મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે BJPએ જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી

bjp

PM મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની સહિત 40 દિગ્ગજ નેતાના નામ યાદીમાં સામેલ

સ્ટાર પ્રચારકોની યાદીમાં ગુજરાત ભાજપના એક પણ નેતાનું નામ નથી

લોકસભાની ચૂંટણી પહેલાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે. ભાજપ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ અને પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. જેમ જેમ એક પછી એક બેઠકો પર નામો જાહેર થઈ રહ્યા છે, તેમ તેમ ઉમેદવારો પણ ઘેલમાં આવી ગયા છે અને પોતાના મતક્ષેત્રમાં પ્રચાર અર્થે નિકળી ગયા છે, ત્યારે BJPએ પણ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાની તૈયારી આરંભી દીધી છે.

એમપી વિધાનસભાની અસર લોકસભા પર પણ પડવાની સંભાવનાને પગલે ભાજપ કોઈ કચાશના મૂડમાં નથી. તેવામાં એમપી ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા દિગ્ગજો નામો સામેલ કર્યા છે. ભાજપે આ યાદીમાં 40 નેતાઓને સામેલ કર્યા છે, જેઓ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે.

ભાજપે જાહેર કરેલ સ્ટાર પ્રચારકોની યાદીમાં PM મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, સ્મૃતિ ઈરાની, વીડી શર્મા, અનુરાગ ઠાકુર, પીયૂષ ગોયલ, દેવેન્દ્ર ફડણવીસ, ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્ર સિંહ તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા, અશ્વિની વૈષ્ણવ, હિમંતા બિસ્વા સરમા, કૈલાશ વિજયવર્ગીય, કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ફગ્ગન સિંહ કુલસ્તે, પ્રહલાદ પટેલ, એસપી સિંહ ભગેલ, નરોત્તમ મિશ્રા, મનોજ તિવારી સહિત ઘણા દિગ્ગજ નેતાઓના નામો સામેલ છે. આ નેતાઓ મધ્યપ્રદેશમાં પાર્ટીનો મોરચો સંભાળશે અને ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે.

ગુજરાત બહાર નેતાઓની કોઈ વેલ્યું નથી?, MPમાં એક પણ ને ન મળ્યું સ્થાન
ગુજરાતમાં મોટા મોટા નેતાઓ મોટા ભા થઈને ફરે છે અને મસમોટી વાતો કરી રહ્યાં છે પણ આજની એમપીની આ સ્ટાર પ્રચારકોની યાદીએ એ જાહેર કરી દીધું છે કે ગુજરાતના ભાજપના નેતાઓની ગુજરાત બહાર કોઈ વેલ્યું નથી. આ પહેલાં પણ ગુજરાતના નેતાઓ બંગાળ અને કર્ણાટક ગયા હતા. જ્યાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ગુજરાતના નેતાઓને રાજસ્થાન અને એમપીમાં પણ જવાબદારી સોંપાઈ છે પણ આ નેતાઓને સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન મળ્યું નથી. એવું નથી કે ગુજરાતના નેતાઓને જવાબદારી અપાઈ નથી. ગુજરાતમાંથી ઘણા કાર્યકરો એમપીમાં ચૂંટણી પ્રચારમાં ગયા છે પણ કોઈ કારણોસર આજે જાહેર થયેલી યાદીમાં ગુજરાત ભાજપના એક પણ નેતાનું નામ નથી. ગુજરાતને અડીને આવેલું રાજ્ય હોવા છતાં સ્ટાર પ્રચારકોની યાદીમાં એક પણ નેતાનું નામ ન હોવાથી આજે ગુજરાત ભાજપમાં આ મામલો ચર્ચાને એરણે ચડ્યો છે.