દેશની સૌ પ્રથમ રેપિડ એક્સ ટ્રેનનો પ્રારંભ, પીએમ મોદીએ રેપિડ ટ્રેનને લીલી ઝંડી બતાવી ઉદ્ઘાટન કર્યું

rapidX-inogration

આ દાયકાના અંત સુધીમાં ભારતની ટ્રેનો વિશ્વમાં કોઈનાથી પણ પાછળ રહેલી જોવા મળશે નહીં.”

વડાપ્રધાન મોદીએ કહ્યું- મને નાનાં નાનાં સપનાં જોવાની કે મરતા-મરતા ચાલવાની આદત નથી
‘જેનો શિલાન્યાસ કરીએ છીએ તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ’
: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના પ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ( RRTS) કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનાં ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ દેશની પ્રથમ રેપિડ રેલ, “નમો ભારત”ને લીલી ઝંડી બતાવી તેનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશને મળનારી આ પ્રથમ રેપિડએક્સ ટ્રેન છે. PM મોદીએ બટન દબાવીને RRTS કનેક્ટ એપ પણ લોન્ચ કરી હતી. PMએ પોતાના મોબાઈલમાંથી QR કોડ સ્કેન કરીને પ્રથમ ટિકિટ ખરીદી હતી. રેપિડ રેલ વિશે સંપૂર્ણ માહિતી આ એપ પરથી ઉપલબ્ધ થશે.

ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ ટ્રેનમાં બેસીને પ્રવાસનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન તેમણે ટ્રેનમાં હાજર શાળાના બાળકો સાથે પણ વાતચીત પણ કરી હતી. પીએમ મોદીએ “નમો ભારત” ‘ટ્રેનના ક્રૂ મેમ્બર સાથે પણ વાતચીત કરી હતી. ટ્રેનની મુસાફરી બાદ પીએમ મોદી વસુંધરા સેક્ટર-8ના મેદાનમાં પહોંચ્યા હતા. તેમણે ખુલ્લી જીપ્સીમાં હાથ હલાવીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. સીએમ યોગીએ મંચ પર પીએમ મોદીને મા દુર્ગાની મૂર્તિ અને નમો ભારતનું મોડેલ રજૂ કર્યું.

અમે જેનો પણ શિલાન્યાસ કરીએ છીએ તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, “આજે સમગ્ર દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. આજે ભારતની પ્રથમ ઝડપી રેલ સેવા “નમો ભારત” ટ્રેન શરૂ થઈ છે. લગભગ 4 વર્ષ પહેલા મેં દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ પ્રાદેશિક કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે, સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધીના તે પટ પર નમો ભારતનું સંચાલન શરૂ થઈ ગયું છે. હું આજે પણ કહું છું કે અમે જેનો પણ શિલાન્યાસ કરીએ છીએ તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. તેમણે કહ્યું, “દિલ્હી-મેરઠનો આ ટ્રેક એક શરૂઆત છે. પ્રથમ તબક્કામાં, દિલ્હી, યુપી, હરિયાણા, રાજસ્થાનના ઘણા વિસ્તારોને નમો ભારત ટ્રેન દ્વારા જોડવામાં આવનાર છે. જો હું રાજસ્થાનનો ઉલ્લેખ કરું તો અશોક ગેહલોતજીની ઉંઘ બગડશે. ભવિષ્યમાં દેશના બાકીના ભાગમાં નમો ભારત જેવી સિસ્ટમ બનાવવામાં આવશે. આ મેરઠ ભાગ દોઢ વર્ષ પછી પૂર્ણ થશે. તે સમયે હું તમારી સેવામાં હાજર રહીશ. મેં મારું બાળપણ રેલવે ટ્રેક પર વિતાવ્યું છે. આજે રેલવેનું આ નવું સ્વરૂપ મને સૌથી વધુ ખુશ કરે છે. આ અનુભવ આનંદદાયક છે.” આગામી 10 વર્ષમાં સમગ્ર રેલવે બદલાતી જોવા મળશે. મને નાના સપના જોવાની આદત નથી કે મને મરતાં મરતાં ચાલવાની આદત પણ નથી. આ દાયકાના અંત સુધીમાં તમને ભારતની ટ્રેનો વિશ્વમાં કોઈનાથી પણ પાછળ રહેલી જોવા મળશે નહીં.”

