ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં 33 વર્ષીય ઓલરાઉન્ડર ડેવિડ વિલીએ કરી સંન્યાસની જાહેરાત

David Willey

ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો યોગ્ય સમય આવી ગયો છે: વિલી
વર્લ્ડ કપ 2023ના 29માં મુકાબલામાં લખનઉંમાં
કોહલીને ઝીરો રન પર આઉટ કરી ખળભળાટ મચાવી દીધો હતો

વનડે વિશ્વ કપ 2023 ઇંગ્લેન્ડ માટે એક ખરાબ સપના સમાન બની રહ્યું છે. ઇંગ્લેન્ડની ટીમે વર્તમાન વિશ્વ કપમાં અત્યાર સુધી 6 મેચમાંથી 5 હારી છે. વર્લ્ડ કપમાં પોતાના સૌથી ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહેલી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના એક મહત્વના ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે.

33 વર્ષીય ઓલરાઉન્ડર ડેવિડ વિલીએ સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે, તેઓ વર્લ્ડકપ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લેશે. સંન્યાસની જાહેરાત કરતા વિલીએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું કે, “હું ક્યારેય નથી ઈચ્છતો કે આ દિવસ આવે. મેં બાળપણમાં માત્ર ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમવાનું સપનું જોયું છે. મેં ઘણું વિચાર્યા બાદ ઘણા અફસોસ સાથે આ નિર્ણય લીધો છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો યોગ્ય સમય આવી ગયો છે. હું વર્લ્ડકપ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમુ.”

હું વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે એક મહાન સફેદ બોલ ટીમનો ભાગ બનવા માટે ખૂબ જ ભાગ્યશાળી રહ્યો છું. મેં રસ્તામાં કેટલીક ખાસ યાદો અને મહાન મિત્રો બનાવ્યા અને કેટલાક ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયો. ડેવિડ વાઈલીએ વધુમાં કહ્યું કે, મારી પત્ની, બે બાળકો, માતા અને પિતા, તમારા બલિદાન અને અતૂટ સમર્થન વિના હું મારા સપનાને પૂરા કરી શક્યો ન હોત. ખાસ યાદો શેર કરવા બદલ અને જ્યારે હું તૂટી ગયો હતો, ત્યારે મને પકડી રાખવા બદલ આભાર. હું કાયમ આભારી છું.

વિલીને આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં માત્ર ત્રણ જ મેચ રમવાનો મોકો મળ્યો છે, જેમાં તેમણે બેટિંગ કરતા 42 રન બનાવ્યા છે અને 5 વિકેટ ઝડપી છે. તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના 2023-24ના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં વિલીને સામેલ નહોતા કરાયા.

વર્લ્ડ કપ 2023ના 29માં મુકાબલામાં લખનઉંમાં ભારત અને ઈંગ્લેડની મેચ રમાઈ હતી. જેમાં ઈંગ્લેડ ટોસી જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. શુભમનના આઉટ થયા બાદ કોહલી ક્રીઝ પર આવ્યા હતા. વિલીએ તેમને ઝીરો રન પર આઉટ કરી ખળભળાટ મચાવી દીધો હતો. આ પહેલી વખત હતું જ્યારે કોહલી વર્લ્ડ કપમાં ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હોય.

ડેવિડ વિલીએ 2015માં ઈંગ્લેન્ડ તરફથી વનડેમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ખરાબ ફોર્મના કારણે તે ક્યારેય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો ન હતો. તેણે ઈંગ્લેન્ડ માટે 70 ODI મેચોમાં 94 અને 43 T20 મેચમાં 51 વિકેટ ઝડપી હતી. તેણે એકલા હાથે ઈંગ્લેન્ડની ટીમ માટે ઘણી મેચો જીતી હતી. તે ઈંગ્લેન્ડની ટીમનો પણ ભાગ હતો જે T20 વર્લ્ડ કપ 2016માં ફાઈનલ મેચ હારી ગઈ હતી.