ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન મૂર્તિ વીજલાઈનને અડી જતા બે લોકોના મોત

ganesh visarjan

ત્રણ લોકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાયા
ગણપતિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ

સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. આજે ગણેશ મહોત્સવનો છેલ્લો દિવસ છે ત્યારે લોકો ઢોલ નગારા તેમજ ડીજે સાથે ગણેશ વિસર્જન કરવા માટે નિકળ્યા હતા. ગણેશ વિસર્જન દરમ્યાન અનેક દુર્ઘટનાઓનાં સમાચાર મળી રહ્યા છે. વિસર્જન દરમ્યાન દરિયા અને નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ પણ મળી રહી છે. ત્યારે આજે આણંદના ખંભાતમાં ગણેશ વિસર્જન દરમ્યાન વીજ કરંટ લાગવાની મોટી દુર્ઘટના સમાચાર મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આણંદના ખંભાતમાં બપોરે બે વાગ્યાના સુમારે લાડવાડા વિસ્તારના ભગવાન ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઈ જવા યાત્રા નીકળી હતી. આ દરમિયાન ગણેશજીની મૂર્તિ હેવી વીજ લાઈનને અડી જતા પાંચ લોકોને કરંટ લાગ્યો હતો જેમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરરાટી પ્રસરી ગઈ છે.