ઓનલાઈન ગેમિંગ કેસ મામલે કાર્યવાહી : એપના પ્રમોટરના લગ્ન તથા સક્સેસ પાર્ટીમાં હાજરી આપનારા અભિનેતા અને સિંગર્સની ઈડી દ્વારા તપાસ
મહાદેવ ઓનલાઈન બેટિંગ કેસ હેઠળ તપાસ એજન્સીઓના રડારમાં અનેક અભિનેતાઓ અને સિંગર્સ આવી ચૂક્યા છે. જે મામલે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરની મુશ્કેલી વધી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ઓનલાઈન ગેમિંગ મામલે રણબીર કપૂરને સમન્સ મોકલ્યું છે.ઈડીએ ઓનલાઈન ગેમિંગ કેસમાં રણબીર કપૂરને 6 ઓક્ટોબરે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
સૌરભ ચંદ્રાકરે પોતાના લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ લગ્ન આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયા હતા. જેમાં કેટલાક સ્ટાર્સ અને સિંગર્સ પણ સામેલ થયા હતા. હવે ઈડી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં સામેલ સ્ટાર્સ સાથે પૂછપરછની તૈયારીમાં છે. હાલ સૌરભ ચંદ્રાકર સામે તપાસ ચાલી રહી છે. યુએઈમાં યોજાયેલા સૌરભ ચંદ્રાકરના લગ્નમાં પરફોર્મ કરવા માટે ફિલ્મ સ્ટાર્સને પ્રાઈવેટ જેટ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં માત્ર રણબીરનું જ નામ નહીં, પરંતુ લિસ્ટમાં 15-20 સેલેબ્સ બીજા પણ છે, જેઓ EDની રડાર પર છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, ટાઈગર શ્રોફ, સની લિયોન, નેહા કક્કર, સુખવિન્દર સિંઘ, ભાગ્યશ્રી, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા, વિશાલ દદલાની, એલી અવરામ, અલી અસગર, ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, આતિફ અસલમ અને રાહત ફતેહ અલી ખાન જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો હતો.
આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ED દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, તેમણે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી મામલે 417 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ અને જપ્ત કરી લીધી છે. ઈડીએ જણાવ્યું હતું કે, સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ એપને દુબઈથી સંચાલિત કરે છે. મહાદેવ ગેમિંગ-બેટિંગ એક ઓનલાઈન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે. આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્ન ફેબ્રુઆરીમાં સંયુક્ત અમીરાતમાં થયા હતા. લગ્નમાં 200 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો. આ આલીશાન લગ્નનો વીડિયો ભારતીય એજન્સીઓના હાથે લાગ્યો છે. લગ્નમાં પરફોર્મ કરવા માટે જેટલા પણ સેલેબ્સને બાલાવાયા હતા, તે પણ રડાર પર આવી ગયા છે. યુએઈમાં એપના પ્રમોટરના લગ્ન તથા સક્સેસ પાર્ટીમાં હાજરી આપનારા અભિનેતા અને સિંગર્સની પણ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.