સરદાર પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં “સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલન”નું આયોજન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં 18 રાજવી પરિવારોનું સન્માન સમારોહ કરવામાં આવ્યું,
સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત ભાજપના ઘણાં દિગ્ગજ નેતાઓ જોડાયા, ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી જોડાયા

અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષથી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં આજે “સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલન”નું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે. આ મહાસંમેલન દ્વારા અખંડ ભારતના નિર્માણમાં જે તે સમયના રાજવીઓએ આપેલા સમર્પણને યાદ કરીને ધર્મ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી થવાનો આજની યુવા પેઢીને સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે. આ સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 18 રાજવી પરિવારોનું સન્માન સમારોહ કરવામાં આવી રહ્યું છે. આ સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાત ભાજપના ઘણાં દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી જોડાયા છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર. પી. પટેલે સંમેલનમાં પધારેલ બધાજ મહેમાનોનુ ઉમળકા ભેર સ્વાગત કરી કાર્યક્રમને સંબોધિત કરી સરદાર પટેલનુ સન્માન કર્યુ અને સંસ્થા સંબંધે વાત કરી.

મહારાણા પ્રતાપના વંશજ લક્ષ્યરાજસિંહ સહિત દેશના 15 રાજવી વારસદારોએ વિશ્વઉમિયાધામનું શિલાપૂજન કર્યું.

આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના વંશજ, ઉદેપુરના રાજવી, ગોંડલ સ્ટેટના રાજવી, વાંકાનેર સ્ટેટના રાજવી આવી પહોંચતાં તમામનું ઢોલ-નગારાં સાથે માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે 100 વીઘા જમીનમાં 100 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કરી રહેલ છે. જ્યાં જગતજનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહેલ છે ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષથી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કર્યું છે.

સરદાર પટેલના જીવનની સિદ્ધાંતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન થઈ રહ્યું છે. આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના ઋણાનુંબંધના અનુરાગી થવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10 હજારથી વધુ કાર રેલી સ્વરૂપે અમદાવાદમાં કાર્યક્રમ સ્થળે પહોંચી છે. જ્યાં કાર રેલીસ્વરૂપે આવનાર લોકો “મેરી મિટ્ટી-મેરા દેશ- મેરા ધર્મ”ની ભાવના સાથે પોતાના શહેર અને ગામની માટીની પૂજા કરી કળશમાં લઈને પહોંચ્યા છે. રાતભરમાંથી આવેલી આ માટીના કળશની પૂજાવિધિ કરી વિશ્વ ઉમિયાધામ દ્વારા નિર્મિત જગતજનની મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

આ સાથે જ ઉમા કાઉન્સલિંગ સેન્ટરનું પણ ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં I.A.S. ACADEMYનો પણ આજના દિવસે શુભારંભ થશે. જ્યાં કોઈપણ સમાજના યુવાનો તાલીમ લઈને IAS થવાનું સ્વપ્ન પૂર્ણ કરશે. આ સાથે વિશ્વ ઉમિયાધામ દેશના ખેલાડીઓ વૈશ્વિક રમતોમાં ઉત્તમ પ્રદાન કરી શકે તે હેતુથી આગામી ડિસેમ્બરમાં વૈશ્વિક ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. જેમાં દરેક સમાજના ગુજરાત સહિત દેશ-વિદેશનાં એક લાખ જેટલા ખેલાડીઓ ભાગ લઇ પોતાની રમતનું કૌશલ બતાવશે.