ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી
ડિમાર્ટને એક્સપાયર્ડ ડેટ વાળો ગોળ વેચવા બદલ એક લાખનો દંડ ફટકાર્યો
ગાંધીનગરમાં આવેલ એક ડીમાર્ટ સ્ટોરમાંથી એક ગ્રાહકે ગોળ ખરીદ્યો હતો, જે ગોળ એક્સપાયરી ડેટ વાળો હતો. જે અંતર્ગત ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરતા ડીમાર્ટને 64 રૂપિયાના ગોળ સામે 1 લાખ 10 હજાર રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરમાં સેકટર – 19માં રહેતા પંકજભાઈ મહેશભાઈ આહિરે સેકટર 26માં આવેલી ડીમાર્ટ માંથી ગોળની બે બરણી 130 રુપિયામાં ખરીદી કરી હતી. જેનાં પેકિંગ ઉપર જાન્યુઆરી 2022 અને ડિસેમ્બરની એમ અલગ-અલગ પેકેજિંગ તારીખો ધરાવતા બે સ્ટીકરો મારવામાં આવ્યા હતા. ત્યારબાદ જાગૃત ગ્રાહકે આ અંગેનાં પુરાવા સાથે ગાંધીનગરની કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ નોંઘાવી હતી. આ મામલે બંને પક્ષકારોની દલીલોના અંતે કન્ઝ્યુમર કોર્ટે ડી-માર્ટ અને રોસિડ ઈન્ડસ્ટ્રીઝને રૂ. 1 લાખનો દંડ ચૂકવાવાનો હુકમ કર્યો હતો. ડીમાર્ટ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેના કામદારો દ્વારા સ્ટીકર ચોંટાડવામાં ભૂલ થઈ હોઇ શકે છે. પરંતું કોર્ટ દ્વારા આ દલીલને ફગાવી દેવામાં આવી હતી.
કોર્ટે કહ્યું હતુ કે, આ બાબત ઉપજાવી કાઢેલી છે. મજૂરોની અજાણતામાં થયેલી ભૂલ હોવાનું કારણ ખોટું છે. જેના કારણે કોર્ટે કંપની અને ડીમાર્ટને એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ દંડમાંથી 50 ટકા રકમ ફરિયાદી અને અન્ય 50 ટકા ગ્રાહક કલ્યાણ ફોરમમાં જમા કરાવવા કહેવામાં આવ્યું છે.
એક જાગૃત નાગરિક ગાંધીનગરના ડીમાર્ટને ભારે પડી ગયો છે. હવે ગ્રાહક સાથે છેતપરપિંડી કરવી કોઈપણ વેપારી માટે સરળ રહ્યું નથી.