સુરતમાં ચોરી કરતાં પકડાયેલો ચોર દિલ્હીથી ફ્લાઇટમાં આવી મોંઘી હોટલમાં રોકાતો, આરોપી ચોરને બે પત્ની છતાં ચોરીની આવક ગર્લફ્રેન્ડ પર ઉડાવતો

સુરતના પિપલોદ વિસ્તારમાં આવેલા ક્રોમા સેન્ટરમાં ગ્રાહકના સ્વાંગમાં કેમેરો ચોરી કરવાનો પ્રયાસ કરનાર ચોરને સિક્યોરિટી ગાર્ડની સર્તકતાથી ઉમરા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં સુરતમાં બે ક્રોમા સેન્ટર ઉપરાંત તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક રાજ્યમાં માત્ર એક મહિનામાં 12 ઠેકાણે ચોરીનો કસબ અજમાવ્યાની કબૂલાત કરી છે. ઝડપાયેલો ચોર અને તેનો એક સાગરીત દિલ્હીથી ફ્લાઈટમાં જ ચોરી કરવા નીકળતા અને જ્યાં ચોરી કરવાની હોય ત્યાંની મોંઘીદાટ હોટલમાં રોકાણ કરતા હતા. આ સાથે ઝડપાયેલા આરોપીને બે પત્ની હોવા છતાં ગર્લફ્રેન્ડ પાછળ ચોરીની આવક ઉડાવતો હોવાનું જાણવા મળ્યું છે.

ગાર્ડ અને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી એકને ઝડપી પાડ્યો
બે દિવસ અગાઉ પિપલોદસ્થિત ક્રોમા સેન્ટરમાં ગ્રાહકના સ્વાંગમાં કેમેરો ચોરી કરવા જતાં બે ચોર આમીરઅલી રઇશઅલી ઉર્ફે સમીરઅલી રમઝાનઅલી શૌન (ઉં.વ. 26 રહે. ગલી નં. 4, ઇસ્ટ ઓલડ શીલમપુર, થાના. ક્રિષ્ણનગર, ગાંધીનગર, દિલ્હી) અને હુસૈનઅલી ઉર્ફે સલમાન મક્સૂદઅલી (ઉં.વ. 30 રહે. એલ 20, 21 ગૌતમ વિહાર, ગઢી મેડુ, ઉત્તર પૂર્વી દિલ્હી) સિક્યોરિટી ગાર્ડની ઝપટમાં આવી ગયા હતા. ગાર્ડે બૂમાબૂમ કરતાં બંને ચોર રિક્ષામાં ભાગી ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. ગાર્ડ અને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી અઠવાલાઇન્સ-રિંગરોડ થઇ ઉધના દરવાજા પાસેથી બે પૈકી એક આમીરઅલીને ઝડપી પાડ્યો હતો, જયારે તેનો સાથીદાર ભાગી ગયો હતો.

આરોપી કીમતી સામાનમાં જે ચિપ લાગી હોય છે એમાંથી સોફટ ટેક કાઢી નાખતાં, જેથી એલાર્મ ન વાગે.

આરોપી કીમતી સામાનમાં જે ચિપ લાગી હોય છે એમાંથી સોફટ ટેક કાઢી નાખતાં, જેથી એલાર્મ ન વાગે.

50 ટકા ભાવમાં વેચી દેતા
આમીરઅલીએ પોલીસ પૂછપરછમાં પિપલોદના ક્રોમા સેન્ટરમાં ચોરી કરવા પૂર્વે ઘોડદોડ રામચોકસ્થિત ક્રોમા સેન્ટરમાંથી 1.51 લાખની કિંમતનો સોની કંપનીનો કેમેરો અને સરથાણાના ઇલેક્ટ્રિક શો રૂમમાંથી 71 હજારનો કેમેરો ચોરી કર્યાની કબૂલાત કરી હતી. માત્ર ક્રોમા સેન્ટર અને રિલાયન્સ ડિજિટલ શો-રૂમમાંથી ચોરીનો કસબ અજમાવતા આમીર અને તેના સાથીદારે ગત તા. 27 ઓક્ટોબરથી તા. 27 નવેમ્બર સુધીમાં તેલંગાણાના હૈદ્રાબાદમાં 5 ઠેકાણેથી 3.61 લાખ, મહારાષ્ટ્રના પુણે શહેરમાં 3 ઠેકાણેથી 3.86 લાખ, કર્ણાટકના બેંગલુરુમાં 2 ઠેકાણેથી 3.08 લાખની કિંમતના મોંઘાદાટ કેમેરા ચોરી કર્યા હતા. દિલ્હીથી બાય ફ્લાઇટ ચોરી કરવા અલગ-અલગ રાજ્યોમાં જતા બંને જણા દિલ્હીમાં 50 ટકા ભાવમાં કેમેરા વેચી દેતા હતા.

આરોપી ક્રોમાના કર્મીઓની નજર ચૂકવી કેમેરો ચોરી કરી રવાના થઈ જતા.

આરોપી ક્રોમાના કર્મીઓની નજર ચૂકવી કેમેરો ચોરી કરી રવાના થઈ જતા.

પીછો છોડાવવા રિક્ષામાંથી કૂદી જતાં ઈજાગ્રસ્ત થયો
કેમેરો ચોરી કરવા જતાં ચોર સિક્યોરિટી ગાર્ડની ઝપટમાં આવી ગયા હતા. કર્મચારીઓથી પીછો છોડાવવા માટે રિક્ષામાંથી કૂદી પડતાં ઘવાયેલો શખસ વીવીઆઈપી ચોર નીકળ્યો છે. બે-બે પત્ની હોવા છતાં પણ ગર્લફ્રેન્ડ પાછળ ધૂમ ખર્ચો કરતો આમીરઅલી અને તેનો સાગરીત ચોરી કરવા માટે ફ્લાઈટમાં જ આવતા અને રોકાણ પણ મોંઘી હોટેલમાં જ કરતા હતા.

આરોપી આમીર દારૂ અને ગર્લફ્રેન્ડનો શોખીન
ભણેલાગણેલા બંને ગઠિયા ચોરી કરવા માટે હવાઈ માર્ગે જ આવતા હતા. ફ્લાઈટ મારફત દિલ્હીથી સુરત આવેલા બંને ગઠિયાઓ સ્ટેશન રોડની મોંઘી હોટેલ સ્ટેઇનમાં રોકાયા હતા. ચોરી કર્યા બાદ આ ગેંગ ફ્લાઇટથી જ પરત ફરતા હતા, જેથી આવવા અને જવાનો સમય ઓછો બગડતો અને ચોરી કર્યા બાદ ઝડપથી શહેર છોડી શકાતું હતું. બે પત્ની ધરાવતો આરોપી આમીર દારૂ અને ગર્લફ્રેન્ડનો શોખીન છે. ચોરી કરી મેળવેલી રકમ તેની ગર્લફ્રેન્ડ પાછળ ઉડાવ્યાનું પોલીસને જણાવ્યું હતું.

ચોરોની મોડસ-ઓપરેન્ડી
બંને ચોરો મોટે ભાગે ક્રોમા સેન્ટર અને રિલાયન્સ ડિજિટલને ટાર્ગેટ કરતા હતા. ચોરી કરવાના એક દિવસ પહેલાં રેકી કરતા, બીજા દિવસે મોકો જોઇ કેમેરા અને મોબાઇલની ચોરી કરતા હતા. કીમતી સામાનમાં જે ચિપ લાગી હોય છે એમાંથી સોફટ ટેક કાઢી નાખતાં એલાર્મ ન વાગે એટલે બન્ને પૈકી એક સરળતાથી ચોરી કરી નીકળી જતો હતો.