સુપ્રીમ કોર્ટે 26 સપ્તાહની ગર્ભવતી મહિલાની ગર્ભપાત કરવાની અરજી ફગાવી

Supreme court of India

સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે ઈચ્છો તો બાળકને દત્તક આપી શકો છો
ગર્ભમાં ઊછરી રહેલે ભ્રૂણ સંપૂર્ણપણે સ્વસ્થ છે. માતાને પણ કોઈ જોખમ નથી

સુપ્રીમ કોર્ટે 26 અઠવાડિયા અને 5 દિવસની ગર્ભવતી પરિણીત મહિલાની ગર્ભપાત કરવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ નિર્ણય એવા સમયે આપ્યો છે જ્યારે AIIMSના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, મહિલાના ગર્ભમાં બાળક સામાન્ય છે. કોર્ટે મહિલાને ગર્ભપાતની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેંચે સોમવારે કહ્યું હતું કે પ્રેગ્નન્સી ટર્મિનેશન માટે 24 અઠવાડિયાંની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મહિલાને ગર્ભપાત કરવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટને જાણવા મળ્યું કે, ડિપ્રેશનથી પીડિત મહિલા જે દવાઓ લઈ રહી હતી તેનાથી બાળકને કોઈ નુકસાન થયું નથી.

બેન્ચે કહ્યું- મહિલા 26 અઠવાડિયાં અને 5 દિવસની ગર્ભવતી છે. AIIMSના રિપોર્ટ અનુસાર, ગર્ભમાં ઊછરી રહેલે ભ્રૂણ સંપૂર્ણપણે સ્વસ્થ છે. માતાને પણ કોઈ જોખમ નથી. કોર્ટે નિર્ણયમાં કહ્યું- AIIMSએ મહિલાની ડિલિવરી કરાવવી જોઈએ અને એનો ખર્ચ સરકારે ઉઠાવવો જોઈએ. બાળકના જન્મ પછી માતાપિતા નક્કી કરશે કે તેઓ બાળકને ઉછેરવા માગે છે અથવા તેને દત્તક આપવા માગે છે. સરકાર આમાં તેમને મદદ કરશે. કોર્ટે આદેશમાં ટાંક્યું કે જન્મ બાદ બાળકનું ધ્યાન અને તમામ તકેદારી સરકાર રાખશે.

વાસ્તવમાં જ્યારે શુક્રવારે આ મામલાની સુનાવણી થઈ ત્યારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે AIIMS મેડિકલ બોર્ડને ગર્ભમાં રહેલા બાળક પર થતી અસર અંગે રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

આ અંગે મહિલાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, તે લેક્ટેશનલ એમેનોરિયા નામની બીમારીથી પીડિત છે. આ સિવાય તે ડિપ્રેશનમાં પણ છે અને તેની આર્થિક સ્થિતિ પણ સારી નથી. તેથી, તે તેના ત્રીજા બાળકને ઉછેરવામાં સક્ષમ નથી.

કેસની સુનાવણી દરમિયાન મહિલાના વકીલ કોલિન ગોન્સાલ્વિસે દલીલ કરી હતી કે આ એક આકસ્મિક અને બિનઆયોજિત ગર્ભાવસ્થા છે. મહિલાને લાગતું નથી કે તે આગામી ત્રણ મહિના સુધી આ ગર્ભાવસ્થા ચાલુ રાખી શકશે. આ તેના અધિકારોનું ઉલ્લંઘન છે.

અગાઉ 11 ઓક્ટોબરે આ કેસની સુનાવણી બે જજોની બેંચ સમક્ષ થઈ હતી. સુનાવણીમાં બેન્ચે વિભાજિત ચુકાદો આપ્યો હતો. એક ન્યાયાધીશે ગર્ભપાતને મંજૂરી આપવા માટે અનિચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે બીજા ન્યાયાધીશે કહ્યું હતું કે, મહિલાના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.

જસ્ટિસ કોહલી અને જસ્ટિસ નાગરથનાની બેન્ચે 9 ઑક્ટોબરે આ પ્રમાણે આદેશ આપ્યો હતો. જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, કોર્ટ કહેશે કે ‘ભ્રૂણના ધબકારા બંધ કરી દેવા જોઈએ’. તેણે કહ્યું કે તે મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી શકે નહીં. તે જ સમયે જસ્ટિસ બીવી નાગરથનાએ કહ્યું કે કોર્ટે મહિલાના નિર્ણયનું સન્માન કરવું જોઈએ, જે ગર્ભપાત કરાવવા પર અડગ રહી છે.