ન્યૂયોર્કમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ અને એરપોર્ટ થયા પાણી-પાણી, શહેરમાં ઈમરજન્સી જાહેર

newyork

રેલ-હવાઈ વાહન વ્યવહાર થંભી ગયો, પૂર જેવી સ્થિતિ, લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપાઇ સૂચના

અમેરિકાના ન્યૂયોર્કમાં ભારે વરસાદે ભારે તબાહી મચાવી છે, શુક્રવારે થયેલ ભારે વરસાદને કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે પડેલો વરસાદ છેલ્લા એક દાયકામાં એક દિવસમાં સૌથી વધુ હતો. શહેરના ઘણા સબવે અને રેલ લાઈનોમાં પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે શહેરમાં ઈમરજન્સી જાહેર કરી છે. વરસાદ અને જોરદાર વાવાઝોડાએ શહેરમાં તબાહી મચાવી છે. બધે પાણી જ પાણી દેખાય છે. હાઈવેથી લઈને એરપોર્ટ સુધી બધું જ પાણીમાં ડૂબી ગયું છે.ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ ટર્મિનલને પણ બંધ કરવું પડ્યું. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તંત્ર દ્વારા લોકોને જીવન જરૂરી સેવાઓ પૂરી પાડવમાં મદદ કરી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ન્યૂયોર્કના ગવર્નર અને મેયરે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને લોકોને અસરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરી છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું “હું શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરું છું.” ગવર્નર કેથી હોચુલે લોકોને સાવચેતી રાખવા અને સલામત સ્થળોએ જવાની અપીલ કરી, અને પૂરની પરિસ્થિતિ દરમિયાન ઘરની બહાર જવાનું ટાળવા પણ વિનંતી કરવામાં આવી છે.

ન્યૂયોર્ક સિટી, લોંગ આઇલેન્ડ અને હડસન વેલીમાં કટોકટીની સ્થિતિ લાદવામાં આવી છે. ન્યૂયોર્કમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. વરસાદને કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, તબાહીના આ દ્રશ્યની સામે આવ્યા છે. રસ્તાઓ પર જ્યા જોવો ત્યા પાણી જ પાણી દેખાઇ રહ્યા છે. લોકોને સાવચેતી રાખતા વહીવટીતંત્રે શહેરમાં ઈમરજન્સી જાહેર કરી છે સ્થાનિકોને એલર્ટ રહેવા પણ કહેવામાં આવ્યું છે. ન્યૂયોર્કના બ્રુકલિનમાં લગભગ સાત ઇંચ વરસાદ પડ્યો હતો. અમુક જગ્યાએ માત્ર એક કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્હોન એફ કેનેડી એરપોર્ટ વિસ્તારમાં આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે સપ્ટેમ્બર મહિનાનો રેકોર્ડ વરસાદ છે. આ પહેલા વર્ષ 1960માં ડોના ચક્રવાત દરમિયાન આટલો વરસાદ થયો હતો.

મેનહટનથી જતી મેટ્રો-નોર્થ રેલ લાઇન ભારે વરસાદને કારણે બંધ કરવી પડી હતી પરંતુ મોડી સાંજ સુધીમાં આ લાઇન પર કામગીરી ફરી શરૂ થઈ ગઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે જાહેર પરિવહન પણ ઠપ થઈ ગયું છે. બે વર્ષ પહેલા, ચક્રવાતી તોફાન ઇડાને કારણે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે લગભગ 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જો કે, હજુ સુધી વરસાદને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ તેનાથી લોકોની બે વર્ષ જૂની ભયાનક યાદો ચોક્કસપણે તાજી થઈ ગઈ છે.