રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ વચ્ચે અસામાજિક તત્વોનો આતંક, 5 બાઈક અને 1 રીક્ષાને આગ ચાંપી, ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ વચ્ચે ગત મોડી રાતે કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જિલ્લા ગાર્ડન ચોકમાં 5 બાઈક અને એક રીક્ષાને આગ ચાંપી દીધી હતી અને બાદમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આવારા શખ્સોને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. 4 બાઇક અને 1 રિક્ષામાં આગ લગાવવાથી 35 હજાર રૂપિયા જેટલુ નુકસાન થયું છે. જેના વાહનો સળગાવાયા તેમને કોઇ સાથે કોઇ પણ પ્રકારનું મનદુઃખ કે માથાકૂટ થઈ ન હતી. જેથી પોલીસ હાલ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે.

રાતે સાડા ત્રણ વાગે ફટાકડા ફૂટે તેવો અવાજ સંભળાતા લોકો દોડીને બહાર આવ્યા
બનાવ અંગે ભકિતનગર પોલીસે જિલ્લા ગાર્ડન ચોક પાસે રહેતા ઇમ્તિયાઝ હારૂનભાઇ ધાનાણી (ઉં.વ.29)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે આઇપીસી 435, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇમ્તિયાઝે વિગતો આપતા જણાવ્યું હતું કે હું રાતે અગિયારેક વાગ્યે ઘરમાં સુતો હતો. મારૂં એક્ટીવા GJ03KS7869 મેં લોક કરી ઘરની બહાર રાખ્યું હતું. તેમજ બીજુ એક પણ ઘર બહાર રાખ્યું હતું. એ પછી રાત્રિના સાડા ત્રણેક વાગ્યે અચાનક ફટાકડા ફૂટતાં હોય તેવા અવાજ થતાં અમે જાગી ગયા હતા અને બહાર નીકળી જોતો બંને વાહન સળગતા દેખાયા હતા.

પાડોશમાં રહેતા રફિકભાઈના બે વાહનો સળગતા જોયા
વધુમાં જણાવ્યું હતું કે અમારા પાડોશમાં રહેતા રફિકભાઇ અલીભાઇ મલેકના બે વાહનો પણ સળગતા જોયા હતા. સાથે જ નૌશાદભાઇ હુશેનભાઇ કુરેશીની માલિકીની CNG રીક્ષા પણ સળગતી જોઈ હતી. જેથી કોઇએ મારા કે પછી મારા પડોશીઓ પ્રત્યે કોઇ પણ કારણોસર રાગદ્વેષ રાખી જ્વલંતશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધાની શક્યતા છે. હાલ તો પોલીસે ઇમ્તિયાઝ ધાનાણીની ફરિયાદ પરથી FRI દાખલ કરી છે. પોલીસે આરોપીઓને શોધી કાઢવા મથામણ શરૂ કરી છે.

એક મકાનના દરવાજામાં પણ આગ પ્રસરી ગઇ હતી
વાહનો સળગાવવામાં પેટ્રોલ કે બીજા કોઇ જ્વલંતશીલ પ્રવાહીનો ઉપયોગ કરાયાની શકયતા છે. આગ ઝડપથી પ્રસરી ગઇ હતી અને જોતજોતામાં 4 ટુવ્હીલર બળીને ખાખ થઇ ગયા હતાં. આ દરમિયાન એક ઘરના દરવાજામાં પણ આગ પ્રસરી ગઇ હતી. લોકોએ સમયસુચકતા વાપરી પાણી છાંટી આગ બુઝાવી નાંખતાં આગળ ફેલાતી અટકી હતી.