અમદાવાદના કૃષ્ણનગરમાં યુવકની હત્યાનો વિડિયો વાઇરલ થયો, સાતથી આઠ આરોપી છતાં PI જે.આર. પટેલે બે લોકોને જ આરોપી બતાવ્યા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રાત્રિ ફર્ફ્યૂ વચ્ચે લાકડી અને ઘાતક હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેમાં પોલીસે માત્ર બે લોકો સામે જ મારામારીનો જ ગુનો નોંધ્યો હતો. આ હત્યાની ઘટનામાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI જે.આર.પટેલની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. યુવકની મારામારી સમયનો વિડિયો હાલમાં વાઇરલ થયો છે, જેમાં સાતથી આઠ લોકો યુવકને લાકડી વડે મારી રહ્યા છે. જ્યારે કૃષ્ણનગર પોલીસે માત્ર પિતા-પુત્ર સામે સામાન્ય મારામારીનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરતાં અનેક સવાલો ઊભા થયા છે.

હત્યાનો બનાવ હોવા છતાં પોલીસે સામાન્ય મારામારીની ફરિયાદ લીધી
કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ પાસે આવેલા ઉમિયા પાન પાર્લર નજીક આવેલા જાહેર રોડ ઉપર હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર અને તેના પુત્ર નિશુ શાહે ધ્રુવરાજસિંહ ભાટીને લાકડીઓ અને ધોકા વડે માર મારતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI જે.આર.પટેલે હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટના હોવા છતાં મૃતક ધ્રુવરાજસિંહના પરિવારની સામાન્ય મારામારીની ફરિયાદ લીધી હતી.