીને 65% કરવાનો અને અનામતને 75% સુધી લઈ જવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ આજે વિધાનસભામાં અનામત સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યની મુખ્ય વિપક્ષ પાર્ટી ભાજપે પણ બિલને સમર્થન આપ્યું છે.
આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સભ્યોને સંબોધિત કરતા કહ્યું કે તમામ સભ્યો સાથે વાત કર્યા બાદ આ પહેલ કરવામાં આવી છે. હવે આ બિલને વિધાનસભામાં મૂકવામાં આવશે, જ્યાંથી પાસ થયા બાદ એને રાજ્યપાલને મોકલવામાં આવશે. રાજ્યપાલની મંજૂરી બાદ કાયદો બનાવાશે.
બિહાર દેશનું પહેલું રાજ્ય છે જ્યાં સરકારે અનામત મર્યાદા વધારીને 75% કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. જેડીયુ, આરજેડી અને કોંગ્રેસની મહાગઠબંધન સરકારે પણ કેબિનેટમાંથી આના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. નીતિશ સરકારે પછાત વર્ગ OBC માટે 18 ટકા, અત્યંત પછાત OBC માટે 25 ટકા, SC માટે 20 ટકા અને ST માટે 2 ટકા અનામતનો પ્રસ્તાવ પસાર કર્યો છે. હવે બિહારમાં માત્ર 25% અસુરક્ષિત ક્વોટા બચ્યો છે.
BJPએ બિલમાં EWS અનામતનો ઉલ્લેખ ન હોવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના પર સંસદીય કાર્યમંત્રી વિજય ચૌધરીએ કહ્યું હતું કે EWSની અનામત બીજા એક્ટથી લાગુ કરવામાં આવશે. EWS અનામત પહેલાંની જેમ જ લાગુ રહેશે. આ ઉપરાંત બિહાર સચિવાલય સેવા સંશોધન બિલ 2023, બિહાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સેકન્ડ એમેન્ડમેન્ટ બિલ-2023 પણ રજૂ કરવામાં આવ્યા હતા.
ગુરુવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપે મુખ્યમંત્રીના સેક્સસંબંધી નિવેદનને લઈને વિધાનસભામાં હોબાળો મચાવ્યો હતો. ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રીના રાજીનામાની માગ પર મક્કમ રહ્યા. હંગામાને કારણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ગૃહની કાર્યવાહી શરૂ થાય એ પહેલાં ભાજપના ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુર બચૌલ સતત ચોથા દિવસે વિધાનસભાની બહાર વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા. અનુસૂચિત જાતિ અને જનજાતિના કર્મચારીઓને બઢતી આપવાની માગ, એગ્રિકલ્ચર રોડ મેપમાં ફંડનું શોષણ રોકવાની માગ કરાઈ હતી તેમજ ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રીને રાજીનામું આપવા માટે કહીને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેઓ નારા લગાવી રહ્યા છે કે સેક્સ એજ્યુકેશનનું જ્ઞાન આપવાનું બંધ કરો, આ સરકાર નકામી છે.
બિહાર વિધાનસભામાં આરક્ષણ સંશોધન બિલ- 2023 રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી સેવાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે 15 ટકા વધારાનું અનામત આપવાની જોગવાઈ છે. ગૃહોમાંથી પસાર થયા બાદ આ બિલ રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવશે. જાતિ આધારિત સર્વે રિપોર્ટ આવ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે અનામતનો વ્યાપ વધારવાની જાહેરાત કરી હતી. આ પછી કેબિનેટે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.