ઉત્તરાયણમાં અમદાવાદના દરેક વિસ્તારમાં પોલીસના ધાબા પોઇન્ટ મુકાશે, દૂરબીન અને વોકીટોકી સાથે સતત વોચ રખાશે

ઉત્તરાયણનો તહેવાર લોકો ધાબા પર પરિવાર સાથે જ ઊજવે અને મ્યુઝિક સિસ્ટમ વગર ઉજવણી કરે એવી સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરાવવા માટે શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષે રાજ્યના સૌથી મોટા પોલીસ બંદોબસ્ત એવા રથયાત્રા બંદોબસ્તમાં જેમ ધાબા પોઇન્ટ અને બાયનોક્યુલરસ (દૂરબીન)થી વોચ રાખવામાં આવે છે એમ આ વર્ષે ઉત્તરાયણના તહેવાર પર દરેક વિસ્તારમાં ધાબા પોઇન્ટ મૂકવા આવશે. વોકીટોકી સાથે સજ્જ પોલીસકર્મીઓ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ લોકોનું ટોળું અને માસ્ક વગર દેખાશે એટલે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

પોળ વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે
ઝોન 3 ડીસીપી મકરંદ ચૌહાણે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોળ વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે. ધાબા પર અને રસ્તા પર પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવશે. ધાબા પોઈન્ટ પર દૂરબીન વડે પોલીસકર્મીઓ ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ વધુ માણસો દેખાશે ત્યાં કાર્યવાહી કરશે. સરકારની તમામ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા રાજયના તમામ પોલીસ અધિકારીઓના વિડિયો- કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરાયણના તહેવાર અનુસંધાને સરકારની ગાઇડલાઇન્સ તેમજ હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ અસરકારક પાલન થાય એ રીતે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ અંગે પૂરતી તકેદારી રાખવા તમામને સૂચના આપવામાં આવી હતી.

વિડિયો-કોન્ફરન્સમાં ઉત્તરાયણ અંગે બહાર પાડવામાં આવેલા સરકારના જાહેરનામા મુજબ, કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો/રસ્તાઓ વગેરે પર પતંગ ચગાવવા એકત્રિત ન થાય એ અંગે ઉત્તરાયણના આગળના દિવસે, ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે અસરકારક પોલીસ પેટ્રોલિંગ/બંદોબસ્ત રાખવો. ઉત્તરાયણના તહેવારમાં મકાન, ફલેટના ધાબા કે અગાશી ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તેમજ પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે ઊજવાય, જેમાં માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન, ફલેટ કે ધાબા-અગાશી ઉપર એકત્રિત ન થાય અને ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાતપણે પાલન કરે એ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.

પૂરતી તકેદારી રાખવા પણ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી
કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય એવાં કોઇપણ લખાણો કે ચિત્રો પતંગ ઉપર ન દોરે તેમજ ધાબાઓ ઉપર લાઉડસ્પીકર કે ડીજે મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ ન થાય એ અંગે પૂરતી તકેદારી રાખવા પણ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ તથા NGTની સૂચના અન્યવે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુકકલ, માંજા, પ્લાસ્ટિકની દોરી વગેરે પર પ્રતિબંધ છે, પતંગ તેમજ માંજાનાં વેચાણસ્થળો ઉપર ભીડ ન થાય એનો પુરતો બંદોબસ્ત રાખવો. આવી પ્રવૃત્તિ જણાઇ આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવી. રાજ્યમાં ચાર મહાનગરમાં પોલીસ કમિશનરેટ વિસ્તારમાં લાગુ કરવામાં આવેલા કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ થાય એ જોવું તેમજ તમામ પોલીસ અધિકારીશ્રીઓએ પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં ડ્રોન તથા સીસીટીવી સર્વેલન્સનો ઉપયોગ કરી અસરકારક કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા ફિકસ પોઇન્ટ રાખવામાં આવશે
જે વિસ્તારમાં પતંગ અને માંજા જ્યાં વેચાય છે એ વિસ્તારમાં લોકોની ભીડ ન થાય એ સુનિશ્ચિત કરવા માટે પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા ફિકસ પોઇન્ટ રાખવામાં આવશે. આ ઉપરાંત વેપારીઓને પણ આ બાબતે જાણ કરી, પોતાના વિસ્તારમાં ભીડ ન થાય એ રીતેનું આયોજન કરવા તેમની મદદ લેવામાં આવશે. તહેવાર દરમિયાન લોકો નિયમોનું પાલન કરે એ માટે સ્થાનિક આગેવાનો, સોસાયટીના ચેરમેનો, રાજકીય આગેવાનો વગેરેનો પણ સંપર્ક કરી તેમની મદદ લઇ લોકોને આ બાબતે જાણ કરવામાં આવશે. વાહનોની પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા પણ લોકોને નિયમ અનુસાર જ તહેવારની ઉજવણી કરવા સતત સૂચના આપવામાં આવશે.