દુનિયાની સૌથી મોટી વેક્સિન-નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SSI) કેન્દ્ર સરકારની સાથે કોરોના વેક્સિન-કોવિશીલ્ડના સપ્લાઈ-કોન્ટ્રેક્ટ પર સાઇન કરવાની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેઓ સરકારને એક ડોઝ રૂ. 250માં આપશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SSI)એ ભારતમાં કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી યુઝની અપ્રૂવલ માગી છે અને સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટૂંક સમયમાં જ આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે. ઈમર્જન્સી યુઝની અપ્રૂવલની પ્રોસેસ પહેલાં જ ઝડપી બનાવી દેવામાં આવી છે. જો બધું બરાબર રહેશે તો જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ જશે. કોવિશીલ્ડને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને તૈયાર કરી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે જ તેની ફેઝ 2/3ની ટ્રાયલ્સ કરાવી છે.
SSIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પૂનાવાલાએ પહેલાં જ કહ્યું હતું કે વેક્સિનનો એક ડોઝ ભારતના પ્રાઈવેટ બજારમાં રૂ. 1,000માં મળશે. સરકાર સાથે મોટી સપ્લાઇ ડીલમાં કિંમત થોડી ઓછી હશે. પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે સરકાર વેક્સિનની કિંમત 3 ડોલર અથવા રૂ. 225થી 250 રાખશે. પૂનાવાલાએ એવું પણ કહ્યું હતું કે તેમનું ફોક્સ સૌથી પહેલા ભારતમાં વેક્સિન સપ્લાઇ કરવાનું રહેશે.
ફાઇઝર પણ સરકાર સાથે ડીલ કરવા તૈયાર
ભારતમાં 97 લાખથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમેરિકા પછી સમગ્ર દુનિયામાં પોઝિટિવ કેસના મુદ્દે ભારત બીજા નંબરે છે. હાલ ફાઈઝરની વેક્સિને પણ ભારતમાં ઈમર્જન્સી યુઝ અપ્રૂવલ માગી છે. જોકે એ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. 1450ની આસપાસ હોવાની શક્યતા છે. ફાઈઝરે કહ્યું છે કે જો સરકાર મોટી માત્રામાં સપ્લાઇ ડીલ કરશે તો કિંમત થોડી ઓછી પણ કરી શકાય છે. જોકે હાલ આ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી.
ભારત બાયોટેકે પણ માગી ઈમર્જન્સી યુઝની અપ્રૂવલ
બીજી બાજુ, સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનાર હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે પણ તેમની વેક્સિન માટે સરકાર પાસે ઈમર્જન્સી યુઝની અપ્રૂવલ માગી છે. આ વેક્સિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) સાથે મળીને તૈયાર કરી છે. તેની કિંમત શું હશે એ વિશે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ છતાં આ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. 300-400 હોવાની શક્યતા છે.