નિશિકાંત દુબેએ કર્યો દાવો: લોકપાલે મહુઆ મોઇત્રા કેસની તપાસ સીબીઆઈને સોંપી

mahua

પહેલા CBI મારા બે સવાલોના જવાબ આપે પછી મારા ઘરે આવે અને ચંપલ ગણે: મહુઆ મોઈત્રા

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આ દાવો કર્યો છે કે સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા લેવાના આરોપોનો સામનો કરી રહેલાં TMC સાંસદ મહુઆ મોઇત્રાની હવે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી શકે છે.

નિશિકાંત દુબેએ બુધવારે X પર ટ્વીટ કરીને લખ્યું હતું કે આજે મારી ફરિયાદ પર લોકપાલે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોપી સાંસદ મહુઆજીના ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. નિશિકાંત દુબેએ કરેલી ટ્વીટની 40 મિનિટ બાદ મહુઆએ સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે 13 હજાર કરોડ રૂપિયાના કોલસાકૌભાંડમાં સીબીઆઈએ પહેલા અદાણી વિરુદ્ધ FIR દાખલ કરવી જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો એ છે કે કેવી રીતે શંકાસ્પદ FPI માલિકી ધરાવતી અદાણી કંપનીઓ (ચીની અને UAE સહિત) ગૃહ મંત્રાલયની મંજૂરી પછી પોર્ટ-એરપોર્ટ ખરીદી રહી છે.

વધુમાં મહુઆએ લખ્યું હતું કે CBI પહેલા મારા આ બે સવાલોના જવાબ આપે અને આ પછી મારા ઘરે આવે અને ચંપલ ગણે.

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ 15 ઓક્ટોબરે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મહુઆએ સંસદમાં સવાલ પૂછવા માટે બિઝનેસમેન દર્શન હીરાનંદાની પાસેથી પૈસા અને ગિફ્ટ લીધી હતી. સ્પીકરે આ મામલો એથિક્સ કમિટીને મોકલ્યો હતો.
એથિક્સ કમિટીએ 27 ઓક્ટોબરે મહુઆને સમન્સ મોકલ્યા હતા અને તેમને 31 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે સમિતિ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. મહુઆએ એ જ દિવસે એથિક્સ કમિટીને પત્ર લખ્યો હતો કે તે 5 નવેમ્બર પછી જ હાજર રહી શકશે. 28 ઓક્ટોબરના રોજ એથિક્સ કમિટીએ મહુઆને 2 નવેમ્બરે તેમની સામે હાજર થવા કહ્યું.

2 નવેમ્બરે મહુઆ મોઇત્રા સંસદની એથિક્સ કમિટીની ઓફિસમાં પૂછપરછ માટે પહોંચી હતી. બાદમાં તે ગુસ્સામાં ત્યાંથી નીકળી હતી. તેમણે સમિતિના અધ્યક્ષ પર ખરાબ પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો હતો. મહુઆ મોઇત્રા, દાનિશ અલી અને અન્ય વિપક્ષી સાંસદો ગુરુવારે બપોરે 3:35 વાગ્યે એથિક્સ કમિટી ઑફિસમાંથી ગુસ્સાથી વૉકઆઉટ થયા. જ્યારે તેને તેના ગુસ્સાનું કારણ પૂછવામાં આવ્યું તો દાનિશ અલીએ કહ્યું – અધ્યક્ષ પૂછે છે કે તે રાત્રે કોની સાથે વાત કરે છે.

6 નવેમ્બરના રોજ મહુઆએ દાવો કર્યો હતો કે 7 નવેમ્બરે યોજાનારી લોકસભાની એથિક્સ કમિટીની બેઠક સ્થગિત કરવામાં આવી હતી, જેથી સમિતિના સભ્યો અને કોંગ્રેસના સાંસદોને કાર્યવાહીથી દૂર રાખી શકાય.
વાસ્તવમાં મહુઆ સામેના આરોપોના ડ્રાફ્ટ રિપોર્ટ પર વિચારણા કરવા માટે મંગળવારે સમિતિની બેઠક મળવાની હતી. આ બેઠક હવે 9 નવેમ્બરે યોજાશે. મહુઆએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ડ્રાફ્ટ રિપોર્ટ હજુ સુધી સભ્યોને આપવામાં આવ્યો નથી.