નવો આદેશ ના થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે: અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

રવિવારે મોડી રાત્રે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં બીજો હુકમ ન થાય ત્યાં સુધી નાઈટ કર્ફ્યૂ ચાલુ રહેશે ેવી જાહેરાત કરી છે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી બાજુ, હજુ રસી આવતાં પણ એકાદ મહિનો થાય એમ હોવાથી કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અન્ય 3 શહેરમાં કર્ફ્યૂ વધારવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

હવે અમદાવાદમાં તો કર્ફ્યૂના દિવસો વધી ગયા, પણ સુરત અને વડોદરા, રાજકોટમાં સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને સોમવારે કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં અમદાવાદ, સુરત, વડોદરા અ્ને રાજકોટમાં લદાયેલા કર્ફ્યૂનું મૂલ્યાંકન થશે. અત્યારની સ્થિતિ પ્રમાણે કોરોનાના કેસ હજુ વધી રહ્યા છે, અપેક્ષા પ્રમાણે હજુ કોરોનાના કેસ નિયંત્રણમાં આવ્યા નથી. આવા સંજોગોમાં સરકારે અમદાવાદમાં તો કર્ફ્યૂના દિવસો વધારવાનું સરકારે મન બનાવી લીધું છે, પણ સુરત, વડોદરા અને રાજકોટમાં સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી નિર્ણય લેવાશે. જોકે ટોચનાં સૂત્રોના કહ્યા પ્રમાણે રાજ્યભરમાં કોરોનાના કેસ ઘડ્યા ન હોવાથી બાકીનાં 3 શહેરમાં પણ કર્ફ્યૂના દિવસો વધારાય તેવી શક્યતા છે.

આગામી 25 ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર પણ આવી રહ્યો છે. જો આ જ સ્થિતિ રહી તો પરિસ્થિતિ વણસવાની પૂરી શક્યતા છે. જેને પગલે રાજ્યના ગૃહ વિભાગનાં આંતરિક સૂત્રોએ મુજબ આ રાત્રિ કર્ફ્યૂ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે એવી શક્યતા છે.