જેનો શિલાન્યાસ કરીએ છીએ તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ.

આપણી પાસે નવરાત્રિ દરમિયાન શુભ કાર્યની પરંપરા છે

પીએમ મોદીએ કહ્યું, “આપણી પાસે નવરાત્રિ દરમિયાન શુભ કાર્યની પરંપરા છે. પ્રથમ નમો ભારત ટ્રેનને આજે મા કાત્યાયનીના આશીર્વાદ મળ્યા છે. નવી ટ્રેનના ડ્રાઈવરથી લઈને તમામ કર્મચારીઓ, તેઓ આપણા દેશની મહિલાઓ, દીકરીઓ છે. આ ભારતની નારી શક્તિના વધતા પગલાનું પ્રતિક છે. હું દિલ્હી, એનસીઆર અને પશ્ચિમ યુપીના તમામ લોકોને નવરાત્રીની આ ભેટ માટે અભિનંદન આપું છું.

ઉત્તર પ્રદેશમાં 12 લેન એક્સપ્રેસવે (દિલ્હી-મેરઠ) એક સ્વપ્ન હતું. પરંતુ જો મોદી છે તો તે શક્ય છે.

ઉદ્ઘાટન બાદ પીએમ મોદી વસુંધરા સેક્ટર-8ના મેદાનમાં પહોંચ્યા. જ્યાં તેઓ જાહેર સભાને સંબોધી. હિંડન એરબેઝ ખાતે રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વડાપ્રધાનનું નેતૃત્વ કરવા માટે હાજર રહ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, “રાજ્યના લોકો વતી, હું વિજયાદશમી પહેલા આ ભેટ માટે તમારું સ્વાગત કરું છું. સાડા 9 વર્ષમાં આ દેશે વિશ્વસ્તરીય કાર્ય જોયું છે. વંદે ભારત ટ્રેને નવું ભારત બતાવ્યું છે. આજે ઉત્તર પ્રદેશને પ્રથમ વખત નમો ભારત આપવામાં આવી છે. તમારા દ્વારા ફેબ્રુઆરીમાં આગ્રામાં મેટ્રો રેલનું સંચાલન શરૂ થશે. વારાણસીમાં પ્રથમ રોપ-વે સેવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેપિડ રેલ સેવા દિલ્હીથી મેરઠનું અંતર ઘટાડશે. ઉત્તર પ્રદેશમાં 12 લેન એક્સપ્રેસવે (દિલ્હી-મેરઠ) એક સ્વપ્ન હતું. પરંતુ જો મોદી છે તો તે શક્ય છે.

રેપિડ રેલનું નામ બદલવામાં આવ્યુંઃ

દિલ્હીથી મેરઠ સુધીના પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોરનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચ, 2019ના રોજ દિલ્હીમાં કર્યો હતો. એપ્રિલ-2023માં, NCRTC એ રેપિડ રેલનું નવું નામ RapidX તરીકે જાહેર કર્યું હતું. હવે RRTSની તમામ ટ્રેનો ‘નમો ભારત’ તરીકે ઓળખાશે.

રેપિડ રેલનું નામ બદલવામાં આવતા કોંગ્રેસની પ્રતિક્રિયાઃ

ઉદ્ઘાટન પહેલા કેન્દ્ર સરકારે આ રેપિડએક્સ ટ્રેનનું નામ બદલીને નમો ભારત કરી દીધું છે. આ અંગે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, “નમો સ્ટેડિયમ પછી હવે નમો ટ્રેન”. આ પહેલા અમદાવાદના સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ રાખવામાં આવ્યું છે. તો સાથે સાથે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પણ X પર લખ્યું કે, – માત્ર ભારત જ શા માટે? ચાલો દેશનું નામ બદલીને નમો ભારત કરી દો.

રેપિડ રેલનું ભાડુઃ

રેપિડ રેલ 21 ઓક્ટોબરથી મુસાફરો માટે ઉપલબ્ધ થશે. રેપિડ રેલનો કાર્યકારી સમય સવારે 6 થી 11 વાગ્યા સુધીનો રહેશે. 90 સેમી ઊંચાઈ સુધીના બાળકો માટે કોઈ ભાડું રહેશે નહીં. આમાં મુસાફરો પોતાની સાથે વધુમાં વધુ 25 કિલો વજનની બેગ લઈ શકે છે. સામાન્ય કોચમાં દુહાઈ ડેપોથી સાહિબાબાદ સ્ટેશન સુધીનું ભાડું 50 રૂપિયા હશે. જો તમે પ્રીમિયમ કોચમાં મુસાફરી કરશો તો ભાડું ડબલ થશે.

રેપિડ રેલની ટિકિટઃ

રેપિડ રેલમાં ટિકિટની વાત કરવામાં આવે તો, આમા કેશલેશ ટિકિટ છે, તમે Google Play પરથી RapidX Connect એપ ડાઉનલોડ કરીને ડિજિટલ QR કોડ આધારિત ટિકિટ મેળવી શકો છો. તમે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સાથે પણ મુસાફરી કરી શકો છો. તમારે આ કાર્ડ સ્ટેશન પરના ટિકિટ કાઉન્ટર પરથી ખરીદવું પડશે. આ કાર્ડ પર 100 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનું રિચાર્જ કરાવી શકાય છે. આ સાથે તમે દરરોજ ટિકિટ ખરીદવાની ઝંઝટથી બચી શકશો. ક્રેડિટ, ડેબિટ, પ્રીપેડ કાર્ડ્સ, રુપે કાર્ડ્સ, વિઝા કાર્ડ્સનો ઉપયોગ કરીને ટિકિટ વેન્ડિંગ મશીનો પર ટિકિટ ખરીદી શકાય છે.

રેપિડ રેલની ખાસિયતઃ

  • આ ટ્રેનને 180 KMPSની ઝડપે ડિઝાઇન કરવામાં આવી છે, પરંતુ હાલમાં તે 160 KMPSની ઝડપે દોડશે. આટલી ઝડપે દોડનારી આ દેશની પ્રથમ ટ્રેન હશે.
  • ટ્રેનમાં કુલ 6 કોચ છે. આમાં એક કોચ પ્રીમિયમ છે અને બીજો મહિલાઓ માટે આરક્ષિત છે. જનરલ કોચમાં 72 અને પ્રીમિયમ કોચમાં 62 સીટો ઉપલબ્ધ છે. જો કે, આખી ટ્રેનમાં એક સમયે 1700 મુસાફરો બેસીને અને ઉભા રહીને મુસાફરી કરી શકશે.
  • દરેક કોચમાં મહિલાઓ ઉપરાંત વિકલાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે બેઠકો આરક્ષિત છે. તેમાં વ્હીલચેર અને સ્ટ્રેચરની પણ સુવિધા છે.
  • ટ્રેનમાં પ્રવેશ માટે હાઇટેક ઓટોમેટિક ગેટ છે અને પ્લેટફોર્મ અને ટ્રેનના ટ્રેક વચ્ચે કાચની દિવાલ પણ લગાવવામાં આવી છે.
  • તેમાં એર્ગોનોમિકલી ડિઝાઈન કરેલ 2×2 ટ્રાંસવર્સ સીટીંગ, ઉભા રહીને મુસાફરી કરવા માટે પૂરતી જગ્યા, લગેજ રેક, સીસીટીવી કેમેરા, લેપટોપ/મોબાઈલ ચાર્જિંગ સુવિધા, ડાયનેમિક રૂટ મેપ્સ હશે.
  • દરેક જગ્યાએ ડિજિટલ સ્ક્રીન લગાવવામાં આવી છે, જે સ્ટેશન સંબંધિત માહિતી તેમજ ટ્રેનની રિયલ ટાઈમ સ્પીડ બતાવશે.
  • પ્રીમિયમ કોચમાં રિક્લાઈનિંગ સીટ, કોટ હુક્સ, મેગેઝિન હોલ્ડર્સ અને ફૂટરેસ્ટ જેવી ઘણી વધારાની સુવિધાઓ હશે.
  • સામાન્ય મુસાફરોની સુવિધા માટે, શતાબ્દી ટ્રેન અથવા વિમાનમાં ઇકોનોમી ક્લાસ જેવી આરામની બેઠકો સ્થાપિત કરવામાં આવી છે.

દિલ્હી-મેરઠ RRTS કોરિડોર 82 કિલોમીટર લાંબો છે. આ પ્રોજેક્ટ પર લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. હાલમાં તેનો પ્રથમ તબક્કો શરૂ થઈ રહ્યો છે, જે સાહિબાબાદ સ્ટેશનથી ગાઝિયાબાદના દુહાઈ ડેપો સુધી 17 કિલોમીટર લાંબો છે. આ દરમિયાન, કુલ પાંચ સ્ટેશન છે જેમાં સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપોનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ ટ્રેક પર 10 થી 13 ટ્રેનો દોડશે. આ મુસાફરી માત્ર 11 થી 12 મિનિટમાં પૂર્ણ થશે, કારણ કે ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. બીજા તબક્કામાં આ ટ્રેનને વર્ષ 2024માં મેરઠ દક્ષિણ સ્ટેશન સુધી દોડાવવામાં આવશે. જ્યારે વર્ષ 2025માં સમગ્ર દિલ્હી-મેરઠ કોરિડોર પર રેપિડ રેલ દોડશે. રેપિડ ટ્રેનને દિલ્હી મેટ્રોની વિવિધ લાઈનો સાથે જોડવામાં આવશે. તે અલવર, પાણીપત અને મેરઠ જેવા વિવિધ શહેરોને દિલ્હી સાથે પણ જોડશે. એટલે કે એકંદરે, આપણે તેને બુલેટ ટ્રેનનું ટ્રેલર ગણી શકીએ. આ ટ્રેનમાં આરામદાયક સીટો છે. સીટોની નજીક મોબાઈલ-લેપટોપ ચાર્જિંગની સુવિધા છે. રેપિડ રેલ સ્ટેશનોની સુરક્ષા વ્યવસ્થા ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ (UPSSF)ને સોંપવામાં આવી છે. CISF દિલ્હીમાં આ સુરક્ષા સંભાળશે.

દિલ્હી-NCRમાં આ ટ્રેન શરુ થવાથી સાર્વજનિક પરિવહનની ટકાવારી 37થી વધીને 63% થઈ જશે. દરરોજના આઠ લાખ લોકો આ ટ્રેનમાં સફર કરશે તેવું અનુમાન છે. પ્રતિવર્ષ 2.50 ટન કાર્બન ડાયોક્સાઈડમાં ઘટાડો થાય તેવી સંભાવના છે.

પીએમ મોદીએ કહ્યું કે, “21મી સદીનું ભારત દરેક ક્ષેત્રે પ્રગતિની નવી ગાથા લખી રહ્યું છે. આજનો ભારત ચંદ્રયાનને ચંદ્ર પર ઉતારીને આખી દુનિયામાં છવાઈ ગયું છે. ભવ્ય G-20નું આયોજન કરીને વિશ્વને ભારત સાથે જોડવાની એક તક બની ગઈ છે. ભારત એશિયન ગેમ્સમાં 100 થી વધુ મેડલ જીતીને બતાવે છે. આજનું ભારત 5G લોન્ચ કરે છે અને તેને દેશના ખૂણે ખૂણે લઈ જાય છે. આજે ભારત ફાઈટર એરક્રાફ્ટ બનાવે છે. આ સાથે વિક્રાંત સમુદ્રમાં તિરંગો ધ્વજ લહેરાવતા જહાજો પણ બનાવે છે. આજે ઝડપી ગતિએ નમો ભારત શરૂ થયું છે, તે પણ મેડ ઈન ઈન્ડિયા છે.