મોદીની ગેરંટી એટલે દરેક ગેરંટી પૂરી કરવાની ગેરંટી, કોંગ્રેસને વિકાસ સાથે 36નો આંકડો છે: વડાપ્રધાન મોદી

modi

વડાપ્રધાન મોદીએ છત્તીસગઢનાં કાંકેરમાં વિજય સંકલ્પ મહારેલીને સંબોધી
છત્તીસગઢ કહી રહ્યું છે- અઉ નઈ સહિબો, બદલ કે રહિબો!

વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પૂરજોશથી પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. તેવામાં વડાપ્રધાન મોદી પણ આજે છત્તીસગઢ પહોંચ્યા છે. છત્તીસગઢમાં કાંકેરના ગોવિંદપુરમાં વડાપ્રધાન મોદીએ બીજેપીની વિજય સંકલ્પ મહારેલીને સંબોધી હતી. વડાપ્રધાને પોતાના ભાષણની શરૂઆત ગોંડી ભાષામાં પણ દરેકને જય જોહર કહીને કરી હતી.
રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કાંકેરની જનતાને કહ્યું, કાંકેરમાં ભાજપને વિશાળ સમર્થન જોવા મળી શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભાજપનો સંકલ્પ પછાત લોકોને આગળ લાવવાનો છે, ભાજપનું મિશન આદિવાસીઓ અને પછાત લોકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે. ભાજપનું મિશન છત્તીસગઢની ઓળખને મજબૂત કરવાનું છે, છત્તીસગઢને દેશના ટોપ રાજ્યોમાં લાવવાનો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે હું તમને વચન આપું છું, આ છે મોદીની ગેરંટી, ભાજપની સરકાર બન્યા બાદ પીએમ આવાસ યોજનાને વધુ વેગ મળશે. ગરીબ, આદિવાસી, દલિત અને પછાત પરિવારોને કાયમી મકાનો મળશે. આ મોદીની ગેરંટી છે. મોદીની ગેરંટી એટલે દરેક ગેરંટી પૂરી કરવાની ગેરંટી. અમે 9 વર્ષ પહેલા સુધી જે કામો અશક્ય લાગતા હતા તે પણ પૂરા કર્યા છે કારણ કે મોદીએ તેમના માટે ગેરંટી આપી હતી. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામત પણ વડાપ્રધાન મોદીએ આપ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે મને શહીદ વીર નારાયણ સિંહ અને શહીદ ગુંદાધુરની ભૂમિ પર તમારી સમક્ષ આવવાનું સૌભાગ્ય મળ્યું છે. છત્તીસગઢમાં બીજેપીના સમર્થનમાં જે આંધી ચાલી રહી છે તેની એક ઝલક અહીં કાંકેરમાં પણ જોવા મળી રહી છે. આજે બસ્તરની આ પવિત્ર ધરતી પરથી મને પણ ભાજપના સંકલ્પ સાથે જોડાવાની તક મળી છે. ભાજપનો સંકલ્પ છત્તીસગઢિયાની ઓળખને મજબૂત કરવાનો છે. તેનો હેતુ દરેક ગરીબ, આદિવાસી અને પછાત વર્ગના હિતોનું રક્ષણ કરવાનો છે. આ ચૂંટણી માત્ર તમને ધારાસભ્ય, મંત્રી કે મુખ્યમંત્રી બનાવવા માટે નથી પરંતુ તે તમારું ભવિષ્ય, તમારા બાળકોના ભવિષ્યનો નિર્ણય કરવાની ચૂંટણી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, છત્તીસગઢમાં કોંગ્રેસને વિકાસ સાથે 36નો આંકડો છે. કોંગ્રેસ અને વિકાસ સાથે રહી શકે નહીં.” જ્યાં કોંગ્રેસ છે ત્યાં વિકાસ થઈ શકે નહીં.

જ્યાં સુધી કોંગ્રેસની સરકાર દિલ્હીમાં રહી ત્યાં સુધી કોંગ્રેસ ભાજપની છત્તીસગઢ સરકાર સાથે દુશ્મની કાઢતી રહી. વડાપ્રધાનએ કહ્યું કે, તમે છેલ્લા પાંચ વર્ષોમાં કોંગ્રેસ સરકારની નિષ્ફળતા જોઈ છે. આ 5 વર્ષમાં કોંગ્રેસના નેતાઓના ઘર, તેમના બંગલા, તેમની કાર, આ બધું જ વિકસિત થયું છે. આ 5 વર્ષમાં કોંગ્રેસના નેતાઓના સંતાનો અને તેમના સંબંધીઓને જ ફાયદો થયો. કાંકેર અને બસ્તરના ગરીબ, દલિત, પછાત અને આદિવાસી પરિવારોને શું મળ્યું? કોંગ્રેસે છત્તીસગઢના લોકોને જર્જરિત રસ્તાઓ આપ્યા છે કોંગ્રેસે તમને જર્જરિત શાળાઓ અને હોસ્પિટલો આપી છે. કોંગ્રેસે સરકારી કચેરીઓમાં લાંચનો નવો રેકોર્ડ બનાવ્યો છે. કોંગ્રેસના શાસનમાં તમને નોકરીની વહેંચણી, હત્યા, ગુનાખોરી, હિંસા આ જ બધું મળ્યું છે. એટલા માટે “છત્તીસગઢ કહી રહ્યું છે- અઉ નઈ સહિબો, બદલ કે રહિબો”.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મહિલા આરક્ષણ કેટલા સમયથી પેન્ડિંગ હતું અને તેને કોણે પૂરું કર્યું? ભાજપે એક ગરીબ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનું નક્કી કર્યું અને કોંગ્રેસે તેનો પણ વિરોધ કર્યો. તેમણે આદિવાસીઓનું અપમાન કર્યું. આ અપમાનનો બદલો કોંગ્રેસ પાસેથી લઈશું. મોદી તમારા સ્વાસ્થ્ય અને સારવારના ખર્ચની પણ ચિંતા કરે છે. બસ્તરથી જ મેં આયુષ્માન ભારત યોજના હેઠળ દરેક ગામમાં સારી હોસ્પિટલ બનાવવાના અભિયાનની શરૂઆત કરી હતી. આજે દેશના લોકો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને આયુષ્માન આરોગ્ય મંદિર કહેવા લાગ્યા છે. છત્તીસગઢમાં પણ આવા તમામ ‘આયુષ્માન આરોગ્ય મંદિરો’ બનાવવામાં આવ્યા છે.

કેન્દ્રની ભાજપ સરકારે છેલ્લા 9 વર્ષમાં જે પણ યોજના બનાવી છે, તેનો ઉદ્દેશ્ય એક જ રહ્યો છે, ગરીબોનું કલ્યાણ. આદિવાસીઓનું કલ્યાણ. ગરીબોની ચિંતા ભાજપની પ્રાથમિકતા રહી છે. હું સારી રીતે જાણું છું કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું જીવન કેવું હોય છે. અત્યાર સુધીમાં દેશભરમાં 4 કરોડથી વધુ ગરીબ પરિવારોને કાયમી મકાનો મળ્યા છે. છત્તીસગઢના લાખો ગરીબ પરિવારો માટે લાખો મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. હું વચન આપું છું કે તમારા મોદી દરેક માટે ઘર બનાવશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓએ કહ્યું કે આ ચૂંટણી છત્તીસગઢને બચાવવાની ચૂંટણી છે. આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગઈકાલે જ અમે રાજ્યનો સ્થાપના દિવસ ઉજવ્યો. અટલજીએ આપણને આ રાજ્ય આપ્યું હતું. પરંતુ આજે બસ્તરમાં દરેક વ્યક્તિ તકલીફમાં છે. શિક્ષણ, વીજળી અને પાણીની વ્યવસ્થા બધી જ ખરાબ હાલતમાં છે. બસ્તરનો આખો વિસ્તાર ધર્મ પરિવર્તનની આગમાં સળગી ગયો છે. આજે બસ્તરની આદિવાસી સંસ્કૃતિ જોખમમાં છે. આદિવાસી અને પછાત સમાજ આજે પરેશાન છે. છત્તીસગઢને વિવિધ પ્રકારના ડ્રગ્સનો ગઢ બનાવવામાં આવ્યો છે. હવે છત્તીસગઢને ડબલ એન્જિન સરકારની જરૂર છે. અટલજીના સ્વપ્ન મુજબ આપણે સમૃદ્ધ છત્તીસગઢ અને વિકસિત છત્તીસગઢ બનાવવું છે. જેના માટે છત્તીસગઢમાં ભાજપની સરકાર બનાવવી જરૂરી છે.