11 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચી, આવતી કાલે ભારતની ટીમ અમદાવાદ પહોંચશે

pakistan-team

14 ઓક્ટોબરે રમાશે ભારત-પાક વચ્ચે હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચ

પાકિસ્તાનની ટીમ આશ્રમ રોડની હોટલ હયાતમાં રોકાશે, ભારતીય ટીમ ITC નર્મદા હોટલમાં રોકાણ કરશે

ભારત-પાકિસ્તાન મેચને લઈને તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

ક્રિકેટ ચાહકો જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત-પાકિસ્તાન મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદનાં નરન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. જેને લઈને બંને દેશોના ક્રિકેટ ફેન્સમાં જબરો રોમાંચ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાનાર મેચની રાહ જોઈ રહ્યા છે. આ મેચ માટે પાકિસ્તાનની ટીમનું અમદાવાદમાં આગમન થઈ ચુક્યુ છે તો ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે અમદાવાદ આવી શકે છે.

11 વર્ષ બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમનું અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે. પાકિસ્તાન ટીમના ખેલાડીઓ આશ્રમ રોડ પરની હયાત હોટલમાં રોકાણ કરશે. ટીમના ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોટલ પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રિકેટ ટીમ સિવાય હયાતમાં કોઈને રૂમ નહીં ફાળવાય. હાલ એરપોર્ટથી હોટલ તથા સ્ટેડિયમમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ભારત-પાકિસ્તાન મેચના સંદર્ભમાં બે દિવસ પહેલા ગુજરાતના મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામેલ હતા. મેચ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તંત્ર અને પોલીસ દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે. આ મેચને લઈને તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં અમદાવાદ પોલીસ ઉપરાંત CISF, CRPF અને SRP જેવા સુરક્ષા દળોની પણ હાજરી હશે.

આવતીકાલે ભારતીય ટીમ અમદાવાદ આવનારી છે. ભારતીય ટીમ ITC નર્મદા હોટલમાં રોકાણ કરવાની છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ જે હોટલમાં રોકાવાની છે ત્યાં સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યા બાદ અમદાવાદ પોલીસ સતર્ક થઇ છે. વિવિધ સુરક્ષા એજન્સીઓ સહિત 11 હજારથી વધુ સુરક્ષા જવાનો આ મેચ દરમિયાન ફરજ પર હાજર હશે. આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા અને મેચની તૈયારી અને સુરક્ષાઓ અંગે સમીક્ષા કરી હતી.

ભારત અને પાકિસ્તાનની મેચની રાઈવલરીની એક અલગ જ કહાણી છે. આ બંને દેશોની ક્રિકેટ રાઈવલરી દુનિયાની સૌથી એક્સટ્રીમ અને રોમાંચક ક્રિકેટ રાઈવલરી ગણાય છે. બંને દેશોના ખેલાડીઓ તો મેદાનમાં એકબીજાની સામે ટકરાય જ છે પરંતુ તેનો અસલી કરંટ તો મેદાનની બહાર ભેગા થયેલા બંને દેશોના પ્રેક્ષકોની વચ્ચે જોવા મળતો હોય છે.