ઘૂંટણની સર્જરીના ખોટા બીલો બનાવીને 2.58 લાખ રૂપિયાનો મેડિક્લેમ પકવવાનું તરકટ રચનારા ડોક્ટર, લેબોરેટરીના કર્મચારી અને પતિ -પત્ની વિરુદ્ધ ઇન્સ્યોરન્સ કંપનીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે છેતરપિંડીના ગુના હેઠળ ડોક્ટર ,લેબોરેટરીના કર્મચારી અને મેડીક્લેમ ધારકના પતિની અટકાયત કરી હતી, જ્યારે મેડિક્લેમ રજૂ કરનારી મહિલા હજી સુધી પોલીસની પકડમાં આવી નથી.
મહિલાએ મેડિક્લેમ પકવવા સારવારને લગતા કાગળો તૈયાર કરીને કંપનીને સોંપ્યા હતા
અમદાવાદમાં રહેતા ડો. કેયુરભાઈ પટેલ રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં ઈન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તેમની કંપની જનરલ ઇન્સ્યોરન્સ પોલિસી આપવાનું કામ કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી કંપનીમાંથી સેજલબેન ભાવેશભાઈ કુકડિયા(રહે, કાન્હા ગોલ્ડ રેસિડેન્સી, ડભોઇ રોડ, વડોદરા) હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવ્યો હતો. ત્યાર બાદ ટીપીએ કંપનીને તેઓનો મેડિક્લેમ પકવવા માટે સારવારને લગતા કાગળો તૈયાર કરીને કંપનીને સોંપ્યા હતા.
સંન્નધી હોસ્પિટલના બીલ તથા લેબોરેટરીના રિપોર્ટ રજૂ કર્યાં
સેજલબેને કંપનીમાંથી 27 એપ્રિલ-2019ના રોજ પોલીસી લીધી હતી, જેની મુદત 26 એપ્રિલ-2020 સુધી હતી. ત્યારબાદ સેજલબેને 16 જુલાઇ-2020ના રોજ ડોકયુમેન્ટ્સ ટીપીએ કંપનીને જમા કરાવી 2,58,984નો મેડિક્લેમ મેળવવા અરજી કરી હતી. જેથી કંપનીને શંકા જતા અમારી કંપનીએ ખાનગી ઇન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન સેજલબેને વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે આવેલી સંન્નધી હોસ્પિટલના બીલ તથા લેબોરેટરીના રિપોર્ટ રજૂ કર્યાં હતા .
હોસ્પિટલના ડોક્ટરે મહિલાને ખોટા બીલો બનાવી આપ્યા
તપાસ દરમિયાન હોસ્પિટલના ડોક્ટર અનિમેષ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા રેકોર્ડમાં ખાતરી કરતા સેજલબેને હોસ્પિટલમાં સારવાર લીધી નથી અને હોસ્પિટલના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો છે, પરંતુ, પાછળથી જાણવા મળ્યું હતું કે, ડોક્ટર અનિમેષ સોલંકીએ જ સેજલબેનની સારવાર કરી ન હોવા છતાં ખોટી રીતે તેમની હોસ્પિટલમાં એડમિશનની એન્ટ્રી કરીને સારવારની મેડિકલ હિસ્ટ્રી નોંધ કરી, સેજલબેનની સર્જરી કરી, તેને લગતી દવાઓ તેમજ સર્જીકલ સામગ્રીનો ઉપયોગ કર્યો હોય તેવા તમામ ડોક્યુમેન્ટ બનાવીને સેજલબેનનો વીમો પકવવા માટે મદદ કરી હતી.