અમદાવાદ સહિત રાજ્યભરમાં “વિશ્વ અવકાશ સપ્તાહ”ની ભવ્ય ઉજવણી

world-space-week

સાયન્સ સિટી ખાતે પણ ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ ની ઉજવણી, ઉજવણીની થીમ “સ્પેસ અને ઉદ્યોગસાહસિકતા”
સમગ્ર સપ્તાહ દરમિયાન અવકાશ સંશોધન અને ટેકનોલોજી પર વિવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્પેસ મૂવીનું આયોજન

તારીખ 4થી 10 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ ની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આ સપ્તાહની ઉજવણી મુખ્યત્વે “સ્પેસ અને ઉદ્યોગસાહસિકતા” થીમ આધારિત કરાશે.
સ્પેશ ટેકનોલોજીથી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને રૂબરૂ કરાવવા સાથે શિક્ષકોને પણ તેના પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ગુજકોસ્ટ, ગુજરાત સાયન્સ સિટી અને સેક-ઇસરોના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સાયન્સ સિટી અવારનવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનુ આયોજન કરતી રહે છે. “સ્પેસ અને ઉદ્યોગ સાહસિકતા” થીમ આધારિત આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે ઈસરોના ડાયરેક્ટર ડો.નિલેશ દેસાઈ, સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી.વદર અને ગુજકોસ્ટના સલાહકાર શ્રી નરોત્તમ સાહુએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. જેમાં રાજ્યની વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

દેશના સૌથી મોટા વિશ્વ અવકાશ સપ્તાહમાં ગુજકોસ્ટ અને ઈસરોના સ્પેશ ટ્યુટર સ્પેશ ટેકનોલોજી, રિસર્ચ અને તેની તકનિકી બાબતો અંગે યુવા પેઢીમાં જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરશે. જેમાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ વિજ્ઞાન સંયોજકો વચ્ચે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃત્તિઓ યોજાશે. ‘સ્પેશ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ’ થીમ પર ઉજવાનારા આ સપ્તાહમાં અવકાશમાં વ્યાવસાયિક અવકાશ ઉદ્યોગના વધતા મહત્વ અને અવકાશ સાહસિકતા માટેની વધતી તકો અને અવકાશ સાહસિકો દ્વારા વિકસિત અવકાશ તકનિકોના ફાયદા પર ફોકસ કરાયું છે. આરોગ્ય, સંદેશાવ્યવહાર, શિક્ષણ, કૃષિ, ભૂગર્ભજળના સ્તરની ચકાસણી, ઇકોલોજી, પર્યાવરણ, આર્થિક વૃદ્ધિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બેન્કિંગ, વીમો, વિજ્ઞાન અને ટેકનોલોજી અને આવી અન્ય એપ્લિકેશન્સની સંખ્યા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉપગ્રહો મદદરૂપ થાય છે.

આ સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે સમગ્ર સપ્તાહ દરમિયાન ગુઅવકાશ સંશોધન અને ટેકનોલોજી પર વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સ્પેસ પરેડ, સ્પેસ રંગોળી, સ્પેસ મ્યુઝીક, રોકેટરી વર્કશોપ, ક્વિઝ સ્પર્ધા, પેપર પ્લાન મેકિંગ, પોપ્યુલર સાયન્સ ટોક, સ્પેસ મૂવીનું પણ આયોજન કરાશે.

ગુજકોસ્ટ તેના પાટણ, ભુજ, ભાવનગર અને રાજકોટ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોના નેટવર્ક સાથે 33 કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સમાં SAC-ISRO અવકાશ વૈજ્ઞાનિકો સાથે ઇન્ટરેક્ટિવ સત્રોનું આયોજન, સ્પેસ ક્વિઝ, ડ્રોઈંગ, સ્લોગન રાઈટિંગ, સ્પેસ પઝલ, નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન, અમદાવાદ ખાતે SAC-ISRO કેમ્પસની મુલાકાત વગેરે કાર્યક્રમો ભૌતિક અને વર્ચ્યુઅલ બંને રીતે આયોજન કર્યું છે.

વિશ્વ અંતરિક્ષ સપ્તાહ કેમ મનાવવામાં આવે છે ?

આજે ટેક્નોલોજી અને વિજ્ઞાન આપણા રોજીંદા જીવનના દરેક કામ સાથે વણાઇ ચૂક્યા છે. દરેક નવી શોધ પાછળ વૈજ્ઞાનિકોનો મહિના કે વર્ષોનો સંઘર્ષ અને મહેનત રહેલી હોય છે. પછી તે શોધ ભૌતિક હોય કે અંતરિક્ષ ક્ષેત્રની હોય. તેથી જ વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજીના આપણા જીવનમાં પડેલા બહોળા પ્રભાવને ઉજાગર કરવા વિશ્વ અંતરિક્ષ સપ્તાહ મનાવવામાં આવે છે.

વિશ્વ અંતરિક્ષ સપ્તાહ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ(1999થી) સૌથી મોટો અંતરિક્ષ કાર્યક્રમ છે. આ પહેલની તારીખને ઇતિહાસના બે મહત્વપૂર્ણ બનાવોને સન્માનિત કરવા માટે રસપ્રદ રીતે પસંદ કરવામાં આવી છે.

  • 1957માં પ્રથમ માનવ સર્જીત પૃથ્વી ઉપગ્રહ સ્પુતનિકને 4 ઓક્ટોબરના રોજ અવકાશમાં સંશોધન માટે લોન્ચ કરવામાં આવ્યો હતો.
  • 4 ઓક્ટોબર, 1967માં એક કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. જેને ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થો સહિત બાહ્ય અવકાશના સંશોધન અને શાંતિપૂર્ણ ઉપયોગોમાં દરેક દેશોની પ્રવૃત્તિઓનું સંચાલન કરતા સિદ્ધાંતોની સંધિ કહેવામાં આવે છે.

દર વર્ષે વિશ્વભરમાંથી હજારો લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસથી માનવ જીવન ખૂબ જ સરળ બન્યું છે. વિજ્ઞાન રોજીંદા જીવનને અનેક ફાયદાઓ થયા છે – સંચાર, ઇન્ટરનેટ, સેટેલાઇટ, સ્પેસ સ્ટેશન્સ, વેધર ફોરકાસ્ટ વગેરે જેવા અનેક નવા લાભો આજે આપણે માણી રહ્યા છીએ. વિશ્વ અંતરિક્ષ સપ્તાહ મનાવવાનો હેતુ સ્પેસ સેક્ટરમાં હજારો લોકોની મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરી તેનાથી કઇ રીતે વિશ્વના આર્થિક અને ગતિશીલ વિકાસ પર અસરો પડી તેને ઉજાગર કરવાનો છે.

વિશ્વ અંતરિક્ષ સપ્તાહની ઉજવણીના સમયગાળા દરમિયાન વિવિધ સ્પેસ એજન્સીઓ, શાળાઓ, પ્લેનેટેરિયા, મ્યૂઝિયમ, એરોસ્પેસ સંસ્થાઓ અને ખગોળશાસ્ત્ર ક્લબ્સ સ્થાયી આર્થિક વિકાસ માટે અવકાશના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સ્પેસ એજ્યુકેશન, વેબિનાર અને આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરે છે, અને આપણને સ્પેસ સાયન્સ દ્વારા મળતા લાભો વિશે ચર્ચા કરે છે અને યુવાનોને પ્રેરણા પૂરી પાડે છે.