ગોરા કુંભાર વિશે અસભ્ય શબ્દોમાં પ્રવચન કરતા પ્રજાપતિ સમાજમાં ફેલાયો રોષ
બ્રહ્મસ્વરૂપ સ્વામી માંફી માગે નહી તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી
સાળંગપુરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ વિવાદસ્પદ ભીંતચિત્રો મૂકીને સનાતન ધર્મના લોકોની લાગણી દુભાવી હતી ત્યારે ત્યારે પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને આક્રમક રીતે ઝાટકીને ચીમકી આપી હતી. આ ઘટના બાદ વધુ એક સ્વામિનારાયણ સાધુના બફાટ સામે આવ્યો છે. આ વખતે બ્રહ્મસ્વરુપ સ્વામીએ પ્રજાપતિ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો બોલ્યા હતા.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ફરી પોતાની જીભ પર કાબુ ગુમાવ્યો છે. બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ગોરા કુંભાર વિશે ગંદી ભાષામાં બફાટ કરતા પ્રજાપતિ સમાજમાં ભારે રોષ ભરાયો છે. આ મામલે સુરેન્દ્રનગરમાં પ્રજાપતિ સમાજે કલેક્ટરને રજૂઆત કરી છે. તેમજ બ્રહ્મસ્વરૂપ સ્વામી માફી ન માંગે તો ઉગ્ર વિરોધની ચીમકી આપવામાં આવી છે. સ્વામિનારાયણના સાધુ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર પ્રજાપતિ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. સ્વામિનારાયણના મંહત બ્રહ્મસ્વરૂપ સ્વામી માંફી માગે નહી તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીશું તેમ પ્રજાપતિ સમાજના આગેવાનોએ જણાવ્યું છે. ઝાલાવાડ ભાલ બત્રીસી પ્રજાપતિ બોર્ડિંગ પ્રજાપતિ યુથ ફાઉન્ડેશન તેમજ રતનપર જોરાવરનગર સુરેન્દ્રનગર પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપ્યું છે. વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના મંહત દ્વારા આવુ કૃત્ય કરવામાં આવે છે. આ વખતે કડક કાર્યવાહી કરવાની સમાજની માગણી છે.
તાજેતરમાં ભકત ગોરા કુંભાર અને એમની પત્ની વિશે અભદ્ર ભાષા બોલનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત બ્રહ્મસ્વરૂપસ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. આવેદનમાં ઉમેર્યું હતું કે, આ પ્રકારની વાણી-વીલાસથી અમો પ્રજાપતિ સમાજની ધાર્મીક લાગણી, દુભાણી છે અને આવા શબ્દો બોલીને સ્વામીનારાયણ સંપ્રદાયના કહેવાતા ‘બ્રહ્મસ્વરૂપ સ્વામિ’એ સમાજમાં વર્ગ વિગ્રહ થાય એ પ્રકારનું કૃત્ય કરેલ છે.
રાજકોટમાં પણ પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને પગલા લેવાની માંગ કરી છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીને કાયદાનું ભાન કરાવવાની પ્રજાપતિ સમાજે માંગ કરી છે. ખંભાળિયા સહિતના જિલ્લાઓમાં આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે. સ્વામીનો બફાટ કરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ અગાઉ ખોડીયાર માતાજી વિશે બકવાસ કર્યો હતો અને ફરી એકવાર પોતાના બફાટથી વિવાદમાં આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે આ જ બ્રહ્મસ્વરુપ સ્વામીએ અગાઉ ‘ખોડીયાર માતાજી’ વિશે પણ અસભ્ય ટીપ્પણી કરી હતી. આ સ્વામીને બોલવાનું કોઇ ભાન નથી. આ સ્વામી બીજા ધર્મના દેવી-દેવતા, માતાજી અને તેમના ભકતોના કોઇને કોઇ બહાને અપમાન કરે છે અને ખોટી રીતે દ્રષ્ટાંત સમજાવીને લોકોને ખોટા ધાર્મીક મેસેજ આપે છે. સ્વામીએ પોતાના વકતવ્યમાં વાપરેલા શબ્દો “સામાન્ય કુંભારણસ્ત્રી” અને “ગોરાકુંભારના રૂમમાં સુવા બાબતનું વર્ણન” જ સ્વામીની હલકી માનશીકતા દર્શાવે છે. ધાર્મીક બાબતનું કોઇ જ્ઞાન ન હોવા છતાં વ્યાસપીઠ ઉપર બેસીને લોકોને એકદમ તુચ્છ ભાષામાં ધાર્મીક જ્ઞાન આપીને બીજા સમાજના સંતો અને ભકતોની મજાક ઉડાવે છે.