પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાએ 368 રનનુ વિશાળ લક્ષ્ય ખડક્યુ

australia

વોર્નર અને માર્શે પાકિસ્તાની બોલર્સની કરી જબરદસ્ત ધુલાઈ, પાકિસ્તાનના બોલરોને પરસેવો છૂટી ગયો

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લુરુમાં વિશ્વકપ 2023ની મેચ રમાઈ રહી છે. પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ ઓસ્ટ્રેલિયન ટીમને બેટિંગ કરવા માટે પ્રથમ નિમંત્રણ આપ્યુ હતુ. જોકે ઓસ્ટ્રેલિયન ઓપનર્સે પાકિસ્તાની બોલરોને પરેશાન કરી દીધા હતા. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે ધમાલ મચાવતી બેટિંગ શરુઆતથી જ કરતા પાકિસ્તાનના બોલરોને પરસેવો છૂટી ગયો હતો.

શરુઆતથી જ ઓસ્ટ્રેલિયન ઓપનરોએ ધુલાઈ કરવાની શરુઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાના બંને ઓપનરોએ 33.5 ઓવર્સમાં 259 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. બંને ઓપનરોએ સદી નોંધાવી હતી પાકિસ્તાન સામે વિશાળ લક્ષ્ય ખડકવાનો પાયો નાંખ્યો હતો. 41મી ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાએ 300નો આંકડો પાર કરી લીધો હતો. વોર્નરે ધમાલ ભરી બેટિંગ કરતા દર્શકોને મોજ થઈ ગઈ હતી. બંને ઓપનરોએ ચોગ્ગા અને છગ્ગા વરસાવ્યા હતા.

ઓપનર ડેવિડ વોર્નરે તોફાની બેટિંગ કરી હતી. વોર્નરે 124 બોલનો સામનો કરીને 9 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદ વડે 163 રન નોંધાવ્યા હતા. હારિસ રઉફની 4 ઓવરમાં જ 59 રન નોંધાવ્યા હતા. જોકે બાદમાં વિરામ બાદ બાબરે 43મી ઓવરમાં બોલીંગ સોંપતા તેણે ડેવિડ વોર્નરની મહત્વની વિકેટ ઝડપી હતી. વોર્નરે વનડે ક્રિકેટમાં 7મી વાર 150 પ્લસ સ્કોર નોંધાવ્યો હતો. સૌથી વધુ વાર 150ના આંકડાને વટાવનારા બેટર્સની યાદીમાં વોર્નર બીજા સ્થાને છે. વોર્નર અને મિચેલ માર્શ બંનેએ ઓસ્ટ્રેલિયા માટે મજબૂત શરુઆત કરાવી હતી. જોકે વોર્નર બાદ ઓસ્ટ્રેલિયાની રનની ગતિ ધીમી પડી ગઈ હતી. માર્શ 34મી ઓવરના પાંચમાં બોલે શાહિન આફ્રિદીનો શિકાર થયો હતો. તેણે 108 બોલનો સામનો કરીને 121 રન નોંધાવ્યા હતા. માર્શે 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા.

ગ્લેન મેક્સવેલ આફ્રિદીના બોલ પર બાબર આઝમના હાથમાં કેચ આપી બેઠો હતો. સ્ટીવ સ્મિથ 7 રન નોંધાવી પરત ફર્યો હતો. સ્ટોઈનીશ 21 રન, જોશ ઈંગ્લીશ 13 રન, માર્નશ લાબુશેન 8 રન, અને મિચેલ સ્ટાર્કે 2 રન બનાવ્યા હતા.