રાજ્યમાં દારૂબંધીની વાતો થઈ રહી છે જેની વચ્ચે અમદાવાદ શહેરમાં બેફામ દેશી દારૂનું વેચાણ શરૂ થઈ ગયું છે. અમદાવાદના નારોલ ગામમાં દેશી દારૂનું મોટાપાયે વેચાણ થતું હોવાનો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં દારૂ પીતા જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિ ખુલ્લેઆમ પૈસા લઈ અને દેશી દારૂની થેલીઓ આપતો નજરે પડે છે. બેફામ રીતે નારોલ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે જ્યારે નારોલ પીઆઇ શકિતસિંહ ગોહિલનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યા ન હતા. DCP એ.એમ.મુનિયાએ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, વીડિયો મને મોકલો હું તપાસ કરાવી લઉં છું.
મહિલા બુટલેગર દેશી દારૂનું જાહેર સ્ટેન્ડ ચલાવે છે
અમદાવાદ શહેરમાં દેશી દારૂ- જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ હોવા છતાં નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ શકિતસિંહ ગોહિલ અને તેમના વહીવટદારના રહેમનજર હેઠળ મોટપાયે દેશી દારૂનું જાહેર સ્ટેન્ડ શરૂ થઈ ગયું છે. આવા જાહેર સ્ટેન્ડ શરૂ થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. DCP એ.એમ.મુનિયા, એસીપી આર.બી. રાણા સહિતના ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખી સ્ટેન્ડ ચાલુ કરવાની પરમિશન આપી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો મુજબ વાઇરલ વીડિયોમાં જે દેશી દારૂનું જાહેર સ્ટેન્ડ ચાલે છે તે કોઈ મહિલા બુટલેગરનું છે અને ત્યાં દિવસ દરમ્યાન અનેક લોકો દારૂ પીવા આવે છે